સુરતની એક કોર્ટે લવ જેહાદ કેસના એક આરોપી મોહમ્મદ શેખની જામીન અરજી નામંજૂર કરી દીધી છે. તેણે નામ અને ધર્મ બદલીને હિંદુ યુવતીને ફસાવીને લગ્ન કર્યાં હતાં. મહિલાએ તેની ઉપર ઇસ્લામ અપનાવવા, નમાજ પઢવા અને બુરખો પહેરવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
લવ જેહાદ કેસના આરોપીએ મેડિકલ ગ્રાઉન્ડ પર 30 દિવસ માટે મુક્ત થવા માટે સુરતની કોર્ટમાં અરજી કરી હતી. જેની ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન સરકારી વકીલે જામીનનો વિરોધ કર્યો હતો અને રદ કરવા માટેની માંગ કરી હતી. તમામ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.
સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા મોહમ્મદ અખ્તર મોહમ્મદ સમતઅલી શેખની શહેરની જ એક હિંદુ યુવતી સાથે પાંચેક વર્ષ પહેલાં મુલાકાત થઇ હતી. ત્યારે તેણે પોતાની ઓળખ મુકેશ ગુપ્તા તરીકે આપી હતી. એટલું જ નહીં, પોતે રેલવેમાં નોકરી કરતો હોવાનું કહીને લગ્નની લાલચ આપીને યુવતીને ફસાવી હતી.
પરિચય થયાના થોડા મહિનાઓ બાદ બંનેએ લગ્ન કરી લીધાં હતાં. પરંતુ થોડા મહિનાઓ સાથે રહ્યા બાદ મહિલાને ખબર પડી હતી કે મહાવીર ખરેખર મોહમ્મદ છે અને તેને ફસાવવામાં આવી હતી.
મહિલાએ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને પતિ સામે ઇસ્લામ અપનાવવા માટે દબાણ કરવાનો તથા નમાજ પઢવા માટે અને બુરખો પહેરવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાની ફરિયાદના આધારે ડિંડોલી પોલીસે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી.
ધરપકડ બાદ આરોપીને જેલમાં રજૂ કરવામાં આવતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારથી તે જેલમાં બંધ છે. જ્યાંથી મુક્ત થવા માટે તેણે અરજી કરી હતી પરંતુ કોર્ટે તેની દલીલો માન્ય રાખી ન હતી અને અરજી ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લવ જેહાદ વિરોધી કાયદો અમલમાં છે. જે અનુસાર, કોઈ પણ વ્યક્તિ ધર્મ, નામ કે અન્ય ઓળખ છુપાવીને કોઈ યુવતીને ફસાવીને, ફોસલાવીને, લોભ-લાલચ આપીને લગ્ન, નિકાહ કરે તો તે સજાપાત્ર ગુનો બને છે. આવા કાયદાઓ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોમાં પણ અમલમાં છે.