મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ હાલ ચર્ચામાં છે. તાજેતરમાં એક યુ-ટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે પરીક્ષાર્થીઓ અને નોકરી વાંચ્છુક યુવાનો વિશે એવી ટિપ્પણી કરી દીધી હતી કે જેના કારણે સોશિયલ મીડિયા પર તેની ઉપર માછલાં ધોવાઈ રહ્યાં છે.
સંજય રાવલે પત્રકાર દેવાંશી જોશીને તેમની યુ-ટ્યુબ ચેનલ ‘જમાવટ’ માટે એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. પચાસેક મિનિટ લાંબી આ વાતચીતમાં સંજય રાવલ અને દેવાંશી જોશી ભારતની શિક્ષણ પદ્ધતિ અને તેને લગતી બાબતો પર ચર્ચા કરતાં જોવા મળે છે. વિડીયો ‘જમાવટ’ની યુ-ટ્યુબ ચેનલ અને ફેસબુક અકાઉન્ટ બંને પર ઉપલબ્ધ છે.
વાતચીત દરમિયાન હોસ્ટ દેવાંશી જોશીએ પ્રશ્ન કર્યો કે, વિદ્યાર્થીઓ 12મુ (ધોરણ) કરે છે, બેચલર કરે છે, BE કરે છે, ME કરે છે પછી નોકરી નથી મળતી અને પછી સ્યુસાઇડ કરે છે. કારણ કે તેને સરકારી કે ખાનગી નોકરી મળી નથી રહી. જેના જવાબમાં સંજય રાવલે જે કંઈ કહ્યું હતું એ જ વિવાદનું કારણ બન્યું છે.
સંજય રાવલે કહ્યું કે, “તમે મને માણસ આપો, પાંચ હજાર માણસોને હું કાલે જોબ આપું. મારી પાસે મોકલો જેને જોબ જોઈએ…. ડોબા જેવા છે, કશું આવડતું જ નથી. એ ચોકીદારમાં પણ ન ચાલે 10 હજારમાં, એ ત્યાં પણ બેઠો-બેઠો મોબાઈલમાં ગેમ રમતો હોય. જેને કામ કરવું છે… 400 રૂપિયામાં વેઈટરની જોબ કરી છે…બ્રાહ્મણનો છોકરો છું સંડાસ-બાથરૂમ સાફ કર્યા છે. જેને કામ કરવું છે તેને તકલીફ જ નથી.”
ત્યારબાદ તેઓ આગળ કહે છે કે, “આ જે લોકો નોકરીઓની વાતો કરે છે એ બધા હ#મી લોકો છે. હું તો જાહેરમાં કહું છું…તમે ભજીયા તળો, ગમે તે કરો, નાનામાં નાની સિંગચણાની લારી હોય તોપણ માણસ સાંજે 500 રૂપિયા કમાય છે. આજે 15-20 હજાર રૂપિયા કમાવા એ સામાન્ય વાત નથી.”
આ ક્લિપ શૅર કરીને ટ્વિટર પર બકુલા સોલંકી નામનાં યુઝરે લખ્યું કે, જાહેરમાં આ પ્રકારના શબ્દોથી વિદ્યાર્થીઓને નવાજનાર વ્યક્તિને મોટિવેશનલ સ્પીકર કહેવા જોઈએ કે કેમ? તેમણે એ પણ પ્રશ્ન કર્યો કે જેમને જાહેરમાં શું બોલવું તેનું ભાન ન હોય તો બીજાને શું મોટિવેશન આપશે.
સાંભળો આ મોટિવેશનલ સ્પીકરને, જાહેરમાં હરામી, ડોબા જેવા શબ્દોથી વિદ્યાર્થીઓને નવાજી રહ્યા છે. શું ખરેખર આમને મોટિવેશનલ સ્પીકર કહેવાય ? જેમને જાહેરમાં શું બોલવું જોઈએ એનું જ ભાન નથી એ બીજાને શું મોટિવેશન આપશે…? pic.twitter.com/z8zsmE4WpV
— Bakula Solanki (@bakula_solanki) January 30, 2023
સંજય રાવલે કરેલી પાંચ હજાર લોકોને નોકરી આપવાની વાત પર પણ કેટલાક લોકોએ ટિપ્પણી કરી હતી.
પાંચ હજાર ને નોકરી મળે છે તો લઇ લયો pic.twitter.com/L24WPiGCP6
— Vina Rajput (@Veena_Rajput_) January 30, 2023
એક યુઝરે કટાક્ષમાં લખ્યું હતું કે, બધાએ પોતપોતાનું Resume સંજય રાવલને મોકલવું જોઈએ, જેથી નોકરી મળી શકે.
બધા પોતાનું resume સંજય ભાઈ ને મેલ કરો
— મન મોજી (@man_moji2) January 31, 2023
અમુક લોકોએ આ પ્રકારના શબ્દો વાપરવામાં આવ્યા છતાં કંઈ ન બોલવા બદલ જમાવટનાં દેવાંશી જોશી ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા.
આ વ્યક્તિ જ્યારે બેરોજગાર યુવાનોને હરામીઓ કેહે છે તો @devanshijoshi71 કશું બોલતા કેમ નથી? મૂહ માં દહી જામી જાય છે? @Jamawat3 https://t.co/Mxi5ZquG8v
— PVS Sarma (@pvssarma) January 31, 2023
‘જમાવટ’ની યુ-ટ્યુબ ચેનલ પરથી આપત્તિજનક શબ્દોવાળો ભાગ કાઢી નંખાયો
આ વિવાદ સોશિયલ મીડિયા પર પહોંચ્યા પછી ‘જમાવટ’ની યુ-ટ્યુબ ચેનલ ઉપરથી આપત્તિજનક શબ્દોનો ભાગ કાઢી નાંખવામાં આવ્યો હતો. યુ-ટ્યુબ વિડીયોમાં 11:40 મિનિટે એક કટ જોવા મળે છે. મજાની વાત એ છે કે ‘જમાવટ’ના આ પોડકાસ્ટનું નામ ‘Uncut Podcast with Devanshi’ રાખવામાં આવ્યું છે. જોકે, ફેસબુક પર ‘જમાવટ’ની ચેનલ ઉપર અપલોડ કરવામાં આવેલ વિડીયોમાંથી આ ભાગ કાઢવામાં આવ્યો નથી.