કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ હાલ તેના અંતિમ તબક્કામાં છે. હાલ યાત્રા કાશ્મીર પહોંચી છે અને અહીં જ તેનું સમાપન થશે. જોકે, કાશ્મીરમાં રાહુલ ગાંધીનો અનુભવ સારો રહ્યો ન હતો. અહીં શ્રીનગરના જાણીતા લાલ ચોક પર કેટલાક સ્થાનિકોએ રાહુલ ગાંધીનો વિરોધ કરી ‘ગો બેક’ના નારા લગાવ્યા હતા.
Local Kashmiris staged a protest at Lal Chowk Srinagar J&K against Rahul Gandhi. Asks him to go back! #RahulGandhiGoBack pic.twitter.com/cWZuBHOlVh
— Sajid Yousuf Shah (@TheSkandar) January 20, 2023
આ વિરોધ પ્રદર્શનના કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે જેમાં લોકો ‘રાહુલ ગાંધી ગો બેક’ લખેલાં પોસ્ટરો લઈને પ્રદર્શન કરતા અને ‘રાહુલ ગાંધી હાય..હાય’ અને ‘રાહુલ ગાંધી ગો બેક’ના નારા લગાવતા જોવા મળે છે.
કાશ્મીરમાં પહોંચેલા રાહુલ ગાંધીનો વિરોધ કરતા એક વ્યક્તિએ કહ્યું કે, આ યાત્રા ભારત જોડવા માટે નહીં પરંતુ પરિવાર જોડવા માટે અને એક પરિવારનું શાસન લાવવા માટે કરવામાં આવી રહી છે. તેમણે યાત્રાને ઢોંગ ગણાવી અને કહ્યું કે, ભારત તો પહેલેથી જ જોડાયેલું હતું પરંતુ આ લોકોના પરિવારના શાસને (કોંગ્રેસે) તેને તોડ્યું હતું.
‘કોંગ્રેસને 70 વર્ષ પછી દેશ જોડવાનું કેમ યાદ આવ્યું?’
તેમણે રાહુલ ગાંધીને પ્રશ્ન કર્યો કે જ્યારે કાશ્મીરમાં લોકો મરી રહ્યા હતા ત્યારે તેઓ કેમ નહતા આવ્યા અને કેમ કાશ્મીરીઓ વિશે વિચાર્યું ન હતું? અને હવે શા માટે તેઓ કાશ્મીર આવી રહ્યા છે. રિપોર્ટરના યાત્રામાં ઘણા લોકો જોડાઈ રહ્યા હોવાના સવાલ પર તેમણે કહ્યું કે, આ પાર્ટીનો કાર્યક્રમ છે અને તેમાં માત્ર પાર્ટીના કાર્યકર્તાઓ જ જોડાઈ રહ્યા છે.
અન્ય એક પ્રદર્શનકારીએ કહ્યું કે, કોંગ્રેસને આજે 70 વર્ષ પછી દેશ જોડવાનું યાદ આવ્યું તો શું આજ સુધી દેશના લોકો જોડાયેલા ન હતા કે શું ભાઈચારો ન હતો? તેમણે કહ્યું કે, આ લોકોને મૂર્ખ બનાવવાનું કાવતરું છે. તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસની ભૂતકાળની સરકારો પર અનેક કૌભાંડના આરોપો લાગી ચૂક્યા છે.
પ્રદર્શનકારીઓએ કહ્યું કે, તેઓ કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નથી અને કોંગ્રેસનો અને રાહુલ ગાંધીનો વિરોધ કરવા માટે એકઠા થયા છે. તેમણે એમ પણ કહ્યું કે, ભાજપ પણ કોંગ્રેસનો વિરોધ ન કરે તોપણ તેઓ વિરોધ કરતા રહેશે. વિડીયોમાં સતત ‘ભારત તોડને વાલો કો, વાપસ કરો…વાપસ કરો..’ અને ‘હિંદુસ્તાન ઝિંદાબાદ’ના નારા સાંભળવા મળતા હતા.
ભારત જોડો યાત્રા આગામી 30 જાન્યુઆરીના રોજ શ્રીનગરમાં પૂર્ણ થશે.