કોંગ્રેસ નેતાઓ અને વિવાદાસ્પદ નિવેદનોને હવે ગાઢ સબંધ બંધાઈ ગયો છે. હવે વધુ એક કોંગી નેતાએ વિવાદિત નિવેદન આપી દીધું છે. આ નેતા મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ હુસૈન દલવાઈ છે. તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ભગવા કપડાંને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
વાસ્તવમાં સીએમ યોગી આદિત્યનાથ હાલ મુંબઈના પ્રવાસે છે. તેઓ બુધવારે (4 જાન્યુઆરી 2023) મુંબઈ પહોંચ્યા હતા. આ યાત્રા દરમિયાન તેઓ કેટલાક ઉદ્યોગપતિઓ અને ફિલ્મ ઉદ્યોગના કેટલાક લોકો સાથે મુલાકાત કરીને ઉત્તર પ્રદેશમાં રોકાણ અને અન્ય આર્થિક બાબતોને લઈને ચર્ચા કરશે.
સીએમ યોગી આદિત્યનાથની મહારાષ્ટ્ર મુલાકાત અગાઉ કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ કહ્યું કે, તેમણે ભગવા કપડાં પહેરીને ફરવાની જગ્યાએ અને રોજ ધર્મની વાતો કરવાની જગ્યાએ મોર્ડન બની જવું જોઈએ.
કોંગ્રેસ નેતાએ કહ્યું, “મહારાષ્ટ્રે ઉદ્યોગો માટે સારી સુવિધા પૂરી પાડી છે, જેથી મહારાષ્ટ્રથી ઉદ્યોગ લઇ જવાની જગ્યાએ તમે પોતાના રાજ્યમાં નવા ઉદ્યોગોનું નિર્માણ કરો. તેમને આગળ વધવા માટે વાતાવરણ પૂરું પાડો. રોજ ધર્મની વાતો કરવાની જગ્યાએ અને ભગવા કપડાં પહેરીને ફરવાની જગ્યાએ જરા મોર્ડન બનો, આધુનિક વિચારોને આત્મસાત કરો.”
યોગી સાથે નહીં, તેમની મજબૂત ઈચ્છાશક્તિ સામે વાંધો: ભાજપ
કોંગ્રેસ નેતાના આ નિવેદન બાદ ભાજપે કહ્યું કે, તેમને યોગી આદિત્યનાથના ભગવા કપડાંથી નહીં પરંતુ તેમની મજબૂત ઈચ્છાશક્તિથી તેઓ પરેશાન છે. ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, “યોગીજીના ભગવા કપડાંથી તેમને વાંધો નથી, તેમની મજબૂત ઈચ્છાશક્તિ અને બુલડોઝરથી તેઓ (કોંગ્રેસીઓ) પરેશાન છે. બુલડોઝર પર તો હોબાળો મચાવી નથી શકતા, એટલે હવે આવા સવાલો કરે છે. આ મૂર્ખામીભર્યું નિવેદન છે, બીજું કશું જ નહીં.”
‘હિંદુવિરોધી ચહેરો દેશ સામે આવ્યો’
બીજી તરફ મહારાષ્ટ્ર ભાજપના નેતા રામ કદમે આ નિવેદનને ભગવા વસ્ત્રો પહેરતા સાધુ-સંતોનું અપમાન ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ચૂંટણી સામે આવે તો તેમને (કોંગ્રેસને) હિંદુઓ યાદ આવે છે અને જેવી ચૂંટણી પૂરી થાય એટલે તેમનો હિંદુ વિરોધી ચહેરો દેશ સામે આવી જાય છે.
હુસૈન દલવાઈ મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગણાય છે. તેઓ રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે તેમજ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. ઉપરાંત, એક ટર્મ માટે મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય પણ રહ્યા હતા.