Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકિશન ભરવાડની હત્યાથી લઈને મેંગલુરુ બૉમ્બ બ્લાસ્ટ સુધી…વર્ષ 2022 પૂર્ણ થયું છે...

    કિશન ભરવાડની હત્યાથી લઈને મેંગલુરુ બૉમ્બ બ્લાસ્ટ સુધી…વર્ષ 2022 પૂર્ણ થયું છે ત્યારે એક નજર આ વર્ષની મુખ્ય જેહાદી ઘટનાઓ ઉપર

    આ જેહાદની અવધારણાના કારણે સમાજ, રાષ્ટ્ર અને માનવતાને જે નુકસાન થયું છે, તેના હિસાબ રાખવા બહુ જરૂરી છે.

    - Advertisement -

    ‘જેહાદ’ એક ઉર્દૂ શબ્દ છે, જેનો શાબ્દિક અર્થ થાય છે- સંઘર્ષ અથવા યુદ્ધ. ઇસ્લામી વિદ્વાનો અનુસાર, ‘જેહાદ’ શબ્દનો કુરાનમાં પણ વિવિધ સંદર્ભોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પણ સાંપ્રત સમયમાં વ્યવહારિક દ્રષ્ટિએ જોવા જઈએ તો જેહાદનો અર્થ એક જ રહી ગયો છે- ઇસ્લામિક આતંકવાદ. આ ‘જેહાદ’ અલ્લાહના માર્ગે ચાલતી લડાઈ છે જેનો ટાર્ગેટ કોઈ પણ બિન-મુસ્લિમ હોય છે. આમ તો આતંકી સંગઠનો દ્વારા અંજામ અપાતી અનેક આતંકવાદી ઘટનાઓમાં જેહાદનો સીધો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ ઇસ્લામીઓ દ્વારા કરવામાં આવતી હત્યાઓ, રમખાણો વગેરે પાછળ જેહાદી માનસિકતા સ્પષ્ટ રીતે છતી થતી હોય એવી બહુ ઓછી ઘટનાઓ જોવા મળે છે. 

    ઉપરાંત, અનેક કૃત્યો કાયદો-વ્યવસ્થાની દ્રષ્ટિએ ગુનો હોય અને તેમાં મુસ્લિમ ભીડ સામેલ હોય છે, અને તેની પાછળનો મકસદ પણ ઇસ્લામિક જેહાદ હોવા છતાં તેને આતંકવાદી કૃત્ય ગણવામાં આવતાં નથી. વર્ષ 2022 પૂર્ણ થયું છે ત્યારે ભારતમાં આ વર્ષની એવી જેહાદી ઘટનાઓ પર એક નજર નાંખીએ. અહીં ઉલ્લેખનીય છે કે આ લેખમાં માત્ર હિંસાની ઘટનાઓ જ સામેલ કરવામાં આવી છે. જેહાદનાં અન્ય સ્વરૂપો લવ જેહાદ, લેન્ડ જેહાદ વગેરે અલગ ચર્ચાના વિષયો છે. 

    કિશન ભરવાડ હત્યા કેસ 

    2022નું વર્ષ ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત સાથે શરૂ થયું હતું. બે-અઢી મહિનાથી ચાલતા ચૂંટણી પ્રચારના કારણે દેશભરમાં ચૂંટણીનો માહોલ બન્યો હતો. આ જ સમયે ગુજરાતમાં એક કેસ આવ્યો. કિશન ભરવાડ નામના એક હિંદુ યુવાનની કથિત ઇશનિંદાના આરોપસર ઇસ્લામીઓએ હત્યા કરી નાંખી. 

