રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી NIAને મોટી સફળતા મળી છે. બેંગ્લોરમાં વ્યવસાયે એન્જિનિયર એવા આરિફ નામના આતંકવાદી દ્વારા કોઈ ઘટનાને અંજામ અપાય તે પહેલાં જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદી ઈન્ટરનેટ દ્વારા દેશની બહારના દેશના દુશ્મનો એવા આતંકવાદીઓના સંપર્કમાં હતો. વહેલી તકે તે અફઘાનિસ્તાન અને ઈરાન જઈને આતંકવાદી સંગઠનોમાં સામેલ થઇ જવાની ફિરાકમાં હતો. પરંતુ તે પોતાના કારસામાં સફળ થાય તે પહેલાં જ NIA દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
મળતા અહેવાલો અનુસાર, બેંગ્લોરમાં ઝડપાયેલો એન્જિનિયર આરિફ વાસ્તવમાં આતંકવાદી છે. તે શહેરની એક ખાનગી સોફ્ટવેર કંપનીમાં નોકરી કરી રહ્યો હતો. તે છેલ્લાં 2 વર્ષથી આતંકવાદી સંગઠન અલ-કાયદાના સંપર્કમાં હતો. આ સિવાય પણ તે અન્ય કોઈ આતંકવાદી સંગઠન સાથે સંપર્ક છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે ઝડપાયેલો આતંકવાદી આરિફ ઇસ્લામિક ટેરર ગ્રુપ ISISના ખુરાસન એટલેકે ISIS-Kમાં સામેલ થવા માંગતો હતો. જેના માટે તે અફઘાનિસ્તાન અને ઈરાન ભાગી જવા માંગતો હતો. હાલ ધરપકડ બાદ NIA આરિફની પૂછપરછ કરી રહી છે, સાથે જ તેના લેપટોપ અને અન્ય ઉપકરણોને જપ્ત કરી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પહેલાં 7 જાન્યુઆરી 2023ના રોજ પશ્ચિમ બંગાળની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે 2 આતંકીઓની ધરપકડ કરી હતી. NIA હાલ આ કેસની તપાસ કરી રહી છે. અહેવાલોમાં એનઆઈએના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આરોપી લાંબા સમયથી એનઆઈએની મોસ્ટ વોન્ટેડ સૂચિમાં હતો. આતંકવાદીઓની ઓળખ મોહમ્મદ સદ્દામ અને સૈયદ અહેમદ તરીકે થઈ હતી. સદ્દામ છેલ્લા બે વર્ષથી આઈએસઆઈએસના સંપર્કમાં હતો.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બંને આતંકવાદીઓ આઇએસઆઇએસમાં જોડાવા માટે મુસ્લિમ યુવકોનું બ્રેઇનવોશ કરી રહ્યા હતા. તદુપરાંત તેઓ તેમના નેટવર્કને વિસ્તૃત કરવા માટે ભંડોળ એકઠું કરી રહ્યા હતા. બંને દેશ સામે લડત આપવા માટે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક વીડિયો અને પોસ્ટ્સ શેર કરતા હતા. અધિકારીઓને શંકા છે કે કેટલાક યુવાનો તેમની વાતમાં આવ્યા છે. એજન્સીઓને આશંકા છે કે આની પાછળ કોઈક આતંકવાદી સંગઠનનો હાથ છે જે પાકિસ્તાન કે અન્ય દેશોમાંથી ઓપરેટ થઇ રહ્યાં છે.