Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનમાં આતંકી હુમલાઓનો સિલસિલો યથાવત: સુરક્ષાકર્મીઓના કાફલા પર આત્મઘાતી હુમલામાં 4નાં મોત,...

    પાકિસ્તાનમાં આતંકી હુમલાઓનો સિલસિલો યથાવત: સુરક્ષાકર્મીઓના કાફલા પર આત્મઘાતી હુમલામાં 4નાં મોત, પોલીસ અધિકારીના ઘર પર ગોળીબાર

    એક સ્થાનિકે જણાવ્યું હતું કે, રસ્તાની બાજુમાં કેટલાંક વાહનો પાર્ક કરવામાં આવ્યાં હતાં. દરમ્યાન, અચાનક એક વાહન આવીને સુરક્ષાબળોની ગાડી સાથે અથડાઈ ગયું હતું. 

    - Advertisement -

    પાકિસ્તાન આર્થિક મોરચે દિવસેને દિવસે પાયમાલ થતું જઈ રહ્યું છે તો બીજી તરફ જે આતંકવાદરૂપી સાપને પાકિસ્તાને આટલાં વર્ષો પાળ્યો તે હવે તેને જ ડંખી રહ્યો છે. છેલ્લા સમયમાં પાકિસ્તાનમાં થતા આત્મઘાતી હુમલાઓ અને બૉમ્બ બ્લાસ્ટ વચ્ચે વધુ એક આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલો પાકિસ્તાનના વઝિરિસ્તાનમાં થયો છે. 

    મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાનના ઉત્તર વઝિરિસ્તાનમાં શનિવારે સુરક્ષાકર્મીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેમના કાફલા પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેમાં ચારનાં મોત થયાં છે અને 22ને ઇજા પહોંચી છે. 

    હુમલાની જવાબદારી તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાને (TTP) લીધી છે. આ સંગઠન પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હુમલો આત્મઘાતી હતો. 

    - Advertisement -

    સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે મેરી પેટ્રોલિયમ કંપનીના કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓનો એક કાફલો પસાર થઇ રહ્યો હતો ત્યારે વિસ્ફોટકો ભરેલી એક થ્રી-વ્હીલર રિક્ષા લાવીને અથડાવી દેવામાં આવી હતી, જેના કારણે બ્લાસ્ટ થયો હતો. 

    એક સ્થાનિકે જણાવ્યું હતું કે, રસ્તાની બાજુમાં કેટલાંક વાહનો પાર્ક કરવામાં આવ્યાં હતાં. દરમ્યાન, અચાનક એક વાહન આવીને સુરક્ષાબળોની ગાડી સાથે અથડાઈ ગયું હતું. 

    પ્રાપ્ત જાણકારી અનુસાર, આ હુમલામાં ચાર વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા અને 22ને ઇજા પહોંચી હતી. જેમાંથી 15 પેટ્રોલિયમ કંપનીના કર્મચારીઓ હતા. સ્થાનિક તંત્રના અધિકારીઓએ જણાવ્યું કે બ્લાસ્ટ બાદ વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને ઇજાગ્રસ્તોને એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જેમાંથી બેની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાયું હતું. 

    પાકિસ્તાનના આ ઉત્તર વઝિરિસ્તાન પ્રાંતમાં જ રવિવારે (12 ફેબ્રુઆરી, 2023) વધુ એક આતંકવાદી હુમલો થયો હતો. અજાણ્યા આતંકવાદીઓએ એક પોલીસ અધિકારીના ઘરમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો, જેમાં આઠ લોકોને ઇજા પહોંચી હતી. 

    ઉત્તર વઝિરિસ્તાનના ગુલામ ખાન વિસ્તારમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરના ઘરે આતંકીઓએ હુમલો કરી દીધો હતો, જેમાં બે ASI અને બે મહિલાઓ સહિત આઠ લોકોને ઇજા પહોંચી હતી. જેમાંથી 3ની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે. 

    આ ઇજાગ્રસ્તોને લઈને હોસ્પિટલ જતા વાહન પર પણ આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો અને બ્લાસ્ટ કર્યો હતો, જોકે કોઈક રીતે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવ્યા હતા. પોલીસે મામલાની તપાસ શરૂ કરી હોવાનું કહેવાય છે. બીજી તરફ, હુમલાની જવાબદારી કોઈ સંગઠને લીધી હોવાનું ધ્યાને આવ્યું નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં