હરિયાણાના પાણીપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફિલ્મી ઢબે થયેલી આ હત્યા તાજેતરમાં આવેલી એક ફિલ્મની યાદ આપાવે તેવી છે, જે રીતે દ્રશ્યમ ફિલ્મમાં વાર્તાનો નાયક હત્યા કરીને લાશને દાટી દે છે તે રીતેજ આ હત્યામાં પણ કંઇક તે રીતે જ મૃતકને દાટી દેવામાં આવ્યો. ઘટનામાં પાણીપતનાં મૌલવી વસીમની તેનાં જ ઉર્દુના ઉસ્તાદ દિલશાદે હત્યા કરી અને હત્યા બાદ લાશને દ્રશ્યમ ફિલ્મની જેમ જ નિર્માણાધીન મકાનમાં દાટી દીધી હતી. પોલીસે હત્યાના આરોપી 65 વર્ષીય મૌલવીની ધરપકડ કરી છે. મૃતકની ઓળખ વસીમ તરીકે થઈ છે. તે 31 ડિસેમ્બર 2022થી ગુમ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વસીમ પરિણીત હતો અને તેના બે બાળકો પણ છે.
અહેવાલો અનુસાર પાણીપતનાં જે મૌલવી વસીમની તેનાં જ ઉર્દુના ઉસ્તાદ દિલશાદે હત્યા કરી તે વ્યવસાયે મિસ્ત્રી પણ હતો. 28 વર્ષીય વસીમ પાણીપતના ઈમામ સાહિબ મોહલ્લા જટાલ રોડનો રહેવાસી હતો અને છેલ્લા 4 દિવસથી ગુમ હતો. મૃતકના મોટા ભાઈ કલ્લાના જણાવ્યા મુજબ તેનો નાનો ભાઈ વસીમ મિસ્ત્રી કામ કરતો હતો. 31 ડિસેમ્બર 2022ના રોજ સવારે લગભગ 8 વાગ્યે તે કામ પર જવા નીકળ્યો હતો, ત્યારબાદ વસીમ ઘરે પરત આવ્યો ન હતો.
વોટ્સએપ પર મળ્યાં મૃતદેહના ફોટા
મીડિયા રીપોર્ટ અનુસાર મૃતક વસીમના ભાઈએ જણાવ્યું હતું કે “1 જાન્યુઆરી, 2023ના રોજ સાંજે 6.12 વાગ્યે મારા વોટ્સએપ પર એક મેસેજ આવ્યો, જેમાં વસીમના મૃતદેહનો ફોટો હતો. તે મેસેજમાં લખ્યું હતું કે અમે જીંદથી વાત રહ્યા છીએ. તમારા ભાઈએ અમારી દીકરી સાથે ખોટું કામ કર્યું હતું એટલા માટે અમે તેને મારી નાખ્યો. વસીમે યુવતી પાસેથી 7 લાખ 35 હજાર રૂપિયા પણ લીધા હતા. મરતી વખતે વસીમે તેના ભાઈનો નંબર આપ્યો હતો. હવે આ પૈસા તેના ભાઈ પાસેથી વસૂલ કરવામાં આવશે.”
ત્યાર બાદ પાણીપત પોલીસે મંગળવારે (3 જાન્યુઆરી, 2023) કૈરાનાના રેતા વાલા મોહલ્લાના નિર્માણાધીન મકાનમાંથી વસીમનો મૃતદેહ કબજે કર્યો હતો. બુધવારે (4 જાન્યુઆરી, 2023), પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે હત્યારા બીજા કોઈ નહિ પણ મૃતક વસીમનો ઉર્દૂ ઉસ્તાદ અને તેનો સાથી મૌલવી છે. 7.5 લાખ રૂપિયાની લાલચમાં તેણે જિંદની એક મહિલા સાથે ગેરરીતી આચરવાનો આરોપ લગાવીને વસીમની હત્યા કરી નાખી હતી.
આ કેસની તપાસ કરી રહેલા તપાસ અધિકારી મહિપાલ સિંહે જણાવ્યું હતું કે, “પીડિતાના પરિવારે શરૂઆતમાં વસીમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ પછી વસીમની હત્યાનો મામલો સામે આવ્યો છે. ત્યાર બાદ તેના ભાઈને એક મેસેજ આવ્યો હતો જેમાં પૈસા અને છોકરીની લેવડ-દેવડની વાત કહેવામાં આવી હતી.
તપાસ અધિકારીના કહેવા પ્રમાણે, “કેસની તપાસ દરમિયાન પરિવાર, મિત્રો, પડોશીઓ અને અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. વસીમ પણ મૌલવી હતો. તેણે 65 વર્ષીય દિલશાદને પોતાનો ઉસ્તાદ બનાવ્યો હતો, જે પોતે પણ એક મૌલવી છે. આ મામલે જ્યારે તેની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોતાના શાગિર્દની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.”
પોલીસના જણાવ્યાં અનુસાર આરોપી ઉસ્તાદ મૌલવી વસીમને કામ અપાવવાની લાલચમાં કૈરાના લઈ ગયો હતો, જ્યાં તેણે પૈસા મેળવવાની લાલચમાં લાગ જોઈ ને વસીમના માથામાં બોથડ પદાર્થના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો, ત્યાર બાદ ચેન વાળી એક બેગમાં વસીમના મૃતદેહને પૂરીને તેને એક અવ્વાવરૂ નિર્માણધીન મકાનમાં દાટી દીધો હતો. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ હત્યા સહિતની કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.