વર્ષ 2019માં કેન્દ્ર સરકારે પસાર કરેલા નાગરિક સંશોધન કાયદાના (CAA) વિરોધમાં ઉત્તર પ્રદેશના અમરોહામાં થયેલ ‘વિરોધ પ્રદર્શન’માં સાર્વજનિક અને ખાનગી સંપત્તિઓને નુકસાન કરનારા 86 ઉપદ્રવીઓ દોષી ઠેરવવામાં આવ્યા છે. CAA વિરોધી પ્રદર્શન મામલે યુપીમાં આ પહેલી સજા આપવામાં આવી છે. આ તોફાનો 20-21 ડિસેમ્બર 2019ના રોજ થયાં હતાં.
કોર્ટે આ તમામ પાસેથી કુલ 4,27,439 રૂપિયા વસૂલ કરવાનો આદેશ આપ્યો છે. જેથી દરેક પાસેથી 4,971 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. કેટલાક અહેવાલોમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે દોષીઓએ ફરજીયાત આ આદેશનું પાલન કરવું પડશે અને તેઓ તેને કોર્ટમાં પડકારી શકશે નહીં.
ન્યાયાલયે અમરોહાના ડીએમને CAA વિરોધના નામે થયેલાં આ તથાકથિત પ્રદર્શનમાં સરકારી અને ખાનગી સંપત્તિને થયેલ નુકસાનની વસૂલાત માટે યુપી સરકારે બનાવેલા કાયદા અંતર્ગત તમામ 86 ઉપદ્રવીઓ પાસેથી દંડ વસૂલ કરીને રાજકોષમાં જમા કરાવવા માટેનો આદેશ આપ્યો છે. આ માટે 30 દિવસનો સમય અપાયો છે. 30 દિવસ બાદ તેમની પાસેથી 6 ટકા વ્યાજ સાથે ખર્ચ વસૂલ કરવામાં આવશે. આમાંથી 3 આરોપીઓ એવા પણ છે જેમનાં સરનામાં જાણી શકાયાં નથી, જેથી આ આરોપીઓનાં પોસ્ટરો છપાવીને તેમની જાણકારી મેળવવા તેમજ રકમ વસૂલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે 20 ડિસેમ્બર 2019ના દિવસે અમરોહાના વિવિધ વિસ્તારોમાં તોફાનો અને રમખાણો થયાં હતાં અને જેમાં 55 લોકો સામે નામજોગ અને 1500 અન્ય સામે 21 ડિસેમ્બર 2019ના રોજ FIR દાખલ કરવામાં આવી હતી. યુપી સરકારે તેમની તસ્વીરો અને અન્ય વિગતો સાથે હોર્ડિંગ લગાવ્યા બાદ કેસના આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
યુપી સરકારે મેરઠ, પ્રયાગરાજ અને લખનૌમાં ઉત્તર પ્રદેશ સરકારી અને ખાનગી સંપત્તિને થયેલ નુકસાનની વસૂલાત માટે ટ્રિબ્યુનલની રચના કરી હતી અને આ પ્રકારના કેસનો નિકાલ લાવવા માટે આદેશ આપ્યો હતો. આ ત્રણેય ટ્રિબ્યુનલોમાં આવા કુલ 105 કેસ લંબિત છે. જેમાં મેરઠ ડિવિઝનમાં 20 કેસ પેન્ડિંગ છે અને જે માટે કુલ 277 આરોપીઓને નોટિસ પાઠવવામાં આવી છે.
વર્ષ 2019માં કેન્દ્રની મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદો પસાર કર્યો હતો, જે સામાન્ય ભાષામાં તેના અંગ્રેજી ટૂંકા સ્વરૂપ CAA નામે ઓળખાય છે. જેમાં ડિસેમ્બર 2014 પહેલાં પાડોશી ઇસ્લામિક દેશોમાંથી પ્રતાડિત થઈને ભારત આવેલા ત્યાંના લઘુમતીઓને (હિંદુ, શીખ, પારસી, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન) નાગરિકતા આપવા માટે જોગવાઈ કરવામાં આવી હતી. આ કાયદાને લઈને અપપ્રચાર પણ બહુ થયો હતો અને રાજનીતિક લાભો મેળવવા માટે તેને ‘મુસ્લિમો માટે વિરોધી’ ગણાવીને તોફાનો અને રમખાણો પણ બહુ થયાં હતાં.