Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત ટાઈટન્સની છેલ્લી ઓવરમાં ત્રણ સિક્સર આપીને જીતાડી આપનાર રાજસ્થાન રોયલ્સનો બોલર...

    ગુજરાત ટાઈટન્સની છેલ્લી ઓવરમાં ત્રણ સિક્સર આપીને જીતાડી આપનાર રાજસ્થાન રોયલ્સનો બોલર પ્રસિધ ક્રિશ્ના ટ્વિટર પર જબરો ટ્રોલ થયો

    રાજસ્થાન રોયલ્સના બોલર પ્રસિધ ક્રિશ્નાને સોશિયલ મિડીયામાં ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો કારણકે તેણે ગુજરાત ટાઈટન્સને છેલ્લી ઓવરમાં જીત ભેટમાં ધરી દીધી હતી.

    - Advertisement -

    ગઈકાલે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ પર આઈપીએલ 2022ની પ્રથમ પ્લેઓફ મેચમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હાર આપી હતી. આમ તો આ મેચ છેક છેલ્લી ઓવર સુધી ખેંચાઈ એટલી રસાકસીભરી બની હતી પરંતુ એ જ છેલ્લી ઓવર નાખનાર રોયલ્સનો બોલર પ્રસિધ ક્રિશ્ના તેની ટીમના ફેન્સ માટે વિલન બની ગયો હતો, કારણકે ટાઈટન્સના ડેવિડ મિલરે તેના પ્રથમ ત્રણ બોલમાં જ ત્રણ સિક્સ ફટકારીને GTને ફાઈનલ્સમાં પહોંચાડી દીધી હતી.

    રાજસ્થાન રોયલ્સના ઓબેડ મકોયે 19મી ઓવરમાં ફક્ત 7 રન આપીને રાજસ્થાન રોયલ્સ માટે વિજયની થોડીઘણી આશા ઉભી કરી હતી કારણકે અત્યારસુધી એકદમ પરિપક્વતાથી બેટિંગ કરનારા ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને ડેવિડ મિલરને પણ છેલ્લી ઓવરમાં 16 રન કરવા એટલું સરળ ન હતું. પરંતુ પ્રસિધ ક્રિશ્ના દ્વારા ફેંકવામાં આવેલી 20મી અને છેલ્લી ઓવરના પ્રથમ ત્રણ દડા પર જ ડેવિડ મિલરે ત્રણ સિક્સર મારીને ગુજરાત ટાઈટન્સને છેવટે સરળ લાગતો વિજય અપાવ્યો હતો.

    આ બાબત રાજસ્થાન રોયલ્સ અને આઈપીએલના ચાહકોને ગળે ઉતરી ન હતી અને મેચ પત્યા બાદ તરતજ પ્રસિધ ક્રિશ્નાને તેઓ સોશિયલ મિડિયા પર ટ્રોલ કરવા લાગ્યા હતા.

    - Advertisement -

    @pulkit5DX નામના યુઝરે હાલમાં ચર્ચામાં રહેલી વેબસિરીઝ પંચાયતના એક દ્રશ્યના મીમનો ઉપયોગ કરીને પ્રસિધ ક્રિશ્નાની ટીખળ કરતાં કહ્યું હતું કે પ્રસિધ ક્રિશ્નાએ છેલ્લી ઓવર શરુ થતાં એમ કહ્યું હતું કે આ ઓવરમાં 16 રન ડીફેન્ડ કરવા મારા માટે સરળ છે જ્યારે ડેવિડ મિલરે કશુંક બીજું જ વિચારી રાખ્યું હતું.

    તો @agent_hilifiger ની ઓળખ ધરાવતા યુઝરે કહ્યું હતું કે લોકો એમ કહેતા હતા કે પ્રસિધ ક્રિશ્નાએ ભારતનો ફ્યુચર સ્ટાર છે, આનાથી બહેતર જોક મેં હજી સુધી નથી સાંભળ્યો. એક મેચમાં હીરો તો બીજી  મેચમાં ઝીરો.

    KKR એકેડેમીમાંથી કાયમ વિરોધી ટીમને જ જીતાડી આપતા મેચવિનર બોલર્સ આવ્યા છે. નાગરકોટ્ટી, માવી અને પ્રસિધ ક્રિશ્ના આમ કહીને @RowdyTweeter એ KKRથી પોતાની કેરિયર શરુ કરનાર ત્રણ એવા બોલર્સ પર કટાક્ષ કર્યો છે જેમની બોલિંગ અત્યારસુધી ખાસ રહી નથી.

    એવું નથી કે ટ્વિટર પર મોટા ભાગના યુઝર્સ ક્રિકેટર્સને ટ્રોલ જ કરતા હોય છે. @SavariiGiriGiri નામક યુઝરે ક્રિકેટિંગ લોજીક પર વાત કરતા કહ્યું છે કે સંજુ સેમસન પાસે પ્રસિધ ક્રિશ્નાને છેલ્લી ઓવર આપવા સિવાય અન્ય કોઈજ રસ્તો ન હતો પરંતુ પ્રસિધ એટલો સામાન્ય બોલર છે કે તેનામાં કોઈ રચનાત્મક અભિગમ જ નથી. જો રિયાન પરાગને બોલિંગ આપી હોત તો કદાચ મેચ છેલ્લી ઓવરના પાંચમાં બોલ સુધી ખેંચાઈ શકી હોત.

    ઇએસપીએન ક્રિકઇન્ફો માટે ક્રિકેટના સ્ટેટેસ્ટિશિયન ભરથ સિરવીએ પોતાની ટ્વિટમાં જણાવ્યું છે કે IPLની 20મી ઓવરમાં સહુથી ખરાબ ઈકોનોમી રેટ હોય (ઓછામાં ઓછી 10 વખત 20મી ઓવર નાખી હોય તો) તેવા બોલરોમાં પ્રસિધ ક્રિશ્ના 13.62ની ઈકોનોમી રેટ સાથે સર્વપ્રથમ છે.

    જો કે ઈડન ગાર્ડન્સ પર આ રીતે છેલ્લી ઓવરના ત્રણ બોલમાં ત્રણ સિક્સર મારીને મેચ જીતવામાં આવી હોય એ ઘટના પહેલીવાર નથી બની. અગાઉ 2016ની વર્લ્ડ ટી20 ફાઈનલમાં વેસ્ટ ઇન્ડિઝને જીતવા માટે છેલ્લી ઓવરમાં 19 રન જોઈતા હતા. વેસ્ટ ઇન્ડિઝના બેટર કાર્લોસ બ્રેથવેઇટે બેન સ્ટોક્સના પહેલા ચાર બોલમાં જ ચાર સિક્સર મારીને પોતાની ટીમને ટી20 વર્લ્ડકપની ટ્રોફી જીતાડી આપી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં