ગુજરાત વિધાનસભાએ 25 જેટલા પૂર્વ ધારાસભ્યોનો પગાર અટકાવી દીધો છે. ઘણા ધારાસભ્યોએ ટર્મ પૂરી થઇ ગયા બાદ પણ તેમનાં આવાસ ખાલી કર્યાં ન હતાં, જેને લઈને નોટિસ પણ પાઠવવામાં આવી હતી તો હવે તેમનો છેલ્લા મહિનાનો પગાર અટકાવાયો છે.
સરકારી ઘરો ખાલી ન કરતા અને વિવિધ બિલ ન ભરતા ધારાસભ્યો સામે ગુજરાત સરકારે કડક વલણ દાખવ્યું છે. જે અંતર્ગત નિયમ વિરુદ્ધ સરકારી આવાસોનો ઉપયોગ કરતા પૂર્વ ધારાસભ્યોને ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે તેમજ જો તેમનાં ઘરનાં બિલ બાકી હશે તો છેલ્લા મહિનાનો પગાર પણ અટકાવાશે.
રિપોર્ટ્સ અનુસાર, ક્વાર્ટર ખાલી ન કરનારા અને નો ડ્યુ સર્ટિફિકેટ જમા ન કરાવનારા ધારાસભ્યોનો પગાર અટકાવવામાં આવ્યો છે. અહેવાલોમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ઘણા પૂર્વ ધારાસભ્યોના ક્વાર્ટરના ગેસ અને ટેલિફોનના બિલ બાકી હતાં, જેના કારણે સરકારી તિજોરી ઉપર ભારણ વધી રહ્યું હતું.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અમુક ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા ન હતા. જેથી નવી વિધાનસભા શરૂ થતાં જૂના ધારાસભ્યોની ટર્મ પૂરી થઇ ગઈ હતી. પરંતુ તેમ છતાં પણ કેટલાક પૂર્વ MLAએ આવાસ ખાલી ન કરતાં નવા ધારાસભ્યોને મકાન ફાળવવામાં મુશ્કેલી પડી રહી હતી. જેના કારણે 17 જેટલા પૂર્વ ધારાસભ્યોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી, હવે આ પૂર્વ ધારાસભ્યોનો પગાર અટકાવી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં મંત્રીઓનાં નિવાસસ્થાનો તો છે જ પરંતુ તમામ ધારાસભ્યો માટે પણ ક્વાર્ટર ફાળવવામાં આવે છે. હાલ સેક્ટર 21માં ધારાસભ્યોના નિવાસસ્થાન છે, જ્યાં કુલ 168 ક્વાર્ટર છે. જોકે, હાલ ધારાસભ્યો માટે નવાં નિવાસસ્થાનો બનાવવામાં આવી રહ્યાં છે.
ધારાસભ્યો માટે બનતાં આ નવાં આવાસ ગાંધીનગરના સેક્ટર 17માં બની રહ્યાં છે. 3 બેડરૂમ, હોલ-કિચન ધરાવતાં આ ક્વાર્ટર્સમાં તમામ સુવિધાઓ હશે અને તમામમાં ACની સુવિધાઓ પણ હશે. આ પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે અને હાલ કામ ચાલી રહ્યું છે.
ભૂતકાળમાં પણ ઘણી વખત આવી બાબતો સામે આવી છે જ્યારે પોતાની ટર્મ પૂરી થયા બાદ પણ નેતાઓએ પોતાને ફાળવવામાં આવેલાં સરકારી નિવાસસ્થાનો ઉપર કબજો જમાવી લીધો હોય અને ખાલી કર્યાં ન હોય. જેમાં ધારાસભ્યોથી લઈને ગાંધી પરિવારના સભ્યો સુધીના નેતાઓ સામેલ છે.