અમદાવાદના ગોમતીપુરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જુના ઝઘડાની અદાવતમાં આ હત્યા કરાઈ હોવાની વાત સામે આવી છે. ફરહાન નામના યુવકનું મોત થયું છે જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ મામલે આરોપી ઇરફાન સહીત 2 સામે ફરિયાદ નોંધાયા બાદ ધરપકડ કરાઈ.
અહેવાલ અનુસાર આરીફ હુસેન શેખ નામના ગોમતીપુરના યુવકે ફરિયાદ નોંધાવી છે, જેમાં 1 ફેબ્રુઆરીએ રાત્રિના 9 વાગ્યાના સમયે તે પિતરાઈ ભાઈઓ અને ભત્રીજા ફરહાન સાથે ગોમતીપુરમાં એન. કે રેસ્ટોરન્ટ પાસે બેઠા બેઠા વાતો કરતા હતો. તે વખતે ઈરફાન ઉર્ફે ગોલી ઉસ્માનખાન પઠાણ નામનો શખ્સ હાથમાં છરી જેવું હથિયાર લઈને અચાનક જ ફરિયાદી અને તેના સાથે બેઠેલા તમામ પર હુમલો કર્યો હતો.
ફરિયાદી ઉપર છરીથી જીવલેણ હુમલો કરવાના ઈરાદે પહેલા તેમના ભત્રીજા ફરહાનને છરીના ઘા માર્યા હતા અને અન્ય પિતરાઈ ભાઈઓ વચ્ચે પડતા તેમને પણ અલગ અલગ ભાગ ઉપર છરીના હુમલા કર્યા હતા. ફરિયાદી ગભરાઈ જતા થોડાક દૂર જઈને ઊભો રહ્યો હતો. તે સમયે તેમના કાકી આવી જતા અને તે છોડાવવા પડતા આરોપીઓએ તેમને પણ છરીનો ઘા માર્યો હતો.
તે સમયે ઈરફાન ઉર્ફે ગોલીનો કોઈ સંબંધી સાકીબ ત્યાં આવી ગયો હતો અને ફરિયાદી સાથે ઝઘડો કરીને અપશબ્દો કહ્યા હતા. ત્યારબાદ ટોળું એકઠું થતા ઈરફાન ગોલી અને સાકીબ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ફરહાનને વધુ ઈજા થતા તેને રિક્ષામાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને સિવિસ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન ફરહાનનું મોત નીપજ્યું હતું.
પોલીસે કરી ગણતરીના કલાકોમાં ધરપકડ
આ ઘટના સંદર્ભે ફરિયાદીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઈરફાન ગોલી અને સાકીબ સામે હત્યા અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. ત્યારે આ અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એ. જે. પાંડવે જણાવ્યું હતું કે, મોડી રાત્રે બનેલી ઘટનામાં આરોપી ફરાર થઈ ગયો હોવાથી આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે ગોમતીપુરમાં હત્યાનો આરોપી ઇરફાન પહેલાથી કુખ્યાત છે, આ પહેલા ઘણા કેસ થયેલ છે તેના પર. ઉપરાંત 2018માં તે તડીપાર પણ રહી ચુક્યો છે.