બનાસકાંઠાના વાવના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી વિવાદમાં આવ્યા છે. ગઈકાલે કોંગ્રેસ પાર્ટી દ્વારા યોજાયેલી એક સભામાં ભાજપ સરકારનો વિરોધ કરતા તેઓ ભાન ભૂલ્યાં હતાં અને અપશબ્દો અને અશોભનીય શબ્દોનો મારો ચલાવ્યો હતો. ગેનીબેન ઠાકોરનો આ વિડીયો પણ મીડિયા અને સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.
બનાસકાંઠાના વાવ ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા જનવેદના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વાવના સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, વડગામના અપક્ષ ધારાસભ્ય અને કોંગ્રેસ સમર્થક જીગ્નેશ મેવાણી અને થરાદના કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન, મંચ પરથી ભાષણ આપતા ગેનીબેન ઠાકોરે ભાજપ સરકારના કામ પર સવાલો ઉઠાવ્યા હતા.
વિપક્ષ નેતાઓ સરકારને સવાલો કરે અને સભ્ય ભાષામાં પ્રહારો કરે તે તો સમજી શકાય તેમ છે પરંતુ કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેને અમુક ક્ષણો પછી બેફામ વાણીવિલાસ શરૂ કરી દીધો હતો અને ભાજપના શાસકો વિશે અપશબ્દો વાપરવાના શરૂ કરી દીધા હતા. એટલું જ નહીં, જ્યારે તેમણે ભાજપશાસકોને અપશબ્દો કહ્યા ત્યારે મંચ પરથી તાળીઓ પણ પડી હતી. જે મામલે ચર્ચાઓએ જોર પકડ્યું છે.
મંચ પરથી ભાષણ કરતા ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ચોર કોટવાલને દંડે એવી વાત ભારતીય જનતા પાર્ટીના રાજમાં છે. ગુજરાત અને કેન્દ્રની અંદર તેમનું શાસન છે ત્યારે કોંગ્રેસના અને અન્ય પક્ષના આગેવાનો પર નાનામોટા કેસ કરી રહ્યા છે અને ન્યાય માટે લડતની મંજૂરી તો અંગ્રેજો પણ આપતા પરંતુ આ તો અંગ્રેજો કરતા પણ બત્તર છે અને ન્યાયની લડાઈ લડવા માટે છૂટ નથી આપતા.
કોંગ્રેસના ધારાસભ્યની અશોભનિય ભાષા
— News18Gujarati (@News18Guj) May 22, 2022
વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સભામાં ભાન ભુલ્યા
#Banaskantha pic.twitter.com/TcdDjpiQ7s
તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ધરાવતા લોકો પોલીસતંત્ર સાથે મળી પોલીસને આગળ કરી કે અધિકારીઓને આગળ કરી ફરિયાદ કરી રહ્યા છે. આ કેસ પરત ખેંચવા માટેની અમારી લડાઈ છે.
ક્યાં સુધી આ લોકો યુવાનોને બરબાદ કરવાના કાવતરાં કરશે? ક્યાં સુધી સમાજ-સમાજને અંદરોઅંદર લડાવશે? ક્યાંક મહિલાઓની સુરક્ષા માટેની વાત હોય અને કોઈ આગળ આવે તો તેમાં પણ તેમની સામે કેસ કરવામાં આવે. તમારે જે કરવાનું છે એ કરો. કોઈ એવો દિવસ નહીં હોય કે ગુજરાતની અંદર બહેન-દીકરીઓ પર બળાત્કાર ન થયા હોય અને છેડતી ન થઇ હોય.
આ વાક્ય બાદ કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ભાન ભૂલ્યા હતા અને અપશબ્દ વાપરીને કહ્યું હતું કે, “તમારા રાજની અંદર ભ#*ઓ બેન-દીકરીઓ પણ સુરક્ષિત નથી.” વધુ આશ્ચર્યની વાત એ છે કે આ ધારાસભ્યના આ વાક્ય બાદ સ્ટેજ પરથી તાળીઓ પડવા માંડી હતી!
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ધારાસભ્યોએ આ ‘જનવેદના’ સભા આયોજિત કરીને ફિલ્મ ‘પદ્માવતી’ના વિરોધ વખતે ક્ષત્રિય સમાજના લોકો પર થયેલા કેસો, ઉનાકાંડ વખતે દલિતો પર થયેલા કેસ અને અન્ય આંદોલનો દરમિયાન અન્ય સમાજોના લોકો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગણી કરી હતી.