છેલ્લા થોડા સમયથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express) પર પથ્થરમારાની (Stone Pelting) ઘટનાઓ સામે આવતી રહી છે ત્યારે આવો વધુ એક મામલો બિહારથી સામે આવ્યો છે. અહીં જલપાઈગુડીથી હાવડા જતી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
Stone pelting on Vande Bharat on 20th Jan | Escort party of 22302 Down Vande Bharat Express informed that pax on berth no.70 in coach 6 informed them of stone pelting while crossing Dalkhola-Telta railway station. Spot comes under Balrampur in Katihar,Bihar: RPF, Katihar Division
— ANI (@ANI) January 21, 2023
આ ઘટના પશ્ચિમ બંગાળની સરહદ પાસે આવેલા બિહારના કટિહાર જિલ્લામાં ઘટી છે. ટ્રેન જલપાઈગુડીથી નીકળીને હાવડા જઈ રહી હતી ત્યારે તેની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રેનના C-6 કોચની બારીને નુકસાન પહોંચ્યું હતું.
આ ઘટનામાં કોઈ યાત્રીને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું નથી. યાત્રીઓએ જણાવ્યું કે, ટ્રેન જતી હતી ત્યારે એક જોરદાર અવાજ સંભળાયો. ત્યારબાદ જોયું તો ટ્રેન પર પથ્થરમારો થયો હતો. જે પછી આરપીએફ અધિકારીઓને જાણ કરવામાં આવી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ટ્રેન શરૂ થયાને માત્ર 21 દિવસ થયા, પથ્થરમારાની આ ચોથી ઘટના
ઉલ્લેખનીય છે કે આ રૂટ પર ટ્રેન શરૂ થયાને હજુ માત્ર 21 દિવસ જ થયા છે. ત્યારથી પથ્થરમારાની આ ચોથી ઘટના છે. ગત મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ત્યારબાદ ત્રીજા જ દિવસે માલદા પાસે ટ્રેન પર પથ્થરમારો થયો હતો.
ત્રણ દિવસ બાદ ત્રીજી જાન્યુઆરીએ દાર્જિલિંગમાં વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારાની ઘટના બની હતી. હવે ફરી પથ્થરમારો કરવામાં આવ્યો છે.
આ જ નહીં અન્ય રૂટ પર દોડતી વંદે ભારત એક્સપ્રેસ પર પણ પથ્થરમારાની ઘટના બની ચૂકી છે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ટ્રાયલ રન પૂરો કરીને કોચ મેન્ટેનન્સ સેન્ટર જતી ટ્રેન ઉપર તોફાની તત્વોએ મથ્થરમારો કરીને ટ્રેનને ક્ષતિગ્રસ્ત કરી દીધી હતી. આ મામલે RPFએ તપાસ કરીને સીસીટીવી ફૂટેજના આધારે સંદિગ્ધોની ધરપકડ કરી લીધી હતી. પીએમ મોદીએ ગત 15 જાન્યુઆરીના રોજ આ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ટ્રેન આંધ્રપ્રદેશથી વિશાખાપટ્ટનમ સુધી દોડે છે.
ગુજરાતમાં પણ ટ્રેનને નડી ચૂક્યા છે અકસ્માતો
અત્યાર સુધી દેશમાં કુલ આઠ રૂટ પર સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થઇ ચૂકી છે. ગુજરાતમાં પણ ગાંધીનગરથી મુંબઈ દોડતી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. જોકે, આ ટ્રેન પણ ઘણી વખત અકસ્માતોનો સામનો કરી ચૂકી છે.
પહેલી વખત ઓક્ટોબરમાં અમદાવાદ અને મણિનગર વચ્ચે ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાઈ હતી. ત્યારબાદ 7 ઓક્ટોબરે ગાય વચ્ચે આવી જતાં આણંદ નજીક અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ 29 ઓક્ટોબરે વલસાડના અતુલ પાસે અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ ગત ડિસેમ્બર મહિનામાં વાપી પાસે પશુ વચ્ચે આવી જતાં ટ્રેનને ફરી અકસ્માત નડ્યો હતો.