રશિયાની રાજધાની મોસ્કોથી ગોવા આવતી ચાર્ટર્ડ ફ્લાઈટને શનિવારે ઉઝબેકિસ્તાન તરફ વાળવામાં આવી હતી. બોમ્બની ધમકી બાદ શનિવારે વહેલી સવારે ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ પહેલા થોડા દિવસો અગાઉ આ જ રૂટ પરની એક ફ્લાઇટને આવી જ રીતે બોમ્બની ધમકી મળ્યા બાદ જામનગર ડાઇવર્ટ કરાઈ હતી.
“રશિયાના પર્મ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ગોવા જતી અઝુર એરની ચાર્ટર્ડ ફ્લાઇટને સુરક્ષાનો ખતરો દર્શાવતી ધમકી મળી હતી. આના પગલે, ફ્લાઇટને ઉઝબેકિસ્તાન તરફ વાળવામાં આવી હતી. 2 શિશુઓ અને 7 ક્રૂ સહિત કુલ 238 મુસાફરો ઓનબોર્ડ છે,” એરપોર્ટ સૂત્રોએ જણાવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે ફ્લાઇટ, AZV2463, ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશે તે પહેલા તેને ડાયવર્ટ કરવામાં આવી હતી. તે સવારે 4.15 વાગ્યે ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું. એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, “ડાબોલિમ એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા સવારે 12.30 વાગ્યે એક ઈમેલ મળ્યા બાદ તેને ડાયવર્ટ કરવામાં આવી હતી જેમાં પ્લેનમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.”
આ પહેલા આવી જ એક ખોટી ધમકીના લીધે મોસ્કો-ગોવા ફલાઇટ જામનગર ડાઇવર્ટ કરાઈ હતી
પાછલા અગિયાર દિવસમાં મોસ્કો-ગોવા ફ્લાઇટમાં બોમ્બની ધમકીની આ બીજી ઘટના છે. 9 જાન્યુઆરીના રોજ, 244 મુસાફરો અને ક્રૂ સાથે મોસ્કોથી ગોવા આવતી ચાર્ટર ફ્લાઈટનું જામનગર ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું જ્યારે ગોવા એર ટ્રાફિક કંટ્રોલને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં બોમ્બની ધમકીનો દાવો કરતો ઈમેલ મળ્યો હતો.
❗ The #Russia’n airliner Azur Air, which made an emergency landing due to a false report of a bomb on board, has landed safely in #Goa, the Russian Consulate General in Mumbai said. pic.twitter.com/l98MWBOTw7
— Russia in India 🇷🇺 (@RusEmbIndia) January 10, 2023
બોમ્બ સ્કવોડ તેમજ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. આ સિવાય સીઆઈએસએફના અધિકારીઓ તેમજ કલેક્ટર અને પોલીસ અધિક્ષક પણ એરપોર્ટ પહોંચ્યા હતા. મુસાફરોને ઉતારવામાં આવ્યા હતા અને ફ્લાઇટની તપાસ કરવામાં આવી હતી.
નેશનલ સિક્યુરિટી ગાર્ડને ફ્લાઈટમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું અને તેણે જામનગર એરપોર્ટ પરથી ટેકઓફ કર્યું હતું. જામનગર એરપોર્ટ ડિરેક્ટરે જણાવ્યું હતું, “તમામ બેગની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે અને NSGને કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.”
હવે આટલા ટૂંકા ગાળામાં આ બીજી જયારે આ મોસ્કો-ગોવા રૂટ પરની જ ફ્લાઈટમાં આ રીતેની બૉમ્બ હોવાની ધમકી મળી હોય. જોવાનું એ રહેશે કે ઉઝબેકિસ્તાન ખાતે વિમાનની તપાસમાં કંઈક શંકાસ્પદ મળે છે કે નહિ.