    - Advertisement -

    કિશન ભરવાડની 25 જાન્યુઆરીના રોજ ઇસ્લામીઓએ હત્યા કરી નાંખી હતી. તે અમદાવાદના ધંધુકામાં રહેતો હતો. હત્યાના દિવસે સવારે તે બાઈક લઈને પસાર થઇ રહ્યો હતો ત્યારે બે ઈસમોએ બાઈક પર આવીને સરાજાહેર ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. ઇસ્લામીઓ દ્વારા થતી અન્ય હત્યાઓની જેમ જ આ હત્યા પાછળનું કારણ પણ મુસ્લિમોએ એ જ જણાવ્યું કે કિશને ‘ઇશનિંદા’ કરીને તેમની મજહબી ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી. 

    કિશન ભરવાડ એક સામાન્ય યુવાન હતો, ખેતી કરીને અને ફોટોકૉપીની દુકાન ચલાવીને પરિવારનું ભારણપોષણ કરતો હતો. જાન્યુઆરી 2022માં તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટ શૅર કરી હતી. આ શોર્ટ ઓડિયો-વિડીયો ફાઈલમાં જીસસને ‘ઈશ્વરનું સંતાન’, પયગમ્બર મોહમ્મદને ‘ઈશ્વરના સંદેશાવાહક’ અને ભગવાન શ્રીકૃષ્ણને ‘સ્વયં ઈશ્વર’ દર્શાવવામાં આવ્યા હતા. 

    આ શૅર કર્યા પછીથી કિશનને ધમકીઓ મળવા માંડી હતી. થોડા સમય માટે તે જેલમાં પણ જઈ આવ્યો હતો. ત્યાંથી બહાર આવ્યો કે તરત તેની હત્યા કરી નાંખવામાં આવી. તે તેની નવજાત પુત્રીનું મોં પણ જોઈ શક્યો ન હતો. પછીથી સામે આવ્યું હતું કે કિશન ભરવાડની હત્યા પાકિસ્તાન સમર્થિત એક જેહાદી નેટવર્ક દ્વારા અંજામ આપવામાં આવેલ એક પૂર્વનિયોજિત કાવતરું હતું. 

    કર્ણાટક હિજાબ વિવાદ અને હર્ષાની હત્યા 

    જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં દેશમાં અને વિશેષ કરીને કર્ણાટક રાજ્યમાં હિજાબ વિવાદે વેગ પકડ્યો હતો. કર્ણાટકમાં એક કોલેજ પરિસરમાં હિજાબ પહેરીને ફરતી મુસ્લિમ યુવતીઓથી શરૂ થયેલો વિવાદ વધ્યો હતો અને પછીથી ABVP જેવાં અન્ય વિદ્યાર્થી સંગઠનોએ પણ સંસ્થાઓમાં ચોક્કસ ડ્રેસકોડ લાગુ કરવાની માંગ કરી હતી. ત્યારબાદ રાજ્યભરના મુસ્લિમો હિજાબના સમર્થનમાં પ્રદર્શન કરવા માંડ્યા હતા. ત્યારબાદ મામલો કોર્ટમાં પહોંચ્યો અને 15 માર્ચ 2022ના રોજ કર્ણાટક હાઇકોર્ટે એક ચુકાદામાં કહ્યું કે હિજાબ ઇસ્લામમાં ફરજીયાત નથી અને શૈક્ષણિક સંસ્થાઓને તેમના પરિસરમાં ડ્રેસ કોડ નક્કી કરવાનો અને લાગુ કરવાનો અધિકાર છે. 

    કોર્ટનો આ ચુકાદો આવ્યો તેના લગભગ એક મહિના પહેલાં શિવમોગામાં એક હર્ષા નામના હિંદુ એક્ટિવિસ્ટની ઇસ્લામીઓએ હત્યા કરી નાંખી હતી. તે વ્યવસાયે દરજી હતો અને હિજાબના વિરોધમાં હતો. તે બજરંગ દળમાં પણ સક્રિય હતો. 20 ફેબ્રુઆરીએ હિજાબના સમર્થનમાં હોવાના કારણે હિંદુ યુવકની હત્યા કરી નાંખી હતી. 

