Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસનેતાએ કોંગ્રેસની હાર માટે કાર્યકર્તાઓને ગણાવ્યાં જવાબદાર, કોંગ્રેસનેતાઓ અને EVMને આપી કલીનચિટ:...

    કોંગ્રેસનેતાએ કોંગ્રેસની હાર માટે કાર્યકર્તાઓને ગણાવ્યાં જવાબદાર, કોંગ્રેસનેતાઓ અને EVMને આપી કલીનચિટ: કહ્યું કાર્યકરો ચવાણું ખાઈને સૂઈ જાય છે

    ગુજરાતમાં છેલ્લા લગભગ ત્રણ દાયકાઓથી મળી રહેલી સતત હાર બાદ હવે રાજ્ય કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓએ EVM નહીં પરંતુ કાર્યકર્તાઓ પર હારના દોષનો ટોપલો ઢોળી દીધો છે.

    - Advertisement -

    ગુજરાતમાં સતત હાર બાદ કોંગ્રેસ દ્વારા મંથન કરવામાં આવી રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાત ખાતે કોંગ્રેસના મંથનમાં કોંગ્રેસના જ ગ્યાસુદ્દીન શેખે હારના કારણો જણાવ્યા હતા. જેમાં ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે EVMના કારણે નહીં પરંતુ કાર્યકરો અને ચૂંટણી મેનેજમેન્ટના અભાવથી કોંગ્રેસ હારે છે. કોંગ્રેસનાં કાર્યકર્તાઓ પર આરોપ લગાવતા ધારાસભ્યએ કહ્યું કે તેઓ ચવાણું અને ભજીયા ખાઈને સૂઈ જવાનું જ કામ કરે છે.

    આમ તો વિપક્ષના નેતાઓ અને એમાય ખાસ કરીને કોંગ્રેસ નેતાઓ હાર બાદ હંમેશા EVMને પોતાના ટાર્ગેટ પર રાખતા હોય છે. દરેક હાર પછી નેતાઓ EVMના રોદણા રડતાં હોય છે, આરોપ લગાવતા હોય છે કે ભાજપ EVM હેક કરીને જીતે છે. અને પોતાની હાર માટે સંપૂર્ણ પણે EVMના માથે ઠીકરું ફોડતા હોય છે.

    ઉત્તર ગુજરાતના કોંગ્રેસના મંથનમાં દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પક્ષની અત્યારસુધીની લાઈન વિરુદ્ધનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ EVMના કારણે નહીં, પરંતુ ચૂંટણી મેનેજમેન્ટના અભાવથી હારે છે. કોંગ્રેસનાં કાર્યકર્તાઓ પર આરોપ મૂકતાં તેમણે કહ્યું કે કાર્યકરો ચૂંટણીના 2 દિવસ અગાઉ કામ કરતા નથી. ઉપરાંત કોંગ્રેસના પોલિંગ એજન્ટ ન હોવાથી ભાજપ EVMમાં બટનો દબાવે છે. કોંગ્રેસનાં કાર્યકર્તા આખી રાત ચવાણું-ભજીયા ખાય છે અને સવારે મતદાન સમયે સુઈ જાય છે. જેથી હાર પાછળ માત્ર EVMને જવાબદાર ઠેરવી શકાય નહીં. વધુમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ મતદારોને મતદાન મથક સુધી લઇ જવામાં નિષ્ફળ નિવડી છે. જેથી પાર્ટીએ લોકસંપર્કમાં વધારો કરવાની જરૂર છે. સભા, રેલી અને બેઠકો કર્યા પહેલાં કોંગ્રેસે ચૂંટણી મેનેજમેન્ટ કરવાની જરૂર છે. 

    - Advertisement -

    આ પહેલા વાવ ખાતે કોંગ્રેસ દ્વારા જન વેદના સભા યોજાઇ હતી. જે દરમિયાન દિયોદર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય શિવા ભુરીયાએ પણ કોંગ્રેસનાં કાર્યકર્તાઓ પર આરોપ મૂકવા સાથે પ્રહારો કર્યા હતા. સભા સંબોધન વખતે શિવા ભુરીયાએ જણાવ્યુ હતું કે, ચૂંટણી આવે એટલે બેઠકોનો દૌર શરૂ થઇ જાય છે પરંતુ મતદાન વેળાએ કોંગ્રેસનાં કાર્યકર્તાઓ જ ભાજપનું બટન દબાવતા હોવાથી સરકાર ભાજપની આવે છે. વધુમાં શિવા ભુરીયાએ જણાવ્યુ હતું કે, હારનું ઠીકરું EVM મશીન પર ફોડતા હોઈએ છીએ પણ ચુંટણીમાં EVM મશીન ખોટા નથી હોતા પરંતુ કોંગ્રેસનાં કાર્યકર્તાઓ કમળનો સિક્કો દબાવતા હોવાથી સરકાર ભાજપની આવી રહી છે. આથી હવે આગામી ચૂંટણીમાં જાગૃત બનીને અને દેશમાં લોકશાહી રાખવી હોય તો આ સરકાર બદલવા લોકોને ટકોર કરી હતી.

    અહી ઉલ્લેખનીય છે કે દેશમાં ચૂંટણીઓમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે EVMના ઉપયોગની શરૂઆત કેન્દ્રમાં કોંગ્રેસના UPA શાસન દરમિયાન જ થઇ હતી. જો કે 2014ની લોકસભા ચૂંટણી અને ત્યારબાદની વિવિધ ચૂંટણીઓમાં કોંગ્રેસની હાર થતા કોંગ્રેસ નેતાઓ EVMનો દોષ કાઢવા લાગેલા. ત્યાં સુધી કે ચૂંટણીમાં EVMનો ઉપયોગ રદ્દ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. 

    હવે જોવાનું એ રહેશે કે જે કાર્યકર્તાઓના બળ પર કોઈ પણ પાર્ટી ઊભી હોય છે એવા પાયાના કાર્યકર્તાઓ પર ગુજરાત કોંગ્રેસના બે વરિષ્ઠ આગેવાનો દ્વારા લાગવાયેલા આ આરોપો પર ગુજરાત કોંગ્રેસનાં કાર્યકર્તાઓ શું પ્રતિક્રિયા આપે છે. અહી ઉલ્લેખનીય એ પણ છે કે નેતાઓ અને સંગઠન દ્વારા થતાં આવા જ અપમાનો અને નેતાઓની જવાબદારીમાંથી છટકવાની મનીષાને કારણે જ કદાચ મોટા પ્રમાણમા કોંગ્રેસ કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં