Saturday, November 23, 2024
More
    હોમપેજસ્પેશ્યલચાઈનીઝ દોરી: વાહનચાલકો અને રાહદારીઓ માટે જ નહીં, પતંગ ચગાવનારાઓ માટે પણ...

    ચાઈનીઝ દોરી: વાહનચાલકો અને રાહદારીઓ માટે જ નહીં, પતંગ ચગાવનારાઓ માટે પણ એટલી જ ઘાતક; તેનો બહિષ્કાર કરીને પર્વની પવિત્રતા જાળવીએ

    ચાઈનીઝ દોરાનો સ્વયંભૂ બહિષ્કાર કરીએ, ઉત્તરાયણના પર્વની પવિત્રતા જાળવીએ. 

    - Advertisement -

    ઉત્તરાયણને આડે હવે માંડ આઠ-દસ દિવસ રહ્યા છે. બજારોમાં પતંગ-માંજાની દુકાનો લાગી ગઈ છે, લોકોએ અત્યારથી ખરીદી ચાલુ કરી દીધી છે. સામાન્ય દોરીથી માંડીને ચાઈનીઝ દોરી અને પતંગો વેચાવા માંડ્યા છે. અન્ય તહેવારોની જેમ ઉત્તરાયણ પણ ગુજરાતમાં ધામધૂમથી ઉજવાશે. વર્ષના પહેલા તહેવારને લઈને લોકોમાં ઉત્સાહ પણ બહુ છે અને જેમ-જેમ તહેવાર નજીક આવશે તેમ તેમાં વધારો જોવા મળશે. પરંતુ આ ઉત્સાહ વચ્ચે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે, તેની જ આગળ ચર્ચા કરીશું. 

    ઉત્તરાયણ પર પતંગ ચગાવવા માટે જે દોરી વપરાય છે તે મુખ્યત્વે બે પ્રકારની હોય છે- સાદી દોરી અને ચાઈનીઝ દોરી. સાદી દોરી એક તો મોંઘી પણ હોય છે અને ઓછી ધારદાર હોય છે. જેથી પતંગ જલ્દી કપાય ન જાય તેની લ્હાયમાં લોકો હવે ચાઈનીઝ દોરી તરફ વળ્યા છે. આ દોરી સસ્તી પણ હોય છે અને ધારદાર પણ વધુ. 

    ‘ચાઈનીઝ’ શબ્દ સાંભળીને એવો પણ વિચાર આવે કે દોરી ચીનથી આયાત કરવામાં આવતી હશે. પણ ખરેખર એવું નથી. આ દોરી પણ ભારતમાં જ બને છે. ખાસ કરીને ઉત્તર ભારતનાં રાજ્યોમાં બનાવાય છે અને જ્યાંથી આખા દેશમાં પહોંચે છે. આમ તો ગુજરાત સહિત અનેક ઠેકાણે તેની ઉપર પ્રતિબંધ છે પરંતુ તેમ છતાં તે બજાર સુધી પહોંચી જ જાય છે. 

    - Advertisement -

    સાદા દોરાની બનાવટ સૂતરથી કરવામાં આવે છે, જ્યારે ચાઈનીઝ દોરો પ્લાસ્ટિકથી બનાવવામાં આવે છે. નાયલૉન અને મેટલિક પાઉડર પણ તેમાં ભેળવવામાં આવે છે. તેમાં કાચ વગેરે ઉમેરીને વધુ ધારદાર બનાવવામાં આવે છે. ઉપરાંત, તે સ્ટ્રેચેબલ પણ હોય છે જેના કારણે તે જલ્દીથી કપાતો પણ નથી. 

    ગુજરાતમાં આ ચાઈનીઝ દોરાનું વેચાણ અને તેનો ઉપયોગ પ્રતિબંધિત છે અને આમ કરવા બદલ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ઉત્તરાયણ પહેલાં અમદાવાદ, સુરત સહિત રાજ્યમાં અનેક ઠેકાણેથી ચાઈનીઝ દોરાનું વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડીને ગુજરાત પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. 

    ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ મૂકવાનું કારણ એ છે કે તે અનેક કિસ્સાઓમાં જીવલેણ સાબિત થયો છે. આ દોરો પતંગ તો કપાવા નથી દેતો પણ લોકોનાં ગળાં કાપી નાંખે છે. ધારદાર અને મજબૂત હોવાના કારણે ચાઈનીઝ દોરા વટેમાર્ગુઓ અને દ્વિચક્રી વાહન ચાલકોના ગળા સાથે ભેરવાઈ જાય તો તે જીવલેણ સાબિત થઇ શકે છે અને આવા અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બની ચૂક્યા છે. 

    તાજેતરમાં પણ ગુજરાતમાંથી આવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ચાઈનીઝ દોરાના કારણે વાહનચાલકોનાં મોત થયાં હોય. ચાર દિવસ પહેલાં વડોદરામાં ચાઈનીઝ દોરીથી એક 30 વર્ષીય યુવકનું ગળું કપાઈ ગયું હતું. ચાલુ બાઇકે દોરી આડે આવી ગઈ હતી અને યુવકના ગળાની નસો કપાઈ ગઈ હતી. તેના બીજા જ દિવસે (2 જાન્યુઆરી 2023) સુરતના કામરેજમાં એક આધેડ ઉંમરના વ્યક્તિ બાઈક ઉપર પરત ફરી રહ્યા હતા ત્યારે દોરી આડે આવી જતાં ગળું કપાઈ ગયું હતું. આ ઉપરાંત, દર વર્ષે ચાઈનીઝ દોરાથી વાહનચાલકોનાં મોત થયાં હોવાની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. 

    આ ચાઈનીઝ દોરા અન્યો માટે તો જીવલેણ છે જ પણ જેઓ પતંગ ચગાવે છે તેમના માટે પણ એટલા જ ઘાતકી સાબિત થઇ શકે છે. આ દોરી તો વીજળીના તારને અડી જાય તો કરન્ટ લાગી શકે છે. તાજેતરમાં જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ સુરત કલેક્ટરને આ બાબતે પત્ર લખીને આવી ચાઈનીઝ દોરી વાપરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી. 

    આપણે ઉત્તરાયણનો (કે કોઈ પણ તહેવાર) દર વર્ષે ધામધૂમથી ઉજવતા આવ્યા છીએ. આ દિવસે પતંગો પણ ભરપૂર ચગાવીએ છીએ અને ચગાવવા જ જોઈએ. તહેવારો માણસને રિફ્રેશ કરી દે છે, તેની ઉજવણી કરવાની જ હોય. પરંતુ સાથેસાથે એ પણ ધ્યાન રાખીએ કે આપણી ઉજવણી કોઈ અન્ય માટે જીવલેણ સાબિત ન થાય.

    ચાઈનીઝ દોરાનો સ્વયંભૂ બહિષ્કાર કરીએ, ઉત્તરાયણના પર્વની પવિત્રતા જાળવીએ. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં