રાજસ્થાનની વિધાનસભામાં આજે વર્ષ 2022-23નું બજેટ મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. પરંતુ આ દરમ્યાન તેમણે એક ભોપાળું પણ વાળ્યું હતું. પોતાનાં બજેટ ભાષણની શરૂઆતની પુરી સાત મિનીટ સુધી અશોક ગેહલોત જુનું બજેટ બોલતાં રહ્યાં હતાં. છેવટે તેમની ભૂલ ધ્યાને આવતાં તેમણે વિધાનસભા અધ્યક્ષની માફી માંગી હતી અને નવું બજેટ પ્રસ્તુત કરવાનું શરુ કર્યું હતું.
પૂર્વ કેન્દ્રીયમંત્રી અને રાજસ્થાન ભાજપનાં વરિષ્ઠ નેતા રાજયવર્ધનસિંહ રાઠોડે એક વિડીયો ટ્વીટ કરીને આ માહિતી આપતાં કહ્યું હતું કે રાજસ્થાનની લીક સરકારમાં કશું પણ થવું સંભવ છે.
राजस्थान कांग्रेस की लीक सरकार में कुछ भी संभव है।
— RajyavardhanRathore (@Ra_THORe) February 10, 2023
सदन में मुख्यमंत्री जी ने पिछले साल का बजट पढ़ा pic.twitter.com/QEPeoIKb7R
સવારે બરોબર 11 વાગ્યે અશોક ગહેલોત જેઓ રાજ્યનાં નાણા મંત્રાલયનો પણ હવાલો સંભાળે છે તેમણે બજેટ વાંચવાનું શરુ કર્યું હતું. બરોબર સાત મિનીટ બાદ મનરેગામાં 125 દિવસની રોજગાર ગેરંટીની યોજનાની જાણકારી વિષે બોલતાં જ કોંગ્રેસનાં એક ધારાસભ્યને ખ્યાલ આવ્યો કે અશોક ગેહલોત ગયા વર્ષનું બજેટ વાંચી રહ્યાં છે.
વિડીયોમાં ન દેખાતાં આ ધારાસભ્યે મંત્રી મહેશ જોશી જેઓ મુખ્યમંત્રીની બાજુમાં બેઠાં હતાં તેમને પોતાની પાસે બોલાવીને આ ભૂલ વિષે માહિતગાર કર્યા હતાં. ત્યારબાદ મહેશ જોશી અશોક ગેહલોતની પાછળ ઉભાં રહ્યાં અને તેમને કાનમાં આ ભોપાળા વિષે કહ્યું. અશોક ગેહલોત તરતજ રોકાઈ ગયાં અને બજેટની ફાઈલનું કવર જોતાં જ તેમને ખ્યાલ આવી ગયો કે પોતે જુનું બજેટ જ રજુ કરી રહ્યાં છે.
ત્યારબાદ અશોક ગેહલોત જુનું બજેટ બોલી રહ્યાં છે તેનો ખ્યાલ આવી જતાં તેમણે વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીની માફી માંગી હતી અને નવાં બજેટની ફાઈલ મંગાવીને નવું બજેટ વાંચ્યું હતું. પરંતુ વિપક્ષ આ બાબતે ગુસ્સે થયો હતો અને તેણે ગૃહમાં હંગામો મચાવવાનું શરુ કરી દીધું હતું. જો કે અધ્યક્ષ સીપી જોશીએ વિપક્ષને વિરોધ નોંધાવાની મંજુરી આપી ન હતી.
રાજસ્થાનનાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ આ ઘટનાક્રમ પર પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આ એક અભૂતપૂર્વ ઘટના છે. સામાન્ય રીતે મુખ્યમંત્રી અથવાતો નાણાં મંત્રી બજેટ ભાષણ બોલવું શરુ કરે તેની પહેલાં તેનાં ડોક્યુમેન્ટ્સ ધ્યાનથી વાંચી લેતાં હોય છે. પરંતુ આમ ન કરતાં અશોક ગેહલોત જુનું બજેટ પુરી આઠ મિનીટ સુધી બોલતાં રહ્યાં અને તેમને તેનો ખ્યાલ પણ ન આવ્યો. હવે તમે સમજી શકો છો કે આવાં મુખ્યમંત્રીનાં હાથમાં રાજ્યની સત્તા કેટલી સુરક્ષિત હોઈ શકે.
Former CM Vasundhara Raje slams CM Ashok Gehlot for reading out old budget in the state assembly. #RajasthanBudget2023 pic.twitter.com/1gJqiNmwIZ
— TOI Jaipur (@TOIJaipurNews) February 10, 2023
આ પ્રકારની ગંભીર શરતચૂક બાદ હવે અશોક ગહેલોતનો ગુસ્સો મંત્રાયલથી સંલગ્ન કયા અધિકારી પર ઉતરશે તે અંગેની અટકળો રાજસ્થાનના રાજકીય વર્તુળોમાં તેજ બની ગઈ છે.