ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતામાર બેન-ગવિરે જેરૂસલેમમાં અલ-અક્સા મસ્જિદની મુલાકાત લીધી હતી. જેને લઈને હવે ઈસ્લામિક દેશો ઉકળી ઉઠયા છે. મક્કા અને મદીના પછી, અલ-અક્સા મસ્જિદને ઇસ્લામમાં ત્રીજું મહત્વનું સ્થળ માનવામાં આવે છે. આ સ્થળ યહુદીઓ માટે પણ અત્યંત મહત્વનું હોવાનું કહેવામાં આવે છે, જેને લઈને યહૂદીઓ અને મુસ્લિમો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બંને સમુદાયો આ સ્થળને ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માને છે.
ઇઝરાયેલના સુરક્ષા મંત્રીએ જેરુસેલમની અલ-અક્સા મસ્જિદ સંકુલની મુલાકાત બાદ અનેક ઇસ્લામિક દેશોએ તેમના પર આકરી પ્રતિક્રિયાઓ આપી છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે તેઓ ઇઝરાયેલના મંત્રીની અલ-અક્સા મસ્જિદની મુલાકાતની સખત નિંદા કરે છે. સાઉદી અરેબિયાએ તેને આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ ઉપરાંત જોર્ડન અને તુર્કીએ પણ ઇઝરાયેલના સુરક્ષા મંત્રીએ જેરુસેલમની લીધેલી મુલાકાતની નિંદા કરી છે. તો બીજી તરફ ફિલીસ્તીન અને તુર્કીએ પણ આ બાબતે ચિંતા જાહેર કરી છે.
આતંકવાદી સંગઠન ‘હમાસ’ની ધમકી છતાં કરી યાત્રા
ઉલ્લેખનીય છે કે અમેરિકા કેનેડા સહીત અનેક દેશોમાં આતંકવાદી સંગઠન જાહેર થયેલા હમાસે ઈઝરાયેલના આ પગલાનો વિરોધ કર્યો હતો અને ચેતવણી પણ આપી હતી. જોકે તેની અવગણના કરીને ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇટામર બેન-ગવિરે મંગળવારે જેરૂસલેમમાં અલ-અક્સા મસ્જિદની મુલાકાત લીધી હતી. તેમના પ્રવક્તા દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, “અમારી સરકાર હમાસની આ પ્રકારની ધમકીઓ સામે નહી જુકે.”
આ ઘટનાને લઈને તેમણે એક ટ્વીટ પણ કર્યું હતું, જેમાં તેઓ લખે છે કે, “હું જે ઇઝરાયેલી સરકારનો સભ્ય છું તે સરકાર ક્રૂર હત્યા કરનાર સંગઠનની શરણાગતિ ક્યારેય નહીં સ્વીકારે. ટેમ્પલ માઉન્ટ દરેક લોકો માટે ખુલ્લુ છે અને જો હમાસ વિચારે છે કે મને ધમકી આપશે ને હું અટકી જઈશ, તો તેમને સમજી જવું જોઈએ કે હવે સમય બદલાઈ ગયો છે. જેરુસલેમમાં પણ એક સરકાર છે!”
ממשלת ישראל שאני חבר בה לא תיכנע לארגון מרצחים שפל. הר הבית פתוח לכולם ואם החמאס חושב שאם הוא יאיים עליי זה ירתיע אותי, שיבינו שהשתנו הזמנים. יש ממשלה בירושלים! pic.twitter.com/vgDYBYacJG
— איתמר בן גביר (@itamarbengvir) January 3, 2023
ઈઝરાયેલના આ પગલા બાદ ફિલીસ્તીને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ મુલાકાત ઇસ્લામિક મસ્જિદને યહુદીઓના દેવસ્થાનમાં તબદીલ કરવા માટે કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલમાં જ્યારથી બેન્જામીન નેત્ન્યાહુ આવ્યાં છે ત્યારથી ફીલીસ્તીનમાં ખળભળાટ વધી ગયો છે. અગામી સમયમાં ફિલીસ્તીન અને ઇઝરાયેલ વચ્ચે ફરી એક વાર વિવાદ વકરે તેવી શક્યતાઓ નકારી શકાય નહિ.