કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અયોધ્યાના રામમંદિર અંગે વિવાદિત નિવેદન આપીને ચર્ચામાં આવ્યા છે. એક સભાને સંબોધિત કરતા ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, ભાજપે રામના નામે પૈસા ઉઘરાવ્યા હતા અને પછી રામમંદિરની ઈંટો પર કૂતરા પેશાબ કરતા હતા. તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ તેમની ટીકા થઇ રહી છે.
ધોળકાના વટામણ ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઓબીસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી ભરતસિંહ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે ભાજપ પર પ્રહાર કરતા રામમંદિર મુદ્દે પણ નિવેદન આપ્યું હતું.
ભરતસિંહે કહ્યું, ચૂંટણીમાં મત માંગવા જ્યારે આવે ત્યારે તમે પૂછ્યું હતું કે શું કામ કરવાના? એ તો રામમંદિરની વાત લઇ આવે, રામશીલાની વાત લઇ આવે અને જાતજાતની વાતો લઇ આવે છે. આ બધી વાતો કરે. સારું છે, ભગવાનને યાદ કરીએ. પણ કોઈ દિવસ અહીં પાણી મળે છે કે નહીં, કોઈ વ્યવસ્થા છે કે નહીં તેની ચર્ચા કરતા નથી.
‘રામ મંદિરની ઈંટો પર કુતરાઓ પેશાબ કરતા હતા’: ભાજપ પર પ્રહાર કરવામાં ભરતસિંહ સોલંકી ભૂલ્યા ભાન#RamMandir #Gujarat #ZEE24Kalak pic.twitter.com/nyxVBonnKe
— Zee 24 Kalak (@Zee24Kalak) May 24, 2022
તેમણે દાવો કરતા કહ્યું કે, “મેં એક રામસેવકને પૂછ્યું કે તમે આ ઉઘરાણી કરીને શું કરો છો? તો તેણે કહ્યું કે, અમે ઉઘરાવીએ છીએ અને હવામાં ઉછાળીએ છીએ. જેટલા રામને જોઈએ એટલા રામ લઇ લે અને બાકીના અમે લઇ લઈએ છીએ.”
આ લોકોને રામમંદિરના કરોડો રૂપિયા સરકારે આપ્યા પછી, લોકોના ઘરે-ઘરે જઈને રામમંદિરના નામે પૈસા ઉઘરાવ્યા છે. એ જમાનામાં રામશિલાની વાત મને ખબર છે. કુમકુમ તિલક અને ચાંદલા કરે, માથે મૂકીને રામશિલા લઈને જાય અને વાજતેગાજતે પાદરે મૂકી આવે. મનમાં એમ કે અમારા રામનું મંદિર બંધાશે અને અમે, અમારા બાળકો અને પરિવાર, બધા સુખી થઇ જઈશું. પણ પછી કૂતરા પેશાબ કરતા થઇ ગયા. વિચાર કરો કે રામને છેતરે એ આપણે છેતર્યા વગર રહે ખરા?”
ભરતસિંહ સોલંકીએ ભાજપ પર આક્ષેપો કરતા કહ્યું કે, ભાજપ ભગવાનના નામનો ઉપયોગ રાજકારણમાં કરે છે. રામશિલા લોકોએ ગામેગામથી અયોધ્યા મોકલી હતી. પરંતુ મંદિરના નામે ઉઘરાવેલા રૂપિયાનો હિસાબ આપવામાં ન આવ્યો. સરકારે મંદિર માટે બજેટ આપ્યું છતાં ફરીવાર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા.
હાર્દિક પટેલે કહ્યું- કોંગ્રેસને ભગવાન રામ સાથે શું દુશ્મની છે?
ભરતસિંહ સોલંકીના વિવાદિત નિવેદન બાદ થોડા દિવસો પહેલાં જ કોંગ્રેસથી અલગ થયેલા હાર્દિક પટેલે આ વિશે ટ્વિટ કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, “મેં અગાઉ પણ કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું અને હંમેશા હિન્દુ ધર્મની આસ્થાને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના નેતાએ નિવેદન આપ્યું કે રામ મંદિરની ઈંટો પર કૂતરા પેશાબ કરતા હતા.”
मैं कांग्रेस और उसके नेताओं से पूछना चाहता हूँ की आपको भगवान श्री राम से क्या दुश्मनी हैं ? हिंदुओ से क्यों इतनी नफरत ? सदियों बाद अयोध्या में भगवान श्री राम का मंदिर भी बन रहा है फिर भी कांग्रेस के नेता भगवान श्री राम के ख़िलाफ़ अनाप-शनाप बयान देते रहते हैं।
— Hardik Patel (@HardikPatel_) May 24, 2022
તેમણે આગળ કહ્યું, “હું કોંગ્રેસ અને તેના નેતાઓને પૂછવા માંગુ છું કે ભગવાન શ્રીરામ સાથે તમારી શું દુશ્મની છે? હિન્દુઓ પ્રત્યે આટલી નફરત કેમ? સદીઓ પછી અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર બની રહ્યું છે, છતાં કોંગ્રેસના નેતાઓ ભગવાન રામ વિરુદ્ધ આળાઅવળાં નિવેદનો આપતા રહે છે.”
અગાઉ કોંગ્રેસે ભગવાન રામના અસ્તિત્વને નકાર્યું હતું
અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2007 માં તત્કાલીન કોંગ્રેસ સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કરીને જણાવ્યું હતું કે ભગવાન રામના કોઈ ઐતિહાસિક પુરાવા મળતા નથી. કોંગ્રેસ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, “વાલ્મિકી રામાયણ અને રામચરિતમાનસ પ્રાચીન ભારતીય સાહિત્યનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવ્યા છે. પરંતુ આ ગ્રંથો તેમાં ચિત્રિત પાત્રો અને ઘટનાઓના અસ્તિત્વને સાબિત કરવા માટેના ઐતિહાસિક રેકોર્ડ માની શકાય નહીં.”
કોંગ્રેસ નેતાઓના બેફામ વાણીવિલાસ
એક તરફ નજીક આવતી ગુજરાત વિધાનસભા ચૂંટણીના કારણે દરેક પાર્ટીઓ મતદારોને રીઝવવા અને તેમનો સંપર્ક કરવા જનસભાઓ કરી રહી છે, ત્યારે કોંગ્રેસે પણ આવી સભાઓ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, બહુ ટૂંકા સમયમાં પાર્ટીના નેતાઓએ જાહેરમંચ પરથી વિવાદિત નિવેદન આપ્યાં હોય તેવા બે કિસ્સા બન્યા છે.
બે દિવસ અગાઉ બનાસકાંઠામાં આયોજિત એક સભામાં કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપ શાસકો માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જે મામલે પણ તેમની ખૂબ ટીકા થઇ હતી.