ઈરાન છેલ્લા ઘણા વર્ષોથી અસ્થિર રહ્યું છે. સતત આંતરિક અને બાહ્ય પરિબળોથી પ્રભાવિત થવાના કારણે અરાજકતાનો માહોલ રહ્યો છે. અસંખ્ય આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોથી હેરાન પરેશાન ઈરાનમાં હવે આગ તેના ઘરના લોકોએ જ લગાડી છે. હાલમાં ઈરાનમાં હિજાબ વિરોધી આંદોલન ચરમસીમા પર છે. નથી સરકાર માનવા તૈયાર તો સામે પ્રદર્શનકારીઓ પણ નમવા તૈયાર નથી.
થોડા મહિના પૂર્વે હિજાબ ન પહેરવા બદલ મહિલાની ગિરફ્તારી બાદ તેનું મૃત્યુ થયું હતું. ત્યાર પછી આ આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જે આજ સુધી પણ ચાલી જ રહ્યું છે. પરંતુ હવે ઈરાનની સરકાર પ્રદર્શનકારીઓને ડરાવવા માટે સતત કાર્યવાહી કરી રહી છે. થોડા દિવસ પૂર્વે જ બે લોકોને ફાંસીની સજા આપી હતી ને હવે વધુ ત્રણ લોકોને મોતની સજા સંભળાવવામાં આવી છે.
ઈરાનની ન્યાયપાલિકાની ઓનલાઈન વેબસાઈટના રિપોર્ટ અનુસાર, કોર્ટે કરેલા નવા આદેશમાં સાલેહ મિરહશેમી, માજિદ કાલેમી અને સઈદ યાધૌબીને ઈરાનમાં લાગુ ઈસ્લામિક શરિયા કાયદા અંતર્ગત ‘મોહારેબેહ’ અર્થાત્ ઈશ્વર વિરુદ્ધ યુદ્ધ શરૂ કરવા બદલ મોતની સજા સંભળાવવામાં આવી છે. જોકે, તેઓ આ આદેશ વિરોધમાં પોતાની અપીલ કરી શકે છે. આ ત્રણેય વ્યક્તિઓ પર પ્રદર્શન દરમિયાન ત્રણ સુરક્ષાકર્મીઓની હત્યાનો આરોપ હતો. આ આદેશ બાદ પશ્ચિમી દશોએ ખૂબ ટીકા કરી છે. જેમાં અમરિકા જેવા દેશો પ્રમુખ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે 16 સપ્ટેમ્બર 2022ના રોજ ‘મહસા અમિની’ નામની મહિલાની હિજાબ સરખો ન પહેરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેનું કસ્ટડીમાં જ મૃત્યુ થવાના કારણે લોકો ગુસ્સે થયા હતા, ત્યાંથી આ હિજાબ વિરોધી આંદોલન શરૂ થયું હતું તેની આગ આજ દિન સુધી શાંત પડી નથી.
આંદોલનને દબાવવા માટે ઈરાન સરકારે અતિ ક્રુરતા આચરી છે. હમણાં સુધી આ આંદોલનમાં 500 થી વધુ પ્રદર્શનકારીઓના મોત થયા છે. જ્યારે 19,000 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જયારે 57 જેટલા લોકોને મોતની સજા સંભળાવવામાં આવી છે.
ઈરાન એક ઈસ્લામિક દેશ હોવાના કારણે ત્યાં ઈસ્લામિક ‘શરિયા’ કાયદો લાગુ છે. જેમાં મહિલાઓ માટે ચોક્કસ ડ્રેસ કોડ છે. જેના કારણે દરેક મહિલાએ હિજાબ ફરજિયાત પહેરવાનો હોય છે. જો કોઈ સ્ત્રી હિજાબ પહેરે તો તેને સખતમાં સખત સજા કરવામાં આવે છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ઈરાનની મહિલાઓ આજે હિજાબમાંથી મુક્તિ મેળવવા આંદોલન કરી રહી છે, ત્યારે બીજી તરફ ભારતમાં તથાકથિત ઉદારવાદીઓનો એક વર્ગ હિજાબનું સમર્થન કરતો જોવા મળે છે.