મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના એક નેતાની મહિલાના યૌન શોષણ બદલ ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ નરેશ મનેરા તરીકે થઇ છે. તેમની ઉપર એક પૂર્વ પત્રકાર મહિલાએ છેડતી અને મારપીટનો આરોપ લગાવ્યો હતો.
Shiv Sena (Uddhav Balasaheb Thackeray) leader Naresh Manera arrested by Thane's Kasarvadavali Police, IPC sections 354&others invoked. FIR lodged u/s 354 IPC(assault or criminal force to woman with intent to outrage her modesty). He was produced before Court: Kasarvadavali Police
— ANI (@ANI) February 11, 2023
આ કાર્યવાહી થાણે પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે નરેશ મનેરાને પકડીને શનિવારે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. પોલીસે વધુમાં જણાવ્યું કે, શિવસેના નેતા મનેરા અને અન્ય કેટલાક શખ્સો સામે થાણેના કાસરવડવાલી પોલીસ મથકે આઇપીસીની કલમ 354 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આરોપી નરેશ મનેરા થાણેના પૂર્વ કોર્પોરેટર છે અને ડેપ્યુટી મેયરના પદ પર પણ રહી ચૂક્યા છે. શિવસેના (ઉદ્ધવ જૂથ) નેતાએ પોતાના વિસ્તારમાં ‘મહારાષ્ટ્ર ઉત્સવ’ નામના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
પીડિતાએ જણાવ્યું કે, ગુરુવારે રાત્રે આયોજિત આ કાર્યક્રમમાં લાઉડસ્પીકરના અવાજના કારણે તે પરેશાન થઇ ગઈ હતી. જેના કારણે રાત્રે 10 વાગ્યે તેણે કંટ્રોલ રૂમ નંબર પર ફોન કરીને ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસ પણ આવી હતી પરંતુ કાર્યક્રમના આયોજકોએ દાદ આપી ન હતી.
ત્યારબાદ પીડિતા પોતે સ્થળ પર ગઈ હતી અને કાર્યક્રમ બંધ કરવા માટે કહીને ઊંચા અવાજે વાગતાં લાઉડસ્પીકર પર વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ ત્યાં હાજર લોકોએ તેની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. મહિલાએ પુરુષો 10-12 લોકો પર છેડતી અને મારપીટનો આરોપ લગાવ્યો છે.
તેણે ફરિયાદમાં કહ્યું કે આ ઝપાઝપીમાં તેની સોનાની ચેન પણ ચોરાઈ ગઈ હતી. ઉપરાંત તેનું જેકેટ પણ ફાડી નાંખવામાં આવ્યું હતું. મહિલાએ કહ્યું કે, એક વ્યક્તિએ તેને લાકડીથી મારી હતી.
ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, મહિલાના પતિએ જણાવ્યું કે પહેલાં પોલીસે કાર્યવાહી કરી ન હતી પરંતુ તેમણે વરિષ્ઠ પોલીસ અધિકારીને ફોન કરીને જાણ કરતાં તેમના હસ્તક્ષેપ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પોલીસે FIR નોંધી હતી. બીજી તરફ પોલીસે મહિલા સામે પણ એનસી ફરિયાદ દાખલ કરી હતી.
આઇપીસીની કલમ 354 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા બાદ થાણે પોલીસે ઠાકરે જૂથની શિવસેનાના નેતા નરેશ મનેરાની ધરપકડ કરી લીધી હતી અને તેમને આજે કોર્ટમાં પણ રજૂ કર્યા હતા.