Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપંજાબ: પૂર્વ CM કેપ્ટન અમરિન્દર સિંઘનાં પત્ની અને સાંસદ પરનીત કૌરને કોંગ્રેસે...

    પંજાબ: પૂર્વ CM કેપ્ટન અમરિન્દર સિંઘનાં પત્ની અને સાંસદ પરનીત કૌરને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યાં, પાર્ટીવિરોધી ગતિવિધિઓનો આરોપ લગાવ્યો

    આ પહેલાં ઓગસ્ટ 2022માં પણ પંજાબ કોંગ્રેસે એક પ્રસ્તાવ પસાર કરીને અમરિન્દર સિંઘનાં પત્ની પરનીત કૌરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા માટે માંગ કરી હતી.

    - Advertisement -

    કોંગ્રેસે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘનાં પત્ની અને પટિયાલાથી સાંસદ પરનીત કૌરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં છે. આજે કોંગ્રેસે આ બાબતની અધિકારીક જાણકારી આપી હતી. 

    કોંગ્રેસ તરફથી જારી કરવામાં આવેલ પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું કે, પંજાબ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અમરિન્દર સિંઘ રાજા તરફથી ફરિયાદ મળી હતી, જેમાં પરણિત કૌર પર પાર્ટીવિરોધી ગતિવિધિઓ કરવાનો અને ભારતીય જનતા પાર્ટીને મદદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ઉપરાંત, પાર્ટીના અન્ય નેતાઓ પણ તેમના વિશે આ જ પ્રકારનો મત ધરાવતા હોવાનું જણાવાયું છે. 

    ફરિયાદ મળ્યા બાદ કોંગ્રેસે આ મામલો પાર્ટીની ડિસિપ્લિનરી એક્શન કમિટી સમક્ષ મોકલ્યો હતો, જેમાં કમિટીએ પરણિત કૌરને તાત્કાલિક પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. પાર્ટી અનુસાર, પરનીત કૌરને તેમને શા માટે પાર્ટીમાંથી બરતરફ ન કરવાં જોઈએ તે માટે એક કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે અને ત્રણ દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. 

    - Advertisement -

    આ મામલે કોંગ્રેસ નેતા તારિક અનવરે કહ્યું કે, પરનીત કૌર પાર્ટીવિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાની ફરિયાદો સતત મળતી હતી અને પાર્ટીના પંજાબ સ્થિત એકમ તરફથી તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આખરે પાર્ટીની ડિસીપ્લિનરી કમિટીએ તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે અને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. 

    ઓગસ્ટ 2022માં પંજાબ કોંગ્રેસે પ્રસ્તાવ પસાર કર્યો હતો

    આ પહેલાં ઓગસ્ટ 2022માં પણ પંજાબ કોંગ્રેસે એક પ્રસ્તાવ પસાર કરીને અમરિન્દર સિંઘનાં પત્ની પરનીત કૌરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા માટે માંગ કરી હતી. ત્યારે પણ નેતાઓએ તેમની ઉપર પાર્ટીવિરોધી ગતિવિધિઓનો આરોપ લગાવ્યો હતો. 

    પરનીત કૌર ચાર ટર્મ સાંસદ રહી ચૂક્યાં છે. વર્ષ 1999, 2004 અને 2009 એમ સતત ત્રણ ટર્મ લોકસભા ચૂંટણી જીત્યા બાદ 2014માં તેમની હાર થઇ હતી. જોકે, 2019માં પટિયાલા બેઠક પરથી તેઓ ફરી ચૂંટાયાં હતાં. તેઓ વર્ષ 2009થી 2012 દરમિયાન UPA-2 સરકારમાં વિદેશ રાજ્યમંત્રી પણ રહ્યાં હતાં. 

    કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંના એક ગણાતા હતા કેપ્ટન અમરિન્દર સિંઘ

    અહીં ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પહેલાં કેપ્ટન અમરિન્દર સિંઘ પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાં ગણાતા હતા અને પંજાબના સીએમ હતા. જોકે, પાર્ટી સાથે મતભેદો બાદ તેમણે પહેલાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું હતું.  

    નવેમ્બર 2021માં તેમણે પંજાબ લોક કોંગ્રેસ નામની નવી પાર્ટી સ્થાપી હતી અને વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. સપ્ટેમ્બર, 2022માં તેમણે પંજાબ લોક કોંગ્રેસનો વિલય ભારતીય જનતા પાર્ટીમાં કરી દીધો હતો અને પોતે પણ ભાજપમાં સામેલ થઇ ગયા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં