એક સમયની સ્ટાર ટીવી પરની સૌથી પ્રસિદ્ધ ટીવી સીરીયલ ‘ખીચડી’ કે જે એક ગુજરાતી પરિવારને કેન્દ્રમાં રાખીને બનાવાઈ હતી, તેના પરથી 2010માં એક કોમેડી ફિલ્મ ‘ખીચડી: ધ મૂવી’ બનાવવામાં આવી હતી. આ ફિલ્મના નિર્માતા અને અભિનેતા જમનાદાસ મજેઠીયા (જે.ડી. મજેઠીયા)એ હાલમાં જ પોતાની એ ફિલ્મના પ્રીમિયર વખતના ‘CM મોદી’ સાથે જોડાયેલા સંસ્મરણો તાજા કર્યા હતા.
એક ઇવેન્ટમાં નિર્માતા અને અભિનેતા જે.ડી. મજેઠીયાએ લોકપ્રિય ફિલ્મ ‘ખીચડી: ધ મૂવી‘ ના પ્રીમિયરની એક હ્રદયસ્પર્શી ક્ષણ શેર કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે 2010માં ભારતમાં પહેલીવાર કોઈ ટીવી સીરીયલમાંથી બનેલ ફિલ્મ ‘ખીચડી’ના પ્રીમિયર વખતે તેમને તે વખતના ગુજરાતના CM અને હાલના ભારતના PM નરેન્દ્ર મોદી તરફથી કેવો અનુભવ થયો હતો.
મજેઠીયાએ પોતાની વાત શરૂ કરતા કહ્યું કે તેઓએ એકવાર CM મોદીને કોલ કર્યો હતો અને તે પણ રાતે કર્યો હતો, પરંતુ છતાંય તેમણે પહેલા કોલ પર જ જવાબ આપ્યો હતો. મજેઠીયાએ આગળ કહ્યું, “મેં કહ્યું, ‘સર મને ઓળખ્યો? હું જે.ડી. મજેઠીયા બોલું છું. તમને મળ્યો હતો….’ તો સામે મોદીજીએ જવાબ આપ્યો, ‘બોલ ભાઈ બોલ, પોરબંદરના દીકરા બોલ.'”
“Narendra Modi can win you over with his simplicity!”
— Modi Story (@themodistory) January 21, 2023
Actor @JDMajethia shares a heartwarming moment from the premiere of the popular movie ‘Khichdi’.@themodistory pic.twitter.com/0CIJGfkAPl
આ વાતને યાદ કરીને નિર્માતા જે.ડી. મજેઠીયા કહે છે, “તેઓ (નરેન્દ્ર મોદી) પોતાની સાદગીથી તમારું દિલ જીતી લે છે. તેમને બધું જ યાદ રહે છે.” મજેઠીયા આગળ જણાવે છે કે એ કોલ પર તેમણે CM મોદીને 2 મિનિટમાં આ ફિલ્મ વિષે જાણકારી આપી અને તેમને એ પણ જણાવ્યું કે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ પહેલીવાર થઇ રહ્યું છે કે કોઈ ટીવી સીરીયલ પરથી ફિલ્મ બની હોય. તો CM મોદીએ તેમને કહ્યું, “તમે એકવાર અહીંયા અમદાવાદ આવો”
સૌના આશ્ચર્ય વચ્ચે CM મોદી પ્રીમિયરમાં હાજર રહ્યા
આગળ વાત કરતા મજેઠીયા કહે છે, “એક કેબલનું ઈન્ટવ્યુ ચાલી રહ્યું હતું. મારુ ઇન્ટરવ્યૂ ચાલુ હતું અને અચાનક મારો મેકઅપ-મેન મારી પાસે આવે છે અને કહે છે કે મારા માટે પોલીસ કમિશનરનો કોલ છે. ત્યારે મને આશ્ચર્ય થયું કે મેં એવું તો શું કર્યું કે પોલીસ કમિશનરે મને કોલ કરવો પડે!”
મજેઠીયા અનુસાર તેઓ આ વિષે કાંઈ જાણતા નહોતા અને તેઓ કમિશનર સાથે વાત કરવા ગયા. કમિશનરે તેમને પૂછ્યું કે આ ફિલ્મનું પ્રીમિયર છે અને CM મોદી આવવાના છે તો થિયેટરમાં શું વ્યવસ્થા છે અને કઈ રીતે લઇ જવાના છે. ત્યારે મજેઠીયા ચોંકી ગયા કેમ કે તેમને ખ્યાલ જ નહોતો કે CM મોદી ખરેખર પ્રીમિયરમાં આવવાના છે. તેઓએ કમિશનરને આશ્વસ્થ કાર્ય કે પ્રીમિયરમાં જે પણ લોકો આવ્યા છે તે અમદાવાદના જ છે અને તેઓને એક રેડિયો પ્રોગ્રામ દ્વારા પસંદ કરવામાં આવ્યા છે.
બાદમાં તેઓ તે ઇન્ટરવ્યૂ અડધેથી છોડીને સીધા થિયેટર પહોંચ્યા ત્યાંની વ્યવસ્થાઓ ચકાસવા માટે. તેઓ ત્યાં પહોંચ્યા અને થોડી જ વારમાં CM મોદી પણ ત્યાં આવી ચુક્યા હતા.
‘મારે ગુજરાતમાં કોનાથી ડરવાનું?’: CM મોદી
હવે જયારે નિર્માતા જે.ડી. મજેઠીયા આગળની વાત કરે છે ત્યારે તેમની આંખોમાં અલગ જ ચમક જોવા મળે છે. તેઓ કહે છે, “મોદીજી આવ્યા એટલે હું તેમને પગે લાગવા વાંકો વાળ્યો તો તેઓએ મને અટકાવ્યો અને ભેટી પડ્યા હતા. તેમની સુરક્ષા ટીમે થિયેટરની આગળની 3 લાઈનો ખાલી કરાવી હતી.”
“મોદીજીને જયારે બેસાડ્યા તો તેમણે પૂછ્યું કે આ બધી ખુરસીઓ કેમ ખાલી છે અને બહાર કેમ આટલા લોકો ઉભા છે હજુ. તો મેં તેમને જણાવ્યું કે તમારી સુરક્ષા ટીમના કહેવાથી આવું કરાયું છે. તો તેમણે કહ્યું કે ‘ભાઈ મારે ગુજરાતમાં કોનાથી ડરવાનું? મને કોઈનો શું ડર? એક કામ કરો પહેલી લાઈનમાં સિક્યોરિટી ટીમને બેસાડો, બાકી બધી સીટ પર પ્રેક્ષકોને બેસાડી દો.'” મજેઠીયાએ કહ્યું.
જે.ડી. મજેઠીયા આગળ જણાવે છે કે તેઓએ CM મોદીના કહેવા મુજબ લોકોને બેસાડી દીધા. તેમને એ પણ કહ્યું કે ત્યારે એ પ્રેક્ષકો માટે પણ ખુબ જ મોદી વાત હતી કે આગળ તેઓ બેઠા હતા અને બરાબર તેમની પાછળ તેમના જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બેઠા હતા.”
મુખ્યમંત્રી મોદીએ એક મહિલાએ આપેલ સુખડી પણ ચાખી
મજેઠીયાએ એક કિસ્સો યાદ કરતા કહ્યું કે ચાલુ પ્રીમિયરમાં એક મહિલા કે જે ખારેથી એક ડબ્બામાં સુખડી લઈને આવી હતી, તેમણે તે સુખડી CM મોદીને આપવા પ્રયત્ન કર્યો. તો પહેલા તો સુરક્ષાકર્મીઓએ તે મહિલાને અટકાવી દીધા હતા. પરંતુ બાદમાં CM મોદીએ સુરક્ષાકર્મીઓને તેમને આવવા દેવા કહ્યું.
CM મોદીએ તે મહિલાના ડબ્બામાંથી થોડી સુખડી લઈને તેમને કહ્યું, “જો બેન મારાથી કોઈનું બહારનું લેવાય નહિ, પણ તમે આટલા પ્રેમથી આપો છો તો હું એટલું ચાખી લઉ છું.”
આમ નિર્માતા અને અભિનેતા જે.ડી. મજેઠીયાએ 2010ના એ સંસ્મરણોને તાજા કરતા વચ્ચે વચ્ચે અનેકવાર નરેન્દ્ર મોદીની સાદગી અને યાદશક્તિના વખાણ કર્યા હતા.
કોણ છે જમનાદાસ મજેઠીયા (જે.ડી. મજેઠીયા)
જમનાદાસ મજેઠિયા (જે.ડી. મજેઠીયા) એક ભારતીય અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા છે. તેઓ ગુજરાતી અને હિન્દી નાટકો, નાટકો, સિરિયલો અને ફિલ્મમાં તેમના કામ માટે જાણીતા છે. તેઓ ગુજરાતના પોરબંદરથી આવે છે.
સારાભાઈ vs સારાભાઈ અને ખીચડી જેવા સફળ શો આપીને, તેઓ ખૂબ જ સફળ શોમેકર બન્યા છે. સ્ટેજ પર તેઓ છેલ્લા 20 વર્ષથી ગુજરાતી રંગભૂમિમાં સક્રિય છે. તેમણે હેટ્સ ઓફ પ્રોડક્શન્સ નામની કંપની બનાવી છે. જ્યારે તે સામાન્ય રીતે કોમિક ભૂમિકાઓ સાથે સંકળાયેલા હોય છે, ત્યારે તે અમુક હદ સુધી સહાયક પાત્રો દર્શાવવા માટે પણ જાણીતા છે.
ખીચડીઃ ધ મૂવીમાં હિમાંશુ સેઠની ભૂમિકા માટે તેઓ 2011માં કોમિક રોલમાં શ્રેષ્ઠ અભિનેતા માટે અપ્સરા એવોર્ડ માટે નામાંકિત થયા હતા. 2013માં, મજેઠિયાએ તેમની એક્ટિંગ એકેડમી, હેટ્સઓફ એક્ટર્સ સ્ટુડિયો શરૂ કરી.