દિલ્હી સરકારના તાબા હેઠળ આવતું એક સ્પોર્ટ્સ સ્ટેડિયમ છે ત્યાગરાજ સ્ટેડિયમ. 2010માં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન બનેલું આ સ્ટેડિયમ હાલના દિવસોમાં કૂતરાના વીઆઈપી વોક માટે ચર્ચામાં છે. રમતવીરો અને કોચના જણાવ્યા અનુસાર, તેઓને સાંજે સાત વાગ્યે પ્રેક્ટિસ પૂરી કર્યા પછી સ્ટેડિયમ છોડવાની ફરજ પાડવામાં આવે છે, કેમ કે તે બાદ IAS ઓફિસર સંજીવ ખિરવારને પોતાના કૂતરા સાથે અહીં ચાલવા આવવાનું હોય છે. હાલમાં, ખિરવાર દિલ્હીના મુખ્ય સચિવ (મહેસૂલ) છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બધું છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે.
ઇન્ડિયન એક્સપ્રેસે એક કોચને ટાંકીને કહ્યું, “પહેલાં, અમે અહીં 8-8:30 સુધી તાલીમ આપતા હતા. પરંતુ હવે અમને સાંજે 7 વાગ્યે સ્ટેડિયમ છોડી દેવાનું કહેવામાં આવે છે જેથી અધિકારીઓ તેમના કૂતરાઓ સાથે ચાલી શકે. આ કારણે અમારી તાલીમ અને પ્રેક્ટિસ પ્રભાવિત થઈ રહી છે.” બીજી તરફ 1994 બેચના IAS ઓફિસર ખિરવારે આ આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે. જો કે, તેમણે સ્વીકાર્યું કે તે ‘ક્યારેક’ તેના પાલતુ કૂતરાને ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે ફરવા લઈ જાય છે. પરંતુ એથ્લેટ્સની પ્રેક્ટિસ પર તેની કોઈ અસર થઈ હોવાનો ઇનકાર કર્યો હતો.
મળતી માહિતી મુજબ, લગભગ સાત દિવસમાં ત્રણ દિવસે સાંજે 6:30 વાગ્યે એવું જોવા મળ્યું કે ગાર્ડ સીટી વગાડીને મેદાન ખાલી કરી રહ્યા હોય છે. સ્ટેડિયમ એડમિનિસ્ટ્રેટર અજિત ચૌધરીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે સત્તાવાર તાલીમનો સમય સાંજે 4 થી 6 વાગ્યાનો છે, પરંતુ “ગરમીને ધ્યાનમાં રાખીને” તેઓ એથ્લેટ્સને સાંજે 7 વાગ્યા સુધી તાલીમ આપવા દે છે. તેમણે કહ્યું કે તેમને ખબર ન હતી કે કોઈ સરકારી અધિકારી સાંજે 7 વાગ્યા પછી સ્ટેડિયમનો ઉપયોગ કરી રહ્યા છે.
ચૌધરીએ કહ્યું, “અમારે સાંજે 7 વાગ્યા સુધીમાં ત્યાગરાજ સ્ટેડિયમ બંધ કરવું પડે છે. તમે ગમે ત્યાં સરકારી ઓફિસનો સમય ચકાસી શકો છો. આ (સ્ટેડિયમ) દિલ્હી સરકાર હેઠળની સરકારી ઓફિસ પણ છે. મને ખબર નથી કે અહીં કોઈ અધિકારી કૂતરાને ફરવા આવ્યા છે. હું સાંજે સાત વાગ્યા સુધીમાં સ્ટેડિયમમાંથી નીકળી જાઉં છું. તેથી હું તેના વિશે જાણતો નથી.”
રિપોર્ટ અનુસાર, મંગળવાર (24 મે 2022)ના રોજ જોવા મળ્યું હતું કે ખિરવર સાંજે 7:30 વાગ્યા પછી પોતાના કૂતરા સાથે સ્ટેડિયમ પહોચ્યા હતા. પાલતુ કૂતરો ટ્રેક અને ફૂટબોલ મેદાનમાં ફરતો જોવા મળ્યો હતો. આસપાસ સુરક્ષાકર્મીઓ પણ જોવા મળ્યા હતા. ખિરવરે કહ્યું, “મે ક્યારેય કોઈ એથ્લીટને સ્ટેડિયમ છોડવાનું કહ્યું નથી. સ્ટેડિયમ બંધ થયા પછી હું નીકળી જાઉં છું. અમે તેને (કૂતરાને) ટ્રેક પર છોડતા નથી. જ્યારે કોઈ આસપાસ ન હોય, ત્યારે અમે તેમને છોડીએ છીએ. જો તેમાં કંઈ વાંધાજનક હશે તો હું તેને રોકીશ.”
તે જ સમયે, કોચ અને એથ્લેટ્સ દાવો કરે છે કે, “અગાઉ, અમે 8:30 વાગ્યા સુધી અને ક્યારેક 9 વાગ્યા સુધી તાલીમ આપતા હતા. પરંતુ હવે અમારી પાસે કોઈ વિકલ્પ નથી.” કેટલાક એથ્લેટ્સે અહેવાલ આપ્યો કે તેઓએ તેમની તાલીમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ (JLN)માં સ્થાનાંતરિત કરી છે, જે માત્ર 3 કિમી દૂર છે. ત્યાં સાંજે 7:30 વાગ્યા પછી ફ્લડલાઈટ ચાલુ થઈ જાય છે. જેએલએન સ્ટેડિયમના એક કોચે કહ્યું, “બાળકો અહીં રાત્રે 8:30 વાગ્યા સુધી તૈયારી કરે છે. ઉનાળાના વેકેશન દરમિયાન, અમારા પ્રેક્ટિસ એરિયામાં જગ્યા ખાલી થઈ જાય છે કારણ કે સ્ટેડિયમનો મુખ્ય ટ્રેક રિનોવેશન હેઠળ છે.”
News reports have brought to our notice that certain sports facilities are being closed early causing inconvenience to sportsmen who wish to play till late nite. CM @ArvindKejriwal has directed that all Delhi Govt sports facilities to stay open for sportsmen till 10pm pic.twitter.com/LG7ucovFbZ
— Manish Sisodia (@msisodia) May 26, 2022
નોંધનીય છે કે ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના ખેલાડીઓ તેમજ ફૂટબોલ ખેલાડીઓ પ્રેક્ટિસ કરતાં હોય છે. મીડિયામાં આ મામલો સામે આવ્યા બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું છે કે સરકારે તમામ સ્પોર્ટ્સ સેન્ટરોને રાત્રે 10 વાગ્યા સુધીમાં ખેલાડીઓને સુવિધાઓ આપવાના નિર્દેશ આપ્યા છે.