    ગોરખનાથ મંદિર હુમલો 

    3 એપ્રિલ, 2022ના રોજ અહમદ મુર્તઝા અબ્બાસી નામના એક ઈસમે ઉત્તર પ્રદેશના ગોરખનાથ મંદિરની બહાર ફરજ બજાવતા પોલીસકર્મીઓ ઉપર હુમલો કરી દીધો હતો. સીએમ યોગી આદિત્યનાથ મંદિરની મુલાકાત લેવાના હતા તેના માત્ર એક દિવસ પહેલાં આ ઘટના બની હતી. ધારદાર હથિયાર વડે કરેલા હુમલામાં અબ્બાસીએ બે પોલીસકર્મીઓને ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. અહીં ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ ગોરખનાથ મંદિરના મહંત છે. જોકે, હુમલો થયો ત્યારે તેઓ મંદિરમાં હાજર ન હતા. 

    આ હુમલાના થોડા દિવસ બાદ એક મૌલાના ઈલિયાસીએ પોલીસને જણાવ્યું હતું કે આરોપી ‘કાળાજાદૂ’ની અસર હેઠળ હતો. આ મૌલાના એ જ મદ્રેસામાં ભણાવતો હતો જ્યાં અબ્બાસી જતો હતો. અબ્બાસીના પિતાએ દાવો કર્યો હતો કે તેમનો પુત્ર માનસિક અસ્વસ્થ હતો, જે દાવો પછીથી ડોક્ટરોએ નકારી કાઢ્યો હતો. 

    અબ્બાસીની પૂછપરછમાં સામે આવ્યું કે તે ઇસ્લામિક આતંકવાદી સંગઠનોની મદદથી ‘જરીમા’ નામની એક જેહાદી એપ બનાવતો હતો. ઉર્દૂમાં જરીમાનો અર્થ ‘જુલમ’ થાય છે. અબ્બાસી આ જેહાદી એપ બનાવતા પહેલાં Pir2Pir નામની એક એપ દ્વારા સંદેશાની આપ-લે કરતો હતો, જે ઇસ્લામીઓ દ્વારા વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવતી રહી છે. તે આતંકી સંગઠન ISISમાં પણ જોડાવાનો હતો. 

    ખરગોન હિંસા 

    10 એપ્રિલ 2022ના રોજ રામનવમીના દિવસે મધ્ય પ્રદેશના ખરગોનમાં નીકળેલી ભગવાન રામની શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને અનેક વાહનોને આગ લગાવી દેવામાં આવી હતી. આ હિંસા દરમિયાન 6 પોલીસકર્મીઓ સહિત 24 લોકોને ઇજા પહોંચી હતી. ત્યારબાદ પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. 

    31 જુલાઈ, રવિવારના રોજ મધ્ય પ્રદેશ પોલીસે ખરગોનની ઇસ્લામી હિંસામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો, જેની ઓળખ શમીઉલ્લાહ ખાન તરીકે થઇ હતી. તેને ખરગોન-ધાર જિલ્લાની સરહદેથી પકડવામાં આવ્યો હતો. 

    16 એપ્રિલના દિવસે ઇસ્લામીઓએ દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિની શોભાયાત્રા ઉપર હુમલો કર્યો હતો, જેમાં પોલીસકર્મીઓ સહિત અનેક લોકોને ઇજા પહોંચી હતી. આ કેસમાં પોલીસે 40થી વધુ લોકોની ધરપકડ કરી હતી. જેમાં મુખ્ય આરોપીઓની ઓળખ અન્સાર શેખ અને અસલમ શેખ તરીકે થઇ હતી. જ્યારે એક આરોપી ફરીદને પકડવા માટે પોલીસ પશ્ચિમ બંગાળ ગઈ હતી. 

