પાડોશી ઇસ્લામિક દેશ પાકિસ્તાને ફ્રી એન્સાઈક્લોપિડિયા વેબસાઈટ વિકિપીડિયા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પહેલાં પાકિસ્તાની ટેલિકોમ ઓથોરિટીએ વેબસાઈટ પરના અમુક કોન્ટેન્ટને ‘બ્લાસફેમસ’ (ઇશનિંદા કરતું હોય તે પ્રકારનું) ગણાવ્યું હતું અને તેને હટાવવા માટે કહ્યું હતું. પરંતુ વિકિપીડિયાએ દાદ ન આપતાં આખરે પાકિસ્તાને પ્રતિબંધ લાદી દીધો છે.
શુક્રવારે પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટીએ વિકિપીડિયા સર્વિસને 48 કલાક માટે ડાઉન કરી દીધી હતી અને ધમકી આપી હતી કે જો વેબસાઈટ પરથી ‘બ્લાસફેમસ કન્ટેન્ટ’ હટાવવામાં નહીં આવે તો બ્લૉક કરવામાં આવશે. જોકે, પાકિસ્તાને ‘બ્લાસફેમસ’ શું છે એ જણાવ્યું ન હતું.
પાકિસ્તાની ટેલિકોમ ઓથોરિટીની ચીમકી પછી પણ વિકિપીડિયાએ બહુ દાદ ન આપતાં આખરે પાકિસ્તાને તેને સદંતર બંધ કરી દીધું છે અને પ્રતિબંધ મૂકી દીધો છે. પાકિસ્તાને કહ્યું કે, જો વિકિપીડિયા કાર્યવાહી કરે તો જ પ્રતિબંધ હટાવવા અંગે વિચારવામાં આવશે.
પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘આપત્તિજનક કન્ટેન્ટ’ હટાવવા માટે વિકિપીડિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને સાંભળવા માટેની તક પણ આપવામાં આવી હતી. પરંતુ પ્લેટફોર્મ તરફથી કન્ટેન્ટ હટાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે ઓથોરિટી સમક્ષ હાજર રહ્યા નથી.
પાકિસ્તાનની કાર્યવાહી બાદ વિકિપીડિયાએ કહ્યું કે, જ્ઞાન મેળવવું એ માનવાધિકાર હેઠળ આવે છે અને પાંચમા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ પાકિસ્તાનમાં વિકિપીડિયા પર પ્રતિબંધનો અર્થ એક મોટી વસ્તીને જ્ઞાન મેળવવાથી વંચિત રાખશે. એમ પણ કહેવામાં આવ્યું કે, આ ચાલુ જ રહ્યું તો લોકો પાકિસ્તાનના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે જાણી શકશે નહીં. વિકિપીડિયાએ ફરી રીસ્ટોર કરવાની માંગ કરી છે.
જોકે આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાને કોઈ વેબસાઈટ કે પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હોય. પાકિસ્તાને એક વખત યુ-ટ્યુબ પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે, વર્ષ 2016માં આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો.
પાકિસ્તાન, ઇશનિંદા, કાયદાઓ અને ‘ન્યાય’
પાકિસ્તાનમાં ‘ઇશનિંદા’ના કાયદાઓ સૌથી વધુ ભયાનક છે અને આટલાં વર્ષે પણ તેની ઉપર લગામ લાગી નથી. કાયદા અનુસાર કોઈ ધર્મ, મઝહબ, તેમનાં પ્રતીકો અને પાત્રો વિશે ટિપ્પણી કરવાથી મૃત્યુદંડ થઇ શકે છે. જોકે, પાકિસ્તાનમાં કથિત ઇસ્લામવિરોધી ટિપ્પણી માટે જ મોટાભાગે આ કાયદો ઉપયોગમાં લેવામાં આવે છે અને ઘણા ખરા કેસોમાં તો કેસ કોર્ટ સુધી પણ પહોંચતો નથી અને ટોળું જ ‘ફેંસલો’ લાવી દે છે.