અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુનો કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. મુંબઈની જે કૂપર હોસ્પિટલમાં સુશાંતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું તેના એક કર્મચારીએ ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, સુશાંતના શરીર ઉપર ઘાના નિશાન હતા અને એવો પણ દાવો કર્યો કે તે આત્મહત્યા નહીં પરંતુ હત્યા હતી.
ટીવી9 મરાઠી સાથેની વાતચીત દરમિયાન કૂપર હોસ્પિટલના એક કર્મચારીએ આ દાવો કર્યો હતો. તેમની ઓળખ રૂપકુમાર શાહ તરીકે થઇ છે. તેમણે ખુલાસો કરતાં કહ્યું કે, સુશાંતસિંહ રાજપૂતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરતી વખતે તેમને શરીર પર અનેક નિશાન જોવા મળ્યાં હતાં અને જેથી તેમને લાગે છે કે તે આત્મહત્યા નહીં પરંતુ હત્યા હતી.
તેમણે કહ્યું, “સુશાંતનું નિધન થયું ત્યારે પાંચ મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે આવ્યા હતા. અમને જણાવવામાં આવ્યું કે તેમાંથી એક વીઆઈપી બોડી છે અને આત્મહત્યાનો કેસ છે. પરંતુ કોણ છે એ અમને ખબર ન હતી. જ્યારે શરીર પરનું કપડું હટાવ્યું ત્યારે ખબર પડી કે આ સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ છે.”
રૂપકુમાર શાહ આગળ કહે છે કે, “કપડું હટાવ્યું તો મારપીટ કરવામાં આવી હોય તેવાં નિશાન જોવા મળ્યાં. ગળા ઉપર પણ બે-ત્રણ નિશાન હતાં. જાણે મુક્કા મારવામાં આવ્યા હોય તેવાં નિશાન પણ જોવા મળ્યાં. વિડીયો પણ શૂટ થવાનો હતો પરંતુ થયો નહીં. અમને સિનિયરોએ માત્ર ફોટા જ લેવા માટે કહ્યું હતું અને અમે પણ તેમ જ કર્યું.”
ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન હોસ્પિટલ કર્મચારી આગળ ઉમેરે છે કે, “દરેક પોસ્ટમોર્ટમ બાદ અમારી વચ્ચે ચર્ચા થાય છે, આ બોડી જોઈને પણ મેં સિનિયરોને કહ્યું હતું કે આ આત્મહત્યા નહીં પરંતુ હત્યાનો કેસ લાગે છે અને આપણે એ જ રીતે આગળ કામ કરવું જોઈએ. પરંતુ સિનિયરે કહ્યું કે, જલ્દીથી ફોટો લઈને બોડી મોકલવાની છે, જેથી અમે રાત્રે જ પોસ્ટમોર્ટમ કર્યું હતું.”
તેમણે એમ પણ કહ્યું કે, આત્મહત્યા કરી હોય તે અને હત્યા કરવામાં આવી હોય તે બંને મૃતદેહો પરનાં નિશાન અલગ-અલગ હોય છે. સુશાંતના ગળા ઉપર જે નિશાન હતાં તે આત્મહત્યા કરવામાં આવી હોય તેવા નહીં પરંતુ હત્યા જેવાં હતાં.
ઉલ્લેખનીય છે કે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનું મૃત્યુ 14 જૂન 2020ના રોજ થયું હતું. આમ તો તેમનો મૃતદેહ તેમના ઘરેથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો પરંતુ આ હત્યા હતી કે આત્મહત્યા તે મામલે સતત ચર્ચા ચાલતી રહી છે. હવે મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.