    દિલ્હીનો જહાંગીરપુરી વિસ્તાર બાંગ્લાદેશી મુસ્લિમોથી ઘેરાયેલો છે, જેમાં રોહિંગ્યા પણ સામેલ છે. 22 એપ્રિલ શુક્રવારે દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ ઘટસ્ફોટ કર્યો હતો કે આ ઘટના મોહમ્મદ અન્સાર શેખ દ્વારા પહેલેથી આયોજિત કરવામાં આવેલ ષડ્યંત્રનો ભાગ હતી અને તેણે હુમલા પહેલાં એક મિટિંગનું પણ આયોજન કર્યું હતું. 

    નૂપુર શર્માને હત્યાની ધમકીઓ 

    મે મહિનાના અંતિમ સપ્તાહમાં ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને તેમના પરિવારને પયગમ્બર મોહમ્મદ અને ઇસ્લામ વિરુદ્ધ પોતાના વિચારો વ્યક્ત કરવા બદલ ઇસ્લામીઓ તરફથી ધમકીઓ મળવાની ચાલુ થઇ ગઈ હતી. જેમને ઉશ્કેરવામાં ઓલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબૈર વગેરેએ મોટો ભાગ ભજવ્યો હતો. 

    નૂપુર ટાઈમ્સ નાઉની એક ટેલિવિઝન ડિબેટમાં ભાગ લેવા માટે ગયાં હતાં, જેનો વિષય હતો- જ્ઞાનવાપી પરિસરમાંથી મળી આવેલા શિવલિંગ અને હિંદુ દેવી-દેવતાઓની ઉડાવવામાં આવતી મજાક. ઇસ્લામીઓએ દાવો કર્યો હતો કે જ્ઞાનવાપીના વજૂખાનામાંથી મળી આવેલું શિવલિંગ એ ખરેખર શિવલિંગ નહીં પરંતુ ફુવારો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર શિવલિંગ અને દેવી-દેવતાઓને લઈને અનેક મજાક ઉડાડતી પોસ્ટ્સ વાયરલ થઇ હતી. 

    નૂપુર શર્માએ શું કહ્યું હતું? 

    ટાઈમ્સ નાઉની ડિબેટ દરમિયાન પણ એક પેનલિસ્ટે શિવલિંગને ફુવારો ગણાવ્યું ત્યારે નૂપુર શર્માએ તેમને અટકાવીને કુરાન સહિતનાં ઇસ્લામિક પુસ્તકોને ટાંકીને પયગમ્બર મોહમ્મદ અને ઇસ્લામ પર ટિપ્પણી કરી હતી. 

    એક તરફ ડીબેટમાં પેનલિસ્ટ તસ્લીમ રહેમાની ભગવાન શિવ વિશે અપમાનજનક ભાષા વાપરી રહ્યા હતા ત્યારે નૂપુર શર્માએ હદીસને ટાંકીને પયગમ્બર મોહમમદ અને આયશા સાથેનાં તેમના નિકાહનો ઉલ્લેખ કર્યો હતો. જેનો વિડીયો એડિટ કરીને ઝુબૈરે શૅર કર્યો હતો અને ઇસ્લામીઓને ઉશ્કેર્યા હતા, જે પછીથી આખા દેશમાં ‘સર તન સે જુદા’ના વિરોધ પ્રદર્શનમાં ફેરવાયું હતું. 

    નૂપુર શર્માની ટિપ્પણી બાદ હિંસા 

    જેહાદીઓ નૂપુર શર્માને હત્યાની ધમકી આપવા સુધી જ સીમિત ન રહ્યા. ત્યારબાદ તેમની સામે દેશભરમાં અનેક FIR થઇ. દરમ્યાન, 3 જૂન 2022ના રોજ કાનપુરમાં ઇસ્લામિક ભીડે પથ્થરમારો કરીને હિંસા આચરી. એક આખા અઠવાડિયા સુધી અનેક ઇસ્લામીઓ અને મૌલાનાઓ નૂપુર શર્માના માથે ઇનામ જાહેર કરતા રહ્યા. 

