કેરળ સ્થિત શબરીમાલા મંદિર ભગવાન અયપ્પાના વિવિધ સ્વરૂપોમાંનાં બ્રહ્મચારી સ્વરૂપનું મંદિર છે. જેની સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. આ મંદિરમાં દર્શન કરવા માટે કઠોર તપસ્યા પણ કરવી પડતી હોય છે. હાલમાં જ કેરળ હાઇકોર્ટે ભક્તો તરફી એક ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે ઘણા ભક્તો મંદિર પરિસરમાં ફિલ્મ એક્ટરોના ફોટા સાથે આવે છે, જે યોગ્ય નથી, માટે સૂચન કરી તેના પર પ્રતિબંધ મુક્યો છે. આ ઉપરાંત હવે કોઈ વાદક પણ વગાડી શકાશે નહીં. કોર્ટે કહ્યું છે કે દરેક ભક્તને દર્શન કરવાનો અધિકાર છે પરંતુ તેના માટે મંદિર પરંપરાનું પાલન કરવું પડશે.
મળતી માહિતી મુજબ, ગત 30 નવેમ્બર 2022ના રોજ એક અયપ્પા ભક્તે ઇ-મેઇલ દ્વારા ફરિયાદ કરી હતી. ફરિયાદમાં મંદિર પરિસરમાં કેટલાક ભકતો ફિલ્મ કલાકારના ફોટા સાથે પ્રદર્શન કરી રહ્યા હતા તે ત્રણ ફોટા પણ જોડ્યા હતા. સાથે કોર્ટને વિનંતી કરી હતી કે મંદિરમાં દર્શન કરવા માટે મંદિરની પરંપરાનું પાલન થવું જરૂરી છે.
કેરળ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અનિલ કે. નરેન્દ્ર અને ન્યાયમૂર્તિ પી.જી. અજીતકુમારની પીઠે જોર આપી ચુકાદો આપ્યો કે મંદિરમાં તમામ ભક્તોને દર્શનનો અધિકાર છે પરંતુ તે અધિકાર મંદિર પરંપરાને આધીન છે. માટે શબરીમાલા મંદિર પરિસરમાં કોઈ પણ ભક્ત ફિલ્મ કલાકારોના ફોટા લાવી શકે નહીં. સાથે જ એક વ્યક્તિએ પરિસરમાં ઢોલક વગાડીને પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ તે વિડીયો યુટ્યુબ પર મૂકતા ભક્તોની લાગણી દુભાઈ હતી. તેના પર પણ કોર્ટે કહ્યું હતું કે પરિસરમાં કોઈ વાદ્ય વગાડી શકાશે નહીં.
હાઇકોર્ટની પીઠે આયોજનના ભાગરૂપે પણ નોંધ્યું હતું કે શબરીમાલા મંદિરમાં પ્રતિ દિવસ 80,000થી 90,000 શ્રદ્ધાળુઓ આવે છે. માટે 70 થી 80 ભક્તો પ્રતિ મિનીટ ‘પથીનેત્તમપડી’ (પવિત્ર 18 પગલાં) પાસેથી પસાર થવા જોઈએ. જો કોઈ ભક્ત આવી રીતે મોટા પોસ્ટર સાથે ત્યાં સુધી પહોંચે તો ચોક્કસ અવ્યવસ્થા સર્જાય માટે મંદિર પરંપરા સાથે-સાથે વ્યવસ્થા માટે પણ આ ચુકાદો જરૂરી છે.
હાઈકોર્ટે મંદિર વ્યવસ્થા સંભાળનાર ટી.ડી.બી. (ત્રાવણકોર દેવસ્વમ્ બોર્ડ) અને રાજ્ય સરકારને આદેશ આપીને આ બંન્ને દરેક ભક્તોને દર્શનનો લાભ કંઈ રીતે મળે તેની ચિંતા કરવા કહ્યું છે.