ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન સમર્થકો સતત હિંદુ મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. છેલ્લા બે અઠવાડિયામાં હિંદુ મંદિર પર હુમલાની ત્રીજી ઘટના બની છે. મેલબર્નમાં એક ઇસ્કોન મંદિરમાં ખાલિસ્તાન સમર્થકોએ તોડફોડ કરીને તેની દીવાલ પર વાંધાજનક નારા લખ્યા હતા.
3rd attack on Melbourne Hindu temple by terror-linked miscreants.Incompetence of @vicpolice emboldens Khalistanis as they brazenly release video of act. Graffitti sprayed on Iskon's Albert Prk temple glorifying Bhindranwale,Khalistan;death to 'Hindustan' in build up to referendum pic.twitter.com/ba4jZo8fpx
— Australian Hindu Media (@austhindu) January 22, 2023
ઓસ્ટ્રેલિયન હિંદુ મીડિયાએ ટ્વિટર અકાઉન્ટ પરથી કેટલીક તસ્વીરો પણ શૅર કરી હતી, જેમાં ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’, ‘હિંદુસ્તાન મુર્દાબાદ’ જેવા નારા જોવા મળે છે. ઉપરાંત, એક નારામાં ખાલિસ્તાની ભીંડરાનવાલેને શહીદ ગણાવવામાં આવ્યો હતો. આ મંદિર મેલબર્નના આલ્બર્ટ પાર્કમાં આવેલું છે.
ઇસ્કોન મંદિરમાં કોમ્યુનિકેશન ડાયરેક્ટર ભક્ત દાસે ઓસ્ટ્રેલિયા ટૂડે સાથે વાતચીતમાં કહ્યું હતું કે, પૂજા સ્થળના સન્માનના આવા અપમાનથી અમે સ્તબ્ધ અને આક્રોશિત છીએ. આ મામલે વિક્ટોરિયા પોલીસને ફરિયાદ આપવામાં આવી છે અને ગુનેગારોને પકડવા માટેની તપાસ દરમિયાન તેમના સહયોગ માટે સીસીટીવી ફૂટેજ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
મંદિરના એક ભક્તે છેલ્લા બે અઠવાડિયાથી આવી ઘટનાઓ બનતી હોવા છતાં વિક્ટોરિયા પોલીસ કોઈ પગલાં ન લઇ રહી હોવાનું કહીને ઉમેર્યું હતું કે કેટલાક લોકો શાંતિપ્રિય હિંદુ સમુદાય સામે તેમનો નફરતભર્યો એજન્ડા ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આવી ઘટનાઓથી તમામ હિંદુઓમાં આક્રોશ છે. તેમણે એમ પણ કહ્યું કે શું તેઓ રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરશે પછી જ સરકાર અને વિક્ટોરિયા પોલીસ પગલાં ભરશે?
15 દિવસમાં આ ત્રીજી ઘટના
અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગત 17 જાન્યુઆરીએ મેલબર્નમાં આવેલા ઐતિહાસિક શ્રી શિવ વિષ્ણુ મંદિરમાં ખાલિસ્તાન સમર્થકોએ તોડફોડ કરી હતી અને આ જ મોડ્સ ઓપરેન્ડીથી મંદિરની દીવાલે ખાલિસ્તાન તરફી અને ભારત વિરોધી નારા લખવામાં આવ્યા હતા. ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પણ નારા લખાયા હતા.
તે પહેલાં 12 જાન્યુઆરીના રોજ ઓસ્ટ્રેલિયામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં ખાલિસ્તાન સમર્થકોએ હુમલો કરીને તોડફોડ કરી હતી અને નારા લખ્યા હતા. મંદિરની દીવાલે ‘હિંદુસ્તાન મુર્દાબાદ’ અને ‘મોદી હિટલર’ જેવા નારા ચીતર્યા હતા તેમજ ખાલિસ્તાની આતંકવાદી ભિંડરાંવાલેના સમર્થનમાં લખાણ ચીતરીને તેને ‘શહીદ’ ગણાવવામાં આવ્યો હતો.
ભારતે મુદ્દો ઉઠાવ્યો, તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
ઓસ્ટ્રેલિયામાં મંદિરોને સતત નિશાન બનાવવામાં આવ્યા બાદ ભારત સરકારે પણ આ મામલો ઉઠાવ્યો હતો અને ઓસ્ટ્રેલિયન પ્રશાસનને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે કહ્યું હતું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, “આ મામલો ઓસ્ટ્રેલિયન સરકાર સામે ઉઠાવવામાં આવ્યો છે અને ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે તેમજ ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે તાત્કાલિક તપાસ કરવા માટે વિનંતિ કરવામાં આવી છે.”