બિહારમાં નીતીશ સરકારના મંત્રી ચંદ્રશેખરે પવિત્ર ગ્રંથ રામચરિતમાનસ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેને લઈને તેમનો વિરોધ પણ બહુ થયો હતો. હવે અખિલેશ યાદવની પાર્ટી સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યે પણ રામચરિતમાનસ અંગે વિવાદિત નિવેદન આપ્યું છે.
સ્વામી પ્રસાદ મૌર્યે રામચરિતમાનસ અંગે ટિપ્પણી કરીને તેને બકવાસ ગ્રંથ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, “રામચરિતમાનસ તુલસીદાસે પોતાના આનંદ માટે લખ્યું હતું. સરકારે તેનું સંજ્ઞાન લઈને જે વાંધાજનક હિસ્સો છે તેને દૂર કરવો જોઈએ અથવા તો આખું પુસ્તક જ પ્રતિબંધિત કરી દેવું જોઈએ.”
સમાજવાદી પાર્ટી નેતાએ આગળ કહ્યું કે, “બ્રાહ્મણ ભલે ખરાબ હોય પણ તે બ્રાહ્મણ છે તો તેને પૂજનીય ગણવવામાં આવશે અને શુદ્ર કેટલો પણ જ્ઞાની અને વિદ્વાન હોય તો તેનું સન્માન નહીં થાય.” તેઓ આગળ કહે છે કે, જો આ જ ધર્મ છે તો હું આવા ધર્મને નમસ્કાર કરું છું. એવા ધર્મનો સત્યનાશ થાય જે આપણો સત્યનાશ ઇચ્છતા હોય.”
સ્વામી પ્રસાદ મૌર્યે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને પણ ટિપ્પણી કરી હતી. તેમણે દાવો કરતાં કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી સનાતન ધર્મનો પ્રચાર નથી કરી રહ્યા પરંતુ સનાતન ધર્મને દફનાવી રહ્યા છે. ઉપરાંત, તેમણે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધવિશ્વાસ ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.
તેમણે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને ઢોંગ કરનારા ગણાવીને તેમની સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી દીધી હતી અને કહ્યું કે, તેમને પ્રતિબંધિત કરી દેવામાં આવવા જોઈએ.
બિહારના શિક્ષણમંત્રીએ પણ રામચરિતમાનસ વિશે આપ્યું હતું વિવાદિત નિવેદન
ઉલ્લેખનીય છે કે આ પહેલાં બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે રમચરિતમાનસને નફરત ફેલાવનારો ગ્રંથ ગણાવ્યો હતો. તેઓ નાલંદા ઓપન યુનિવર્સીટીના 15મા દીક્ષાંત સમારોહમાં ગયા હતા, જ્યાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે, “મનુસ્મૃતિમાં સમાજના 85 ટકા સમુદાય વિરુદ્ધ ગાળો આપવામાં આવી છે. રામચરિતમાનસના ઉત્તરકાંડમાં લખવામાં આવ્યું છે કે નીચ જાતિના લોકો શિક્ષણ ગ્રહણ કર્યા બાદ સાંપની જેમ ઝેરીલા બની જાય છે. આ નફરત ફેલાવનારો ગ્રંથ છે.”
સ્વામી પ્રસાદ મૌર્ય ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના નેતા છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ફાઝીલ નગર બેઠક પરથી લડ્યા હતા પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો.