ક્રૂઝનો ક્રેઝ છેલ્લા થોડા સમયથી વધ્યો છે. દેશના ઘણા ભાગોમાં અને ખાસ કરીને દરિયાકિનારાના શહેરોમાં થોડા-થોડા અંતરો માટે આવી ક્રૂઝ ચાલે પણ છે અને લોકો મોટી સંખ્યામાં તેનો લાભ પણ ઉઠાવે છે. પરંતુ ભારતમાં હવે દુનિયાની સૌથી લાંબી રિવર ક્રૂઝ શરૂ થઇ ગઈ છે. આ રિવર ક્રૂઝનું નામ છે- ગંગા વિલાસ. તે વારાણસીથી છેક આસામ સુધીની યાત્રા કરશે.
क्रूज जहां से भी गुजरेगा वहां विकास की एक नई लाइन तैयार करेगा। pic.twitter.com/HcKxwy3Cz3
— PMO India (@PMOIndia) January 13, 2023
પીએમ મોદીએ આજે આ વારાણસીથી વિશ્વની સૌથી લાંબી ક્રૂઝ ‘ગંગા વિલાસ’નો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો. ‘ગંગા વિલાસ’ને લીલી ઝંડી બતાવતાં પીએમ મોદીએ કહ્યું કે, ક્રૂઝ ટૂરિઝમથી આ ક્ષેત્રમાં યુવા સાથીઓને રોજગાર અને સ્વરોજગારની નવી તકો પૂરી પાડશે. તેમણે ઉમેર્યું કે, વિદેશી પર્યટકો માટે તો એ આકર્ષક હશે જ પરંતુ દેશના પણ જે પર્યટક પહેલાં આવો અનુભવ લેવા માટે વિદેશ જતા હતા તેઓ હવે પૂર્વ-ઉત્તર પૂર્વ ભારત આવી શકશે.
વડાપ્રધાને કહ્યું કે, 21મી સદીનો આ દાયકો ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કાયાકલ્પનો દાયકો છે. આ દાયકામાં ભારતના લોકો આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એ તસ્વીર જોવા જઈ રહ્યા છે જેની કલ્પના કરવી પણ કઠિન હતી.
51 દિવસમાં 3200 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરશે
આ રિવર ક્રૂઝને હરતો-ફરતો મહેલ કહીએ તોપણ અતિશયોક્તિ ન કહેવાય. તેમાં મુસાફરો માટે ભવ્ય સુઇટ્સ, શાનદાર રેસ્ટોરન્ટ, જિમ, લાઈબ્રેરીથી માંડીને અનેક 5 સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ મળશે.
આ રિવર ક્રૂઝ ઉત્તર પ્રદેશના વારાણસીથી નીકળીને બિહાર, ઝારખંડ, બંગાળ અને આસામ રાજ્યોમાંથી પસાર થશે. એટલું જ નહીં, આ ક્રૂઝ પાડોશી દેશ બાંગ્લાદેશમાંથી પણ 1100 કિલોમીટર જેટલું અંતર કાપશે. આ દરમિયાન કુલ 27 નાની-મોટી રિવર સિસ્ટમ પરથી પસાર થશે.
ખાસ વાત એ છે કે આ યાત્રા દરમિયાન મુસાફરો ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતાં અનેક સ્થળો, મોટાં શહેરો, વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ, નેશનલ પાર્ક અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર લગભગ પચાસ જેટલાં સ્થળો નિહાળી શકશે. ઉપરાંત, યાત્રિકો વારાણસીની સુપ્રસિદ્ધ અને પવિત્ર ગંગા આરતી નિહાળીને તેના દર્શન કરી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સુવિધાઓથી યુક્ત હશે ગંગા-વિલાસ ક્રૂઝ
આ હરતા-ફરતા મહેલમાં યાત્રિકો માટે તમામ પ્રકારની ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે. અહીંની ભવ્ય રેસ્ટોરન્ટમાં મુસાફરો ભારતીય વ્યંજનો સાથે વિદેશી વાનગીઓનો સ્વાદ પણ માણી શકશે. ઉપરાંત, ટોપ ડેક ઉપર આઉટડોર સીટિંગ અને કોફી ટેબલની સુવિધા પણ આપવામાં આવશે.
આ સિવાય આ ક્રૂઝમાં ભવ્ય જિમ, લાઈબ્રેરી, સ્પોર્ટ્સ રૂમ, ફિટનેસ રૂમથી માંડીને સ્પા અને સલૂન જેવી સુવિધાઓ પણ મળશે. ઉપરાંત યાત્રિકોને મેડિકલ સુવિધાઓ પણ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તદુપરાંત, મનોરંજન માટે ગીત-સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
આ ક્રૂઝમાં કુલ 36 યાત્રિકો મુસાફરી કરી શકશે. જે માટે ભવ્યાતિ ભવ્ય 18 સુઇટ્સ બનાવવામાં આવ્યા છે. આ સાથે અન્ય ચાળીસેક જેટલા ક્રૂ મેમ્બર્સ પણ યાત્રામાં સામેલ થશે. જોકે, પહેલી યાત્રામાં એક પણ ભારતીય મુસાફર નથી. શુભારંભ સમયે ક્રૂઝમાં સ્વિત્ઝર્લેન્ડ અને જર્મનીના યાત્રીઓ સવાર હતા.