દિલ્હીથી પટના જતી ઈન્ડિગો ફ્લાઇટમાં સવાર ત્રણ યુવકોએ દારૂના નશામાં હંગામો મચાવ્યો હતો. યુવકો નશામાં એટલા ચુર હતા કે તેમણે ટેકઓફ થતાની સાથે જ ધમાલ ચાલુ કરી દીધી હતી, અને સહપ્રવાસીઓ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. ફ્લાઈટમાં હાજર એરહોસ્ટેસ અને કેપ્ટને તેમને શાંત કરવાનો પ્રયાસ કરતા ત્રણેય યુવકોએ તેમની સાથે પણ ગેરવર્તન કર્યું હતું. જે બાદ પટના એરપોર્ટ પર ઇન્ડિગો તરફથી સત્તાવાર લેખિત ફરિયાદ કરતા, સુરક્ષામાં તૈનાત CISF અધિકારીઓએ દિલ્હીથી પટના જતી ઈન્ડિગો ફ્લાઇટમાં ધમાલ મચાવનાર ત્રણ માંથી બે મુસાફરોને પકડીને પોલીસને હવાલે કર્યા છે. જયારે અન્ય એક યુવક ફરાર થઈ ગયો હતો.
મળતા અહેવાલો અનુસાર દિલ્હીથી પટના જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટ 6E-6383ના પાયલોટે ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ત્રણેય યુવકો પ્લેનમાં ચઢતાની સાથે જ હંગામો કરવા લાગ્યા હતા. સમજાવવાનો પ્રયાસ કરવા પર તેઓ ક્રૂ મેમ્બરો સાથે પણ ઝઘડવા લાગ્યા હતા. રવિવારે રાત્રે લગભગ 9 વાગે ફ્લાઈટ પટના પહોંચી ત્યારે ઈન્ડિગો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પહેલા ફ્લાઈટ દરમિયાન જ પાઈલટે એર ટ્રાફિક કંટ્રોલર (ATC)ને જાણ કરી હતી કે બે યુવકો દારૂ પીને ફ્લાઈટમાં ચઢ્યા હતા અને ધમાલ હંગામો મચાવી રહ્યા હતા.
Bihar | Two passengers arrested by Patna Airport Police with the help of CISF after they created a ruckus onoard an IndiGo flight, in an inebriated condition. The arrest was made based on the written complaint by IndiGo’s manager: Patna Airport SHO to ANI https://t.co/uOBqWVpicS
— ANI (@ANI) January 9, 2023
મળતી માહિતી મુજબ ફ્લાઈટમાં હંગામો મચાવનાર ત્રણેય યુવકો બિહારના રહેવાસી છે. બિહારમાં દારૂબંધી હોવા છતાં તેઓ દારૂ પીને ફ્લાઈટમાં ચઢ્યા હતા. ફરજ પર હાજર ક્રૂ મેમ્બરોએ તેમને સમજાવીને હંગામો મચાવતા અટકાવવા કોશિશ કરવા પર, નશામાં ધૂત યુવકોએ તેમની રાજકીય પહોંચ બતાવી ક્રૂ મેમ્બરો સાથે પણ ગેરવર્તન કર્યું હતું. તેમના હંગામાથી પરેશાન અન્ય ઘણા મુસાફરોએ પણ પાઇલટને આ યુવકોને સમજાવવા વિનંતી કરી હતી.
CISFએ બે યુવકોને પટના એરપોર્ટ પર ઝડપી પોલીસને હવાલે કર્યા
ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન હંગામો મચાવનાર ત્રણ યુવકોની ઓળખ રોહિત કુમાર, નીતિન કુમાર અને પિન્ટુ કુમાર તરીકે થઈ છે. પટના એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થયા બાદ પાઈલટે એરપોર્ટ ઓથોરિટી અને સીઆઈએસએફને મામલાની જાણકારી આપી હતી. આ પછી ત્રણેયને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન એક યુવક પિન્ટુકુમાર સુરક્ષાકર્મીઓને ચકમો આપીને ભાગી ગયો હતો. બાકીના બેને આરોપીઓને CISF દ્વારા પટના એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યા હતા. પોલીસે હવે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતરમાં જ એર ઇન્ડિયાની ફ્લાઈટમાં આવી જ ઘટના ઘટી હતી
ઉલ્લેખનીય છે કે ફ્લાઈટમાં યાત્રીઓએ નશો કરીને હોબાળો કર્યો હોય તેવી આ પહેલી ઘટના નથી. થોડા દિવસો અગાઉ જ દિલ્હી પોલીસે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક વૃદ્ધ મહિલા સહ-યાત્રી પર પેશાબ કરનાર આરોપીની ધરપકડ કરી હોવાની ઘટના સામે આવી હતી.
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં વૃદ્ધ મહિલા ઉપર પેશાબ કરનાર શંકર મિશ્રાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. મિશ્રા પર 26 નવેમ્બરના રોજ ન્યૂયોર્કથી દિલ્હી જતી વખતે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-102માં નશાની હાલતમાં મહિલા સહ-યાત્રી પર પેશાબ કરવાનો આરોપ છે. કોર્ટે મિશ્રાની પોલીસ કસ્ટડીનો ઇનકાર કર્યો હતો અને તેના બદલે ન્યાયિક કસ્ટડીમાં મોકલવા માટે સંમત થયા હતા.