Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરેન્દ્રનગર: સિદ્ધસરના મંદિરમાંથી મૂર્તિઓ ચોરનાર મોહસિન વીસ દિવસે પકડાયો, ઘટના બાદ અન્નજળ...

    સુરેન્દ્રનગર: સિદ્ધસરના મંદિરમાંથી મૂર્તિઓ ચોરનાર મોહસિન વીસ દિવસે પકડાયો, ઘટના બાદ અન્નજળ ત્યાગ કરનાર મહંતનું થયું હતું અવસાન

    20 દિવસની તપાસને અંતે પોલીસે બાતમીના આધારે પાટડીના મોટી મજેઠી ગામમાંથી મોહસિનને દબોચી લીધો હતો. 

    - Advertisement -

    સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના સિદ્ધસર ગામના રામજી મંદિરમાંથી ભગવાનની સદીઓ જૂની મૂર્તિઓ ચોરી થઇ ગયા બાદ મંદિરના મહંતે અન્નજળનો ત્યાગ કર્યો હતો. ત્યારબાદ તબિયત લથડતાં તેમનું અવસાન થયું હતું. બીજી તરફ ત્યારથી આરોપી મોહસિન મલેક ફરાર હતો, જે હવે પકડાઈ ગયો છે. 

    ફરાર આરોપીને પકડવા માટે સુરેન્દ્રનગર એલસીબી અને SOG સહિત 150થી વધુ પોલીસ કર્મચારીઓની અલગ-અલગ ટીમો આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી રહી હતી. આખરે 20 દિવસની તપાસને અંતે પોલીસે બાતમીના આધારે પાટડીના મોટી મજેઠી ગામમાંથી મોહસિનને દબોચી લીધો હતો. 

    મંદિરમાંથી મૂર્તિઓ ચોરાયા બાદ મંદિરના મહંતે ગામના માથાભારે ઈસમ મોહસિન મલેક પર જ શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરતાં એક સીસીટીવી ફૂટેજમાં પણ તે જોવા મળ્યો હતો. જોકે, તેને શોધવાનું કામ કઠિન હતું કારણ કે તે પોતાની સાથે મોબાઈલ ફોન રાખતો ન હતો અને ગામના લોકો સાથે પણ બહુ ભળતો નહીં. જોકે, અપવાદરૂપ ગિરીશ પંચોલી નામના એક શખ્સ સાથે તેની મિત્રતા હતી. 

    - Advertisement -

    પોલીસે પહેલાં ગિરીશની ધરપકડ કરી હતી અને તેની કડક પૂછપરછ કરવામાં આવતાં તેણે કબૂલાત કરી લીધી હતી. જોકે, તેણે પણ મોહસિન ક્યાં છે તે જણાવ્યું ન હતું. થોડી પૂછપરછ બાદ પોલીસે ગિરીશને છોડી મૂક્યો હતો પરંતુ તેની ઉપર વૉચ રાખવાનું ચાલુ રાખ્યું હતું. પોલીસને શંકા હતી કે ગિરીશ મોહસિનનું ઠેકાણું જાણતો હશે તો તેને મળવા માટે જશે પરંતુ તેણે તેમ કર્યું ન હતું. 

    આખરે 20 દિવસ બાદ મોહસિન મલેક પાટડીના જ મોટી મજેઠી ગામમાં સંતાયેલો હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ દરોડા પાડીને તેને ઝડપી લીધો હતો. પછીથી અગાઉ છોડી મૂકાયેલા તેના સાથી ગિરીશની પણ ફરી ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    પોલીસની પૂછપરછમાં બંને આરોપીઓએ મળીને મૂર્તિ ચોરી કરી હોવાની વાત કબૂલી હતી. મોહસિન સિદ્ધસર ગામના મંદિરના ધાબા પરથી ચડીને ગર્ભગૃહમાં પ્રવેશ્યો હતો અને ભગવાનની મૂર્તિઓ ચોરી લઈને ભાગી છૂટ્યો હતો. આ સમયે ગિરીશ બહાર વૉચ રાખીને ઉભો હતો. 

    ચોરી કર્યા બાદ મૂર્તિઓ જેમાં ભરવામાં આવી હતી એ થેલો અવાવરૂ જગ્યાએ મૂકી દીધો હતો. પછીથી પોલીસે ડ્રોનની મદદથી શોધખોળ કરતાં આ થેલો મળી આવ્યો હતો જેમાં મૂર્તિઓ સલામત હતી. પછીથી અનશન પર બેઠેલા મંદિરના મહંતને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ તેમની તબિયત નાજુક હતી. પછીથી તેમણે દેહત્યાગ કરી દીધો હતો. 

    આ ઘટનાને લઈને ઑપઇન્ડિયાએ વિસ્તૃત ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો, જે અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં