આસિફ નામના એક ઈસમે પોતે જ્યાં નોકરી કરતો હતો તે જ માલિકની હત્યા કરી નાંખી, તેના પૈસા પણ ચોરી લીધા અને પછી તેમાંથી વેલેન્ટાઈન ડૅ પર પ્રેમિકાને ભેટ આપવા માટે એક નવો મોબાઈલ ખરીદી લાવ્યો હતો. આ મામલો મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરનો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
મામલો ગ્વાલિયર શહેરનો છે. અહીં મંગળવારે (14 ફેબ્રુઆરી, 2023) સવારે પોલીસને એક વ્યક્તિની લોહીથી લથબથ લાશ મળી હોવાની જાણકારી મળી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ કરતાં મૃતકની ઓળખ સુરજ જાટવ તરીકે થઇ હતી.
35 વર્ષીય સુરજ જાટવ ગ્વાલિયરના ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં એક વેલ્ડિંગ વર્કશોપ ચલાવતા હતા. સોમવારે પણ નિત્યક્રમ મુજબ તેઓ વર્કશોપ પર પહોંચ્યા હતા પરંતુ સાંજે ત્યાંથી પરત ફર્યા ન હતા. ત્યારબાદ તેમના સબંધીઓએ શોધખોળ શરૂ કરી હતી.
ग्वालियर-टेंट कारोबारी हत्याकांड का खुला राज,मृतक के कर्मचारी ने ही की हत्या, #वैलेंटाइन_डे पर प्रेमिका को देना चाहता था #मोबाइल,मजदूरी मांगने पर नहीं मिली तो मालिक की हत्या कर 30 हजार रुपये चोरी कर भागा,पुलिस ने किया गिरफ्तार#Mpnews #Gwalior #Murder #Valentine @SushilKaushikMP pic.twitter.com/IV3vg989bg
— News18 MadhyaPradesh (@News18MP) February 15, 2023
દરમ્યાન, વર્કશોપ પર જઈને જોતાં બહારથી તાળું મારેલું જોવા મળ્યું હતું. અંદર જઈને જોયું તો સુરજ જાટવ લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ સબંધીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળે પહોંચીને મૃતદેહ કબજે કરી લીધો હતો.
પ્રાથમિક તપાસ દરમિયાન મૃતદેહ પાસે જ પોલીસને લોહીથી લથબથ હાલતમાં એક હથોડો પણ મળી આવ્યો હતો, જેના વડે સુરજને માથામાં મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી.
પોલીસે તપાસ દરમિયાન આસપાસના CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા તો એક યુવક સોમવારે રાત્રે ગોડાઉનમાંથી નીકળતો જોવા મળ્યો હતો. આ ફૂટેજના આધારે યુવકની ઓળખ કરીને શોધખોળ શરૂ કરવામાં આવી. તપાસમાં તે આસિફ ખાન હોવાનું સામે આવ્યું હતું. તે મૃતક સુરજના ગોડાઉન પર જ નોકરી કરતો હતો.
આસિફ બસમાં બેસીને ભાગવા જતો હતો પરંતુ તે પહેલાં જ ગ્વાલિયર પોલીસે તેને ઝડપી લીધો હતો અને મથકે લાવીને પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં આસિફે સૂરજની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. તેણે પૈસાની લેવડદેવડ મામલે માલિકની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું.
આસિફે પોલીસને જણાવ્યું કે હત્યા બાદ તેણે સૂરજના ખિસ્સામાંથી 30 હજાર રૂપિયા કાઢી લીધા હતા અને સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ વેલેન્ટાઇન ડૅ પર પ્રેમિકાને ભેટમાં આપવા માટે તે જ પૈસામાંથી એક મોબાઈલ ખરીદ્યો હતો અને અન્ય પણ કેટલીક ખરીદી કરી હતી.
મામલાની તપાસ કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપી હાલ પોલીસ હિરાસતમાં છે અને પૂછપરછ ચાલી રહી છે. ઉપરાંત, પોલીસને લોહીથી લથબથ કપડાં અને 11 હજાર રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા.