Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહલ્દ્વાનીમાં અતિક્રમણ હટાવવાના હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટની રોક, રાજ્ય સરકાર-રેલવે વિભાગને...

    હલ્દ્વાનીમાં અતિક્રમણ હટાવવાના હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટની રોક, રાજ્ય સરકાર-રેલવે વિભાગને નોટિસ પાઠવી

    કોર્ટે રાજ્ય સરકાર અને રેલવે વિભાગને મામલાનો વ્યવહારિક ઉકેલ લાવવા માટે જણાવ્યું છે મામલાની સુનાવણી ટાળી દીધી છે.

    - Advertisement -

    ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ગેરકાયદેસર અતિક્રમણ હટાવવાના હાઇકોર્ટના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. આ મામલે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે આદેશ પર રોક લગાવીને કહ્યું કે, 50 હજાર લોકોને માત્ર 7 દિવસમાં હટાવી શકાય નહીં. 

    સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલ અને અભય એસ ઓકાની ખંડપીઠે આ આદેશ પસાર કર્યો હતો. કોર્ટે આ સાથે ઉત્તરાખંડ રાજ્ય સરકાર અને રેલવે વિભાગને નોટિસ પણ પાઠવી છે. બીજી તરફ, આ મામલાની સુનાવણી આગામી 7 ફેબ્રુઆરી 2023 સુધી ટાળી દેવામાં આવી છે. કોર્ટે રાજ્ય સરકાર અને રેલવે વિભાગને મામલાનો વ્યવહારિક ઉકેલ લાવવા માટે જણાવ્યું છે. 

    સુનાવણી કરતાં કોર્ટે કહ્યું કે, “લોકો ત્યાં ઘણાં વર્ષોથી વસવાટ કરી રહ્યા છે. તેઓ કહે છે કે તે 1947 પછી અહીં આવ્યા હતા અને જમીનની હરાજી થઇ હતી. તેમના પુનર્વસન માટે વ્યવસ્થા કરવી જોઈએ. હાલ ત્યાં બાંધકામો છે, તમે કઈ રીતે તેને સાત દિવસની અંદર હટાવવા માટે કહી શકો?”

    - Advertisement -

    કોર્ટે કહ્યું કે, આમાં ‘હ્યુમન એંગલ’ પણ જોડાયેલો છે અને જો તે જમીન રેલવેની પણ હોય તો ત્યાં રહેતા લોકોના પુનર્વસન માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ. કોર્ટે હાઇકોર્ટને લઈને કહ્યું કે, તેમણે અસરગ્રસ્ત લોકોનો પક્ષ સાંભળ્યા વગર આદેશ પસાર કર્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું કે, ત્યાં દાયકાઓથી રહેતા લોકોને હટાવવા માટે પેરામિલિટરી ફોર્સ તહેનાત કરવા માટે કહેવું પણ યોગ્ય નથી. 

    સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે, અમે પહેલાં પણ સ્પષ્ટ કરી ચૂક્યા છીએ કે આ રેલવેની જમીન છે. અમે કોર્ટના આદેશાનુસાર આગળની કાર્યવાહી કરીશું.

    આરોપ એવો છે કે હલ્દ્વાની સ્થિત ‘ગફુર બસ્તી’માં લોકોએ રેલવેની જમીન પર અતિક્રમણ કરીને પોતાનાં ઘરો બનાવી લીધાં હતાં. આ મામલો હાઇકોર્ટ પહોંચ્યો તો કોર્ટે આ ગેરકાયદેસર અતિક્રમણ હટાવવા માટે આદેશ આપ્યો હતો. ગત 20 ડિસેમ્બરના રોજ ઉત્તરાખંડ હાઇકોર્ટે રેલવે વિભાગને નિર્દેશ આપ્યો કે એક અઠવાડિયાની નોટિસ આપીને આ જમીન પરથી અતિક્રમણ તાત્કાલિક હટાવવામાં આવે. 

    આ વિસ્તારમાં કુલ 4,463 અતિક્રમણ હટાવવામાં આવનાર છે. રેલવે વિભાગે 2.2 કિલોમીટર લાંબા આ પટ્ટા પર ગેરકાયદેસર બનાવાયેલાં મકાનો અને અન્ય બાંધકામો હટાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. અહીં 20 મસ્જિદો, 9 મંદિર અને શાળાઓ પણ આવેલાં હોવાનું કહેવાય છે. 

    હલ્દ્વાનીમાં અતિક્રમણની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું અને મહિલાઓ અને બાળકોને આગળ કરીને ‘વિક્ટિમ કાર્ડ’ રમવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે 10 જાન્યુઆરી 2022 સુધી કાર્યવાહી રોકી દેવામાં આવી હતી. હવે, સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં