અમદાવાદ શહેરમાં એક સગીરાની છેડતી થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. છેલ્લા એક મહિનાથી આરોપીઓ તેનો પીછો કરીને પરેશાન કરી રહ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે સોનુ અને સમીર નામના ઈસમો સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી લીધી છે.
ગુજરાત સમાચારના રિપોર્ટ અનુસાર, અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતી સગીરાની દસમા ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે ગોમતીપુર પોલીસ મથકે સમીર અને સોનુ સામે છેડતીનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં સગીરાના પિતાએ જણાવ્યું હતું કે બંને આરોપીઓ તેમની સોસાયટી પાસે જ કામ કરે છે અને તેમની પુત્રી શાળાએ કે ટ્યુશન જતી ત્યારે તેનો પીછો કરતા હતા. આવું છેલ્લા એક મહિનાથી ચાલતું હતું.
ગત 17 અને 18 જાન્યુઆરીના રોજ સતત બે દિવસ બંનેએ સગીરાનો પીછો કર્યો હતો અને શાળાએ અને ટ્યુશને જઈને બહાર બેસી રહેતા હતા. તેમજ તે આવતી-જતી હોય ત્યારે તેની સાથે વાતચીત કરવાના પ્રયાસ કરતા હતા.
ફરિયાદ અનુસાર, સમીર અને સોનુએ પીડિતાને હાથ પકડીને મોપેડ ઉપર બેસવાનું પણ કહ્યું હતું. ઘટના બાદ પીડિતાએ તેના પિતાને જાણ કરતાં તેમણે ગોમતીપુર પોલીસ મથકે જઈને આરોપીઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
સગીરાની છેડતી મામલે અમદાવાદ પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસી તથા પોક્સોની યોગ્ય કલમ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ અને શોધખોળ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં બંનેને શોધી કાઢ્યા હતા. બંનેની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.