ઇડીએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી છે. ઇડીએ આ કાર્યવાહી મની લોન્ડરિંગના કેસમાં કરી હોવાનું જાણવા મળ્યું છે. કોલકાત્તાની એક કંપની સાથે સબંધિત હવાલા ટ્રાન્ઝેક્શન મામલે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીની ધરપકડ કરવામાં આવી છે.
Enforcement Directorate arrests Delhi Health Minister Satyendar Jain in a case connected to hawala transactions related to a Kolkata-based company: Officials pic.twitter.com/7zBWfUiAAF
— ANI (@ANI) May 30, 2022
રિપોર્ટ અનુસાર, ઇડીની તપાસમાં સામે આવ્યું છે કે 2015-16 દરમિયાન સત્યેન્દ્ર જૈન લોકસેવક હતા ત્યારે તેમની માલિકી અને નિયંત્રણવાલી કંપનીઓને હવાલા થકી કેશ ટ્રાન્સફરને બદલે શેલ કંપનીઓ તરફથી 4.81 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા. આ પૈસાનો ઉપયોગ જમીનની ખરીદી માટે અથવા દિલ્હી અને તેની આસપાસની ખેતીની જમીન ખરીદવા માટે લૉન ચૂકવવા માટે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. હવે આ મામલે સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 25 ઓગસ્ટ 2017ના રોજ સીબીઆઈએ સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં એફઆઈઆર દાખલ કરી હતી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા દાખલ કરવામાં આવેલી આ FIRના આધારે EDએ AAP નેતા વિરુદ્ધ ફોજદારી કેસ નોંધ્યો હતો. ઇડીએ આ મામલે કાર્યવાહી કરી અને ગયા મહિને સત્યેન્દ્ર જૈનની 4.81 કરોડની સંપત્તિ કબજે કરી હતી. આ કાર્યવાહીના બરાબર એક મહિના પછી ધરપકડ કરવામાં આવી છે.
સરકારના સૂત્રો અનુસાર જ્યારે આઇટી વિભાગ દ્વારા પૂછપરછ કરવામાં આવ્યા બાદ સત્યેન્દ્ર જૈને 16.39 કરોડ રૂપિયાનું કેશ બ્લેક મની સરેન્ડર કર્યું હતું, જે ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ 2016 હેઠળ વૈભવ જૈન અને અનુષ્કા જૈનના બેનામી નામો પર 200 વીઘા જમીન ખરીદવા માટે કોલકત્તાની શેલ કંપનીઓનો ઉપયોગ કરીને એકઠું કરવામાં આવ્યું હતું.
સત્યેન્દ્ર જૈન પર અગાઉ ભ્રષ્ટાચાર અને અધિકારીઓના દુરુપયોગના પણ આરોપ લાગી ચૂક્યા છે. આ ઉપરાંત, સત્યેન્દ્ર જૈનની પુત્રી સૌમ્યા જૈનને મહોલ્લા ક્લિનિક માટે સલાહકાર નિયુક્ત કરવા મામલે પણ ખૂબ હોબાળો મચ્યો હતો અને આ મામલાની તપાસ સીબીઆઈને પણ અપાઈ હતી.
દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈન વ્યવસાયે આર્કિટેકટ છે. તેમને દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના નજીકના માનવામાં આવે છે. તેઓ અન્ના આંદોલનમાં પણ સામેલ હતા અને જે બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અરવિંદ કેજરીવાલ સાથે સારા સબંધોને કારણે જ તેમને કેબિનેટમાં મોટી જવાબદારી મળી હતી.