દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સીટીના વિવાદિત વિદ્યાર્થી નેતા શરજીલ ઇમામને CAAના વિરોધમાં આંદોલનના નામે થયેલી હિંસા મામલે છોડી મૂક્યો છે. દિલ્હીની સાકેત કોર્ટના એડિશનલ સેશન્સ જજે આ આદેશ આપ્યો હતો. જોકે, અન્ય કેસોમાં પણ આરોપો લાગ્યા હોવાના કારણે શરજીલ હજુ પણ જેલમાં જ રહેશે.
શરજીલ ઇમામ સાથે કોર્ટે આસિફ ઇકબાલ તન્હાને પણ છોડી મૂક્યો છે. આ બંનેને કોર્ટે સપ્ટેમ્બર 2022માં જામીન આપ્યા હતા. તન્હા જામીન પર પહેલેથી જ બહાર છે પરંતુ શરજીલે હજુ પણ જેલમાં રહેવું પડશે.
પોલીસે કોર્ટ આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2019માં શરજીલ ઇમામે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સીટી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં ભાષણો આપ્યાં હતાં, જેમાં તેણે આસામ અને અન્ય ઉત્તર-પૂર્વી રાજ્યોને બાકીના ભારતથી અલગ કરવાની વાતો કહી હતી.
આ ભાષણો બાદ દિલ્હીમાં અમુક ઠેકાણે હિંસા ફાટી નીકળી હતી અને પ્રદર્શનના નામે ઉત્પાત મચાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે રમખાણો ભડકાવવા અને સાંપ્રદાયિક હિંસાના આરોપસર IPCની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે કહ્યું હતું કે, શરજીલે 15 ડિસેમ્બરના રોજ જામિયા નગરમાં CAA વિરોધી આંદોલનમાં એક ભાષણ આપ્યું હતું, ત્યારબાદ હિંસા ભડકી હતી.
આ મામલે જાન્યુઆરી 2020માં શરજીલ ઈમામની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેની ઉપર ભડકાઉ ભાષણો દ્વારા સીએએના વિરોધના નામે વિવિધ રાજ્યોમાં રમખાણો ભડકાવવાનો આરોપ લાગ્યો હતો. આ હિંસામાં ટોળાએ જામિયા નગરમાં ખાનગી અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું અને બસો અને પોલીસનાં વાહનોમાં આગ પણ લગાડી દેવામાં આવી હતી.
શરજીલ ઇમામને ભડકાઉ ભાષણના કેસમાં છોડવામાં આવ્યો છે પરંતુ અન્ય એક કેસમાં તે જેલમાં જ રહેશે. ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં થયેલાં હિંદુવિરોધી રમખાણો મામલે તેની સામે UAPA એક્ટ હેઠળ કાવતરું ઘડવાનો આરોપ છે, જે કેસ હાલ ચાલી રહ્યો છે.
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ફેબ્રુઆરી, 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલાં આ રમખાણોમાં હિંદુઓને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો અને પથ્થર અને પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ તોફાનોમાં પોલીસકર્મીઓ સહિત 50થી વધુ લોકો માર્યા ગયા હતા જ્યારે 700થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.