આપણો પાડોશી દેશ પાકિસ્તાન હાલ કપરી પરિસ્થિતિઓ માંથી પસાર થઈ રહ્યો છે, એક તરફ દેશની જનતા પાસે ખાવા માટે ધાન નથી, લોકો લોટ લેવા માટે પડાપડી કરી રહ્યા છે. પાકિસ્તાની ફોર્સ લોટને લુંટતો બચાવવા ગોળીઓ ચલાવી રહ્યા છે, બીજી તરફ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા મરણ પથારીએ પડી છે. પાકિસ્તાન પાસે કદાચ સમ ખાવા પુરતું પણ હુંડીયામણ નથી. ભ્રષ્ટાચારનો ભોગ બનેલી પાકિસ્તાની અર્થવ્યવસ્થા પાછળ તેની સરકાર જેટલી જવાબદાર છે કદાચ ધૂળ ચાટતી અર્થવ્યવસ્થા પાછળ તેટલા જ જવાબદાર ત્યાના મૌલવીઓ પણ હોઈ શકે છે, કારણકે એક પાકિસ્તાની મૌલાના તારિક જમીલના ખાતામાં 49 બિલીયન રૂપિયા હોવા અને તેનું બેંક ખાતું ફ્રીઝ કરી દેવાના અહેવાલો વહેતા થયા છે.
મળતા અહેવાલો મુજબ આજે (17 જાન્યુઆરી 2023) પાકિસ્તાની મૌલાના તારિક જમીલના ખાતામાં 49 બિલીયન રૂપિયા છુપાવવા બદલ ફ્રીઝ કરવામાં આવ્યાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને અન્ય પક્ષો સાથે જોડાયેલા કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આરોપ લગાવ્યો છે કે ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) એ ધાર્મિક નેતા જમીલ સાથે સંબંધિત વ્યવસાયોના બેંક ખાતા જપ્ત કર્યા છે.સોશિયલ મીડિયા યુઝર્સે જમીલને આટલી વિશાળ સંપત્તિના સ્ત્રોત વિશે પ્રશ્ન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. તો બીજી તરફ તારિક જમીલના પુત્ર યુસુફ જમીલે આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે.
તારિક જમીલના પુત્ર યુસુફ જમીલે ઉર્દૂમાં કરેલા એક ટ્વિટમાં કહ્યું હતું કે, “ગઈકાલથી, મૌલાના તારિક જમીલના એકાઉન્ટ સીલ કરવામાં આવ્યા હોવાના અહેવાલો સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ખાતાઓમાં અબજો રૂપિયા છે. આ અહેવાલોમાં કોઈ સત્યતા નથી. કોઈના વિશે ખોટા સમાચાર ફેલાવવા એ ખરાબ કાર્ય છે. ( આ ટ્વીટને આપ Google Translate દ્વારા વાંચી શકો છો)
کل سے مولانا طارق حمیل صاحب کے اکاونٹس سیل ھونے کی خبریں سوشل پر گردش کر رھی اور کھا گیا کہ ان اکاونٹس میں اربوں روپے ھیں۔اس خبر میں بالکل بھی سچائی نھی ھے۔خدارا کسی کی بارہ میں جھوٹی خبر پھیلانا بھت ھی برا عمل ھے۔
— Yousaf Jamil (@YousafjamilMTJ) January 17, 2023
આ પહેલીવાર નથી કે તારિક જમીલ વિવાદોમાં ઘેરાયા હોય, આ પહેલા પણ અનેક વખત તેમના નિવેદનોને લઈને તેઓ ચર્ચામાં આવી ચુક્યા છે, આ એ જ તરીક જમીલ છે જેમણે ભારત પાકિસ્તાનના ભાગલાના જવાબદાર એવા પાકિસ્તાનના પહેલા પ્રધાનમંત્રી મહોમ્મદ અલી જીણાની “મધથી લથપથ આંગળીઓ” ચુસવાના સપનાનું વર્ણન કર્યું હતું, જે ખુબ વાયરલ પણ થયું હતું.
આ સિવાય તબલીગી જમાતના તારિક જમીલ વુહાન કોરોના વાયરસ માટે મહિલાઓને દોષી ઠેરવવા બદલ પણ વિવાદોમાં આવ્યાં હતા. તેમણે એક નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે અલ્લાહના પશ્ચાતાપ માટે માણસો પાસે ભીખ માંગવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી. આ સિવાય તેઓ મહિલાના વસ્ત્રો પહેરવા પર પણ અનેક વિવાદિત નિવેદનો આપી ચુક્યા છે.
પાકિસ્તાન પર તોળાયેલું ખાદ્ય સંકટ
નોંધનીય છે કે તારિક જમાલ પર આ પ્રકારના દાવો એવા સમયે કરવામાં આવી રહ્યા છે જયારે પાકિસ્તાનના કેટલાય શહેરો ખોરાકની તંગીનો સામનો કરી રહ્યા છે. શહેરોની ગલીઓમાં સરકારી રાશનની રીતસર લુંટફાટ થઈ રહી છે. પરિસ્થિતિ એ હદે વણસી છે કે રાશનમાં મળતા લોટ અને અન્ય ખાદ્ય પદાર્થો ગરીબ અને ભૂખી પ્રજા લુંટી ન જાય તે માટે હથિયારધારી સુરક્ષા કર્મીઓના ટોળા ઉતારી દેવામાં આવ્યાં છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા, સિંધ અને બલુચિસ્તાન ભૂખમરાથી સૌથી વધુ અસરગ્રસ્ત શહેરો માંના એક છે કારણ કે ત્યાં સબસીડી વાળા લોટના પેકેટ મેળવવા માટે હજારો લોકો દરરોજ કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. આ દરમિયાન ખૈબર પખ્તુનખ્વા, સિંધ અને બલુચિસ્તાનના ઘણા વિસ્તારોમાં બજારોમાં અથડામણ અને ભાગદોડની ઘટનાઓ સામે આવી છે. પરિસ્થિતિ એટલી ભયાનક છે કે અથડામણ ટાળવા માટે લોટથી ભરેલી મીની ટ્રકો અને વાનને સશસ્ત્ર સુરક્ષાકર્મીઓ દ્વારા એસ્કોર્ટ કરવામાં આવે છે. આ વાહનો બજારો સુધી પહોંચતાં જ આ વાહનોની આસપાસ લોકોના ટોળા એકઠા થઇ જાય છે. પાકિસ્તાની સુરક્ષા દળોએ લુંટ અટકાવવા માટે હવામાં ફાયરીંગ કર્યા હોવાના પણ દાવાઓ કરવામાં આવી રહ્યા છે.