વડોદરા નજીક એક ગામમાં મંદિરના પૂજારીને ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. એક મુસ્લિમ યુવાને અજાન સમયે હનુમાન ચાલીસા ન વગાડવાનું કહીને પૂજારીને ધમકાવ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તો બીજી તરફ પૂજારીને રક્ષણ આપવામાં આવ્યું છે.
મામલો વડોદરા નજીકના સરાર ગામનો છે. અહીં મૂળ રાજસ્થાનના સવાઈ માધોપુરના દિનેશચંદ્ર શર્મા રામજી મંદિરમાં પૂજારી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ દરરોજ સવારે મંદિરમાં હનુમાન ચાલીસા વગાડે છે. ગુરુવારે (9 ફેબ્રુઆરી, 2023) સવારે પણ નિત્યક્રમ મુજબ તેમણે હનુમાન ચાલીસા વગાડવાનું ચાલુ કરતાં એક મુસ્લિમ યુવક દોડી આવ્યો હતો અને પૂજારીને ધમકી આપી હતી.
રિપોર્ટ અનુસાર, ગામનો જ માહિર મલેક મંદિરે આવીને પૂજારીને અજાન સમયે હનુમાન ચાલીસા વગાડીશ નહીં અને વગાડીશ તો જોયા જેવી થશે તેમ કહીને ધમકી આપીને ચાલ્યો ગયો હતો. ત્યારબાદ દિનેશચંદ્ર શર્માએ ગામના અન્ય હિંદુઓને જાણ કરતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું.
પૂજારીએ આ મામલે વરણામા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતાં પોલીસે NC ફરિયાદ દાખલ કરીને આરોપી માહિર મલેકની અટકાયત કરી લીધી હતી. જોકે, પછીથી મામલતદાર સમક્ષ જામીન લેવડાવીને છોડી મૂકવામાં આવ્યો હતો.
પૂજારીએ ફરિયાદમાં તેમના જીવને જોખમ હોવાનું કહીને પોલીસ રક્ષણની માંગ કરી હતી. જેને લઈને પોલીસે તેમને બે પોલીસનું રક્ષણ પણ આપ્યું છે.
બનાવને લઈને પોલીસનું કહેવું છે કે, ગામમાં હાલ શાંતિ છે અને કોઈ કોમી પડઘા પડ્યા નથી. વાતચીત બાદ આ પ્રશ્નનું સમાધાન થઇ ગયું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
ઓક્ટોબરમાં ભજન ન વગાડવાનું કહીને મુસ્લિમ પાડોશીએ કર્યો હતો હિંદુ પરિવાર પર હુમલો
ગત ઓક્ટોબર મહિનામાં વડોદરા શહેરમાંથી આવો જ એક મામલો સામે આવ્યો હતો, જ્યાં ઘરના મંદિરમાં ભજન વગાડતા હિંદુ પરિવાર પર મુસ્લિમ પાડોશીએ તલવાર અને દંડા સાથે હુમલો કરી દીધો હતો.
આ ઘટના રવિવાર (16 ઓક્ટોબર 2022)ની છે. જે અનુસાર વડોદરા કલ્યાણનગરમાં સાંજની આરતીના સમયે ઘરના મંદિરમાં માતાજીના ભજન વગાડતા હિંદુ વ્યક્તિને મુસ્લિમ પરિવારના શખ્સોએ આવીને સ્પીકર બંધ કરવાનું કહેતાં વ્યક્તિએ ના પાડી દીધી હતી. ત્યારબાદ આરોપીઓ જતા રહ્યા હતા, પરંતુ થોડીવાર પછી મુસ્લિમ પરિવારના એક બાળકે હિંદુ પરિવારના 11 માસના બાળકને બોલ વગાડતાં પરિવારે જઈને કહેતાં ઉશ્કેરાઈને આરોપીઓએ હિંદુ પરિવાર પર હુમલો કરી દીધો હતો.