ઉત્તર પ્રદેશ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. સત્રમાં ચર્ચા દરમિયાન આજે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સાથે ‘તું-તારી’ કરીને વાત કરવાની શરૂ કરી દીધી હતી. વાસ્તવમાં સમાજવાદી પાર્ટીના કાર્યકાળ દરમિયાન સૈફઈમાં આયોજિત કાર્યક્રમો પર નિશાન સાધતા કેશવ પ્રસાદ મૌર્યએ પૂછ્યું હતું કે શું તેઓ સૈફઈની જમીન વેચીને આ માટે પૈસા લાવ્યા હતા? જે બાદ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ગુસ્સે થઈ ગયા હતા અને કેશવ પ્રસાદ મૌર્યને ‘તું’ કહીને સંબોધવા લાગ્યા હતા.
અખિલેશ યાદવે કહ્યું, “અમે નથી લાવ્યા, તો તું લાવ્યો? કેશવ પ્રસાદ મૌર્ય બીજાની ચિંતા કરતા રહ્યા, એટલે જ તેઓ ચૂંટણી હારી ગયા. તું પોતાના ઘરેથી, પિતાજી પાસેથી પૈસા લાવે છે બનાવવા માટે? રાશન વિતરણ પિતાજી પાસેથી લઈને કર્યું હતું? ચૂપ, હટ, શું વાત કરે છે.” જે બાદ ગૃહમાં હોબાળો શરૂ થઇ ગયો હતો.
देश के सबसे बड़े सूबे के पूर्व मुख्यमंत्री और मौजूदा उप-मुख्यमंत्री के बीच विधानसभा में संवाद का अस्तर और शब्दों का चयन देखिए। #AkhileshYadav #KPMaurya pic.twitter.com/ISauqsLR8f
— Shubhankar Mishra (@shubhankrmishra) May 25, 2022
જોકે, આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ હસ્તક્ષેપ કરી અને યાદ અપાવ્યું કે કેવી રીતે આખું ગૃહ અખિલેશ યાદવને લાંબા સમય સુધી સાંભળતું હતું અને હવે જ્યારે ડેપ્યુટી સીએમ બોલી રહ્યા છે ત્યારે આવી ‘રનિંગ કોમેન્ટ્રી’નો અર્થ શું છે? તેમણે કહ્યું કે આદરણીય નેતા પ્રત્યે આ પ્રકારની ટીપ્પણી યોગ્ય નથી અને જો સરકાર વિકાસના કામો કરતી હોય તો તેની સિદ્ધિઓ ગણાવવી તે ખોટું નથી. તેમણે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી પ્રત્યેની આવી ભાષા ગૃહની ગરિમાને અનુરૂપ નથી.
સીએમ યોગીએ કહ્યું કે જે પ્રકારનો વ્યવહાર કરવામાં આવે તેવી જ પ્રતિક્રિયા મળશે તે નક્કી છે. તેમણે કહ્યું કે સહમતિ-અસહમતિ હોય શકે છે, પરંતુ અસભ્ય ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમણે કહ્યું કે અમે વિપક્ષના નેતાની ઘણી બાબતો સામે વાંધો પણ ઉઠાવી શકીએ છીએ, પરંતુ અમે ગૃહની ગરિમાનું ધ્યાન રાખ્યું. અખિલેશ યાદવે એક કલાકના ભાષણમાં યોગી સરકાર પર સતત પ્રહારો કર્યા હતા, પરંતુ જવાબ મળતા તેઓ દંગ રહી ગયા હતા.
આ દરમિયાન ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય દ્વારા કહેવામાં આવ્યું કે 2027માં પણ કમળ ખીલશે. અગાઉની સરકારમાં તેમની પાસે PWD વિભાગ હતો. અખિલેશ યાદવ દ્વારા તેમને ટોણો મારવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ ભૂલી ગયા છે કે તેમના જિલ્લા મુખ્યાલયના રસ્તા કોણે બનાવ્યા અને કોણે ફોર લેન કરાવ્યા.
અહીં એ પણ નોંધવું જરૂરી છે કે આગામી ગુરુવારે (26 મે, 2022) યુપી સરકાર વાર્ષિક બજેટ રજૂ કરવા જઈ રહી છે, જે 6.5 લાખ કરોડ રૂપિયાનું હોવાનો અંદાજ છે. વર્તમાન બજેટ સત્ર 6 દિવસ ચાલશે.