રાજસ્થાનમાંથી નોંધાયેલી એક ચોંકાવનારી ઘટનામાં, ફરિયાદ કરવા આવેલી એક મહિલાને રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી મમતા ભૂપેશ દ્વારા યોજાયેલા જનતા દરબાર (જાહેર સુનાવણી)માંથી બળજબરીથી ધક્કા મારીને કાઢી મુકવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
મંત્રીના સ્ટાફે મહિલા ફરિયાદીને ન માત્ર ધક્કા માર્યા પરંતુ, તેણે તેની સાથે કથિત રીતે મારપીટ પણ કરી હતી. વીડિયોમાં મંત્રીનો સ્ટાફ મહિલાને જયપુર સ્થિત નિવાસસ્થાનમાંથી ધક્કો મારીને બહાર કાઢતો દેખાય છે.
गहलोत सरकार की मंत्री ममता भूपेश के पास गुहार लेकर आई एक महिला को उसकी बेटी के सामने धक्के मार कर बाहर निकाला गया।
— Gajendra Singh Shekhawat (@gssjodhpur) January 21, 2023
इस सरकार को आम महिलाओं का आवाज उठाना अपनी सीमा पार करना लगता है। #Rajasthan pic.twitter.com/NZha0ciciB
ફરિયાદી મહિલાની સાથે 8 વર્ષની બાળકી અને તેનો ભાઈ પણ હતો. કથિત રીતે આ ઘટના મંત્રીની હાજરીમાં બની હતી. વીડિયોમાં ફરિયાદી મહિલા મંત્રી સાથે દલીલ કરતી સાંભળી શકાય છે. સામે મંત્રી પણ જવાબ આપતા સાંભળી શકાય છે. બાદમાં મંત્રીના સ્ટાફે મહિલાને પકડીને ઘરની બહાર ધકેલી દીધી હતી.
ભાજપે કર્યા કોંગ્રેસ સરકાર પર પ્રહાર
આ દરમિયાન ભાજપના પ્રવક્તા રામલાલ શર્માએ આ ઘટના પર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના નેતાએ આ ઘટનાને લોકશાહી પર કલંક ગણાવી છે. રામલાલે કહ્યું કે, “જો મુખ્યમંત્રી અશોક ગેહલોત સંવેદનશીલ હોય તો તેમણે તરત જ આરોપીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ.”
વાઈરલ વીડિયો પર મચેલા હોબાળા પર મુખ્યમંત્રી અશોક ગેહલોતની રાજસ્થાન સરકારના બાળ વિકાસ મંત્રી મમતા ભૂપેશ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. વીડિયો શેર કરતી વખતે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે લખ્યું, “ગેહલોત સરકારના મંત્રી મમતા ભૂપેશ પાસે વિનંતી લઈને આવેલી એક મહિલાને તેની દીકરીની સામે જ ધક્કો મારીને બહાર કાઢવામાં આવ્યો. સામાન્ય મહિલાઓનો અવાજ ઉઠાવીને આ સરકાર પોતાની હદ વટાવી રહી હોય તેવું લાગી રહ્યું છે.”
કોણ છે મમતા ભૂપેશ
દૌસાના સિકરાઈના ધારાસભ્ય મમતા ભૂપેશ પહેલીવાર મંત્રી બન્યા છે. તેમને સીએમ અશોક ગેહલોતની નજીક માનવામાં આવે છે. અને આ પહેલીવાર નથી જ્યારે ફરિયાદીઓને રાજસ્થાનમાં મંત્રીના આવાસની બહાર ધકેલી દેવામાં આવ્યા હોય.
હિન્દી દૈનિક હિન્દુસ્તાનના અહેવાલમાં જણાવાયું છે કે મંત્રી મમતા ભૂપેશ પહેલા ગયા વર્ષે મંત્રી પરસાદી લાલ મીનાએ પણ તેમના સ્ટાફને એક મહિલા ફરિયાદીને તેમના નિવાસસ્થાનમાંથી બહાર કાઢવાનો આદેશ આપ્યો હતો.