કર્ણાટકમાં એક હિંદુ મહિલાને ભગાવી લઇ જવા બદલ એક મુસ્લિમ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મહિલાના પતિએ આરોપી વિરુદ્ધ તેની પત્નીને ભગાડી લઇ જવાનો અને ઇસ્લામ કબૂલ કરાવવાનો આરોપ લગાવ્યો હતો. આરોપીની ઓળખ મકબૂલ તરીકે થઇ છે.
મામલો કર્ણાટકના ગડગનો છે. આરોપી યુવક મકબૂલ મહિલાના પતિ પ્રકાશનો મિત્ર હતો અને બંને વચ્ચે મિત્રતા થયા બાદ તેમના ઘર પાસે જ ભાડાના મકાનમાં રહેવા માટે આવ્યો હતો. મહિલાના પતિએ આરોપ લગાવ્યો છે કે મકબૂલે તેની પત્નીને ફસાવીને, તેની સાથે નિકાહ કરી લીધાં હતાં અને તેનું ધર્માંતરણ પણ કરાવ્યું હતું.
પીડિત પતિના જણાવ્યા અનુસાર, મકબૂલ સાથે તેમના પરિવારનો પરિચય ગોવામાં થયો હતો. પછીથી તે પ્રકાશનો મિત્ર બની ગયો હતો. મકબૂલ પણ કર્ણાટકનો જ રહેવાસી હોવાના કારણે પછીથી તે પ્રકાશના ઘર પાસે જ એક ભાડાના મકાનમાં રહેવા માટે આવી ગયો હતો.
મહિલાના પતિએ આરોપ લગાવ્યો કે, મકબૂલે તેની પત્ની સાથે મિત્રતા કરી લીધી હતી અને ત્યારબાદ તેને લઈને અજમેર દરગાહ પહોંચ્યો હતો. જ્યાં તેનું ધર્માંતરણ કરાવીને નિકાહ કરી લીધાં હતાં.
પ્રકાશે જણાવ્યું કે તેણે મકબૂલને તેની પત્નીને છોડી દેવા માટે અને તેનો પરિવાર ન તોડવા માટે કહ્યું હતું અને પછીથી તેની પત્ની પરત આવી ગઈ હતી પરંતુ થોડા સમય બાદ ફરી મકબૂલ સાથે ભાગી ગઈ હતી. તેણે કહ્યું કે, પોલીસ અને મહિલા સંગઠનોનો પણ સંપર્ક કરવા છતાં ક્યાંયથી યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો. આ દરમિયાન તેને હાર્ટ અટેક આવ્યો હોવાનું અને તેના બે પુત્રો પણ બીમાર પડ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
પછીથી મીડિયામાં મામલો આવ્યા બાદ વધુ પ્રકાશમાં આવ્યો હતો અને હિંદુ સંગઠનો પણ સામે આવ્યાં હતાં. શ્રીરામ સેનાએ આ મામલે ચેતવણી આપી છે કે મહિલા તેના પતિ અને બાળકો પાસે પરત ન આવે અને આ મામલે યોગ્ય કાર્યવાહી ન થાય તો મોટાપાયે આંદોલન કરવામાં આવશે.
હિંદુ મહિલાને ભગાવી લઇ જવાના મામલામાં ગડગ પોલીસે જણાવ્યા અનુસાર, આરોપી, મહિલા અને તેની પુત્રી ત્રણેયને પકડીને હિરાસતમાં લેવામાં આવ્યા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. મામલાની તપાસ ચાલી રહી છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.