    તેના આગલા શુક્રવારે, 10 જૂને, અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શનના નામે મુસ્લિમ ભીડ ઉતરી પડી, જે ‘પ્રદર્શન’ પછીથી હિંસા અને રમખાણોમાં ફેરવાયાં અને હૈદરાબાદ, પ્રયાગરાજ, જમ્મુ, હાવડા, હરિદ્વાર અને રાંચી સહિતનાં શહેરોમાં આવી ઘટનાઓ બની. આ જ સમય દરમિયાન સાદ અન્સારી નામના એક મુસ્લિમ યુવકને નૂપુર શર્માના સમર્થન બદલ મુસ્લિમોએ જ માર માર્યો હતો. 

    કન્હૈયાલાલ હત્યા કેસ 

    ઇસ્લામીઓ નૂપુર શર્માને કંઈ નુકસાન ન પહોંચાડી શક્યા તો તેમણે દેશનાં વિવિધ શહેરોમાં રમખાણો કરીને હિંસા ફેલાવવાની શરૂ કરી દીધી હતી. જ્યારે સરકારે આવી ઘટનાઓ સામે પણ કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું ત્યારે જેહાદીઓએ સોશિયલ મીડિયા ઉપર નૂપુર શર્માનું સમર્થન કરતા હિંદુઓને ટાર્ગેટ કરવાના શરૂ કર્યા હતા. 

    આવા જ એક કેસમાં રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ નામના એક હિંદુ વ્યક્તિની હત્યા કરી નાંખવામાં આવી. 28 જૂન 2022ના રોજ ધોળા દહાડે બે જેહાદી ઇસ્લામીઓ તેમની દુકાનમાં ઘૂસી ગયા હતા અને કન્હૈયાલાલનું ગળું કાપીને હત્યા કરી નાંખી હતી. એટલું જ નહીં, તેમણે આ ઘટનાનો વિડીયો પણ બનાવ્યો હતો અને કહ્યું હતું કે આ ચાકુ એક દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગળા સુધી પણ પહોંચશે અને તેઓ તેમની પણ એ જ રીતે હત્યા કરી નાંખશે. કન્હૈયાલાલની હત્યા એટલા માટે થઇ કારણ કે તેમણે વોટ્સએપ ઉપર નૂપુર શર્માનું સમર્થન કરતી પોસ્ટ મૂકી હતી. 

    ઉમેશ કોલ્હે હત્યા કેસ 

    22 જૂન 2022ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં ઉમેશ કોલ્હે નામના એક કેમિસ્ટની હત્યા કરી નાંખવામાં આવી. તેમણે વોટ્સએપ ગ્રુપમાં નૂપુર શર્માનું સમર્થન કરતો મેસેજ મૂક્યો હતો. પછીથી સામે આવ્યું કે ઉમેશના એક સમયના મિત્ર ડૉ. યુસુફ ખાને જ તેમની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને આખો પ્લાન ઘડીને અંજામ આપ્યો હતો. 

    ઉમેશ કોલ્હેની હત્યાનો મામલો લિબરલ મીડિયા દ્વારા દબાવી દેવામાં આવ્યો અને હત્યા પાછળનું સાચું કારણ શું હતું તે તત્કાલીન મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા છુપાવી દેવામાં આવ્યું. પોલીસે પહેલાં આ કેસને ચોરીનો મામલો ગણાવ્યો હતો. પરંતુ એકનાથ શિંદે 30 જૂનના રોજ સીએમ બન્યા બાદ હત્યા પાછળનું સાચું કારણ સામે આવી શક્યું અને કેસ NIAને સોંપવામાં આવ્યો. 

    પ્રવીણ નેત્તારૂ હત્યા કેસ 

    26 જુલાઈના રોજ કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર પ્રવીણ નેત્તારૂની ઇસ્લામીઓએ હત્યા કરી નાંખી હતી. નેત્તારૂ પોલ્ટ્રીનો વ્યવસાય કરતા હતા અને ફાર્મ પરથી ઘરે આવતી વેળા તેમની ઉપર હુમલો થયો હતો. હત્યારાઓએ ધારદાર હથિયાર વડે હુમલો કર્યા બાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ બચી શક્યા ન હતા. 

    આ હત્યા પાછળના મકસદને લઈને ત્રણ જુદી-જુદી થિયરીઓ સામે આવી. જેમાંથી એક એવી હતી કે તેમણે સોશિયલ મીડિયા ઉપર કન્હૈયાલાલના સમર્થનમાં પોસ્ટ કરી હતી, જેના કારણે તેમની હત્યા થઇ ગઈ હતી. 

    કોયમ્બતૂર બૉમ્બ બ્લાસ્ટ 

    22 ઓક્ટોબર 2022ના રોજ તમિલનાડુના કોયમ્બતૂરમાં એક એલપીજી બ્લાસ્ટમાં એક 25 વર્ષીય ઈસમ મૃત્યુ પામ્યો હતો. જેની ઓળખ જમીઝા મુબીન તરીકે થઇ હતી. આ બ્લાસ્ટ કોટ્ટાઇ ઈશ્વરમ મંદિરની બરાબર સામે જ એક મારૂતિ કારમાં થયો હતો. જેમાંથી બે ગેસ સિલિન્ડર મળી આવ્યાં હતાં. 

    ઘટના બાદ ગૃહ મંત્રાલયના આદેશ પર NIAએ કેસ દાખલ કર્યો હતો. એજન્સીએ મુબીનનાં ઠેકાણાં પર તપાસ કરતાં ત્યાંથી ઓક્સિજન સિલિન્ડર, સલ્ફર પાઉડર, બ્લેક પાઉડર, નાઇટ્રો ગ્લિસરીન, રેડ ફોસ્ફરસ વગેરે જેવી બૉમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી. ઉપરાંત, ઇસ્લામિક વિચારધારા અને જેહાદ સબંધિત સાહિત્ય પણ મળી આવ્યું હતું. 

    મેંગલુરુ બૉમ્બ બ્લાસ્ટ 

    19 નવેમ્બર 2022ના રોજ કર્ણાટકના મેંગલુરુમાં એક રિક્ષામાં બ્લાસ્ટ થયો હતો. પછીથી સામે આવ્યું હતું કે આ એક આતંકવાદી ઘટના હતી. આ મામલે એક મોહમ્મદ શરીક નામના ઈસમની ધરપકડ કરવામાં આવી હતી, જેની આતંકવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ હોવાનું સામે આવ્યું હતું તો એવું પણ ખુલ્યું હતું કે તે હુમલા પહેલાં પોતાને હિંદુ ગણાવી રહ્યો હતો. જેથી હુમલા પછી તે મૃત્યુ પામે તો તેને હિંદુ તરીકે ઓળખવામાં આવે અને ‘હિંદુ આતંકવાદ’ના નરેટિવને આગળ વધારી શકાય. આવી જ મોડેસ ઓપરેન્ડી 26/11ના આતંકવાદી હુમલા વખતે પણ જોવા મળી હતી. 

    વર્ષો વીતતાં જાય છે પણ ઇસ્લામિક જેહાદ યથાવત છે 

    જેહાદ એ ઇસ્લામમાં માનનાર મુસ્લિમ વ્યક્તિનું કર્તવ્ય છે જેમાં ઇસ્લામના દુશ્મનો-જેમાં કોઈ પણ બિન-મુસ્લિમ આવી જાય છે- સામે લડવાનું છે. જેહાદી માને છે કે જેહાદમાં તેણે આપેલા યોગદાન પરથી તેને આંકવામાં આવશે અને તેનું તેને ઇનામ પણ મળશે, પરંતુ મૃત્યુ પછી. આ જેહાદની અવધારણાના કારણે સમાજ, રાષ્ટ્ર અને માનવતાને જે નુકસાન થયું છે, તેના હિસાબ રાખવા બહુ જરૂરી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં