છત્તીસગઢમાં માઓવાદીઓએ ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષની AK-47થી હત્યા કરી નાંખી છે. મૃતક નેતાનું નામ સાગર સાહુ છે. કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવાર (10 ફેબ્રુઆરી 2023)ના રોજ મોડી રાત્રે સાગર પોતાના ઘરમાં બેસીને ટીવી જોઈ રહ્યા હતા, તે દરમિયાન બાઈક પર આવેલા 2 માઓવાદીઓએ જબરદસ્તી તેમના ઘરમાં ઘૂસીને AK-47 રાઈફલથી 2 રાઉન્ડ ફાયર કરીને માથાના ભાગે ગોળી મારી દીધી હતી. હોસ્પિટલ જવા દરમિયાન તેમણે રસ્તામાં જ દમ તોડી દીધો હતો.
મળતા અહેવાલો અનુસાર, ગઈકાલે રાત્રે 8 વાગ્યાના આરસમાં છત્તીસગઢમાં માઓવાદીઓએ ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષની હત્યા કરી હતી. ઘટના સમયે મૃતક સાગર સાહુ નારણપુર જિલ્લાના છોટે ડોંગર ગામમાં આવેલા તેમના ઘરમાં બેસીને ટીવી જોઈ રહ્યા હતા. આ દરમિયાન બાઈક પર આવેલા 2 માઓવાદીઓ તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા. સાગર સાહુ કશું સમજે તે પહેલાં જ એક માઓવાદીએ તેની પાસે રહેલી AK-47 રાઈફલથી 2 રાઉન્ડ ફાયર કર્યા હતા.
2 રાઉન્ડ ફાયર કરતા સાગરને માથાના ભાગે ગોળી વાગી હતી, જે બાદ તેઓ લોહીલુહાણ હાલતમાં સોફા પર ઢળી ગયા હતા. બંને માઓવાદીઓ ઘટનાને અંજામ આપીને જંગલ તરફ નાસી છૂટ્યા હતા, જયારે ગોળી છૂટવાનો અવાજ સાંભળીને નેતાનો પરિવાર દોડી આવ્યો હતો. રોકકળનો અવાજ સાંભળીને ગામ લોકો પણ ભેગા થઇ ગયા હતા અને સાગરને તાત્કાલિક સ્થાનિક દવાખાને લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર જણાતાં તેમને નારણપુર જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યાં હતા. પરંતુ સારવાર પહેલાં જ તેમનું મૃત્યુ થઇ ગયું હતું.
અગાઉ માઓવાદીઓએ ચેતવણી આપી હતી
બનાવ બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ આદરી હતી. સાગર સાહુના ઘરેથી પોલીસને બે બુલેટ સેલ મળી આવ્યા છે. ભાજપના નેતા સાગર સાહુની હત્યામાં એકે-47નો ઉપયોગ થયો હોવાની પોલીસને શંકા છે. કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર આ પહેલા માઓવાદીઓએ સાગર સાહુને ચેતવણી આપી હતી કે તેઓ આયર્ન ઓર પ્લાન્ટ લગાવવાનું સમર્થન ન કરે. નારાયણપુરના એએસપી હેમસાગર સીદરે જણાવ્યું છે કે આ કેસની તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં નક્સલીઓની સ્મોલ એક્શન ટીમે હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.