જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વીજળીના થાંભલા લગાવવાની કામગીરી રોકવા બદલ આમ આદમી પાર્ટીના નેતા સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ વિરુદ્ધ જેટકો કંપની દ્વારા લગાવવામાં આવતા વીજ થાંભલાની કામગીરીમાં અવરોધ પેદા કરવા બદલ ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.
ફરિયાદ બાદ જામનગરના સ્થાનિક આઈપીએસ અધિકારી નિધિ ઠાકુર અને કલ્યાણપુરના પીએસઆઈ એફબી ગગનિયાએ આમ આદમી પાર્ટીના નેતા નિન્દ્રેશ મદન બોચિયા અને અન્ય આઠ વ્યક્તિઓની ધરપકડ કરી લીધી હતી. આ તમામ વિરુદ્ધ કંપનીના કામમાં ખલેલ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. તેઓ નિયમાનુસાર નક્કી કરેલ રકમથી વધુ વળતર માંગી રહ્યા હતા અને તેથી કામ બંધ કરાવવાના પ્રયત્ન કરી રહ્યા હતા.
પોલીસે જણાવ્યું કે આમ આદમી પાર્ટીના નેતા સહિત આઠ લોકોની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરવા માટેની કાર્યવાહી હાલ ચાલી રહી છે.
આ વર્ષના અંતમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગપેસારો કરવા માટે મથી રહી છે. જોકે, હજુ સુધી પાર્ટીને ધારેલી સફળતા મળી શકી નથી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 બેઠકો જીત્યા સિવાય એકેય સ્થાનિક ચૂંટણીમાં પાર્ટી કમાલ કરી શકી ન હતી. ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ પાર્ટીએ માત્ર એક બેઠક મેળવીને સંતોષ માનવો પડ્યો હતો.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યની તમામ વિધાનસભા બેઠકોના મતદારો સુધી પહોંચવા માટે આમ આદમી પાર્ટીએ ગત 15 મેના રોજ પરિવર્તન યાત્રાની શરૂઆત કરાવી હતી. જોકે, કેટલાંક શહેરોમાં યોજવામાં આવેલ આ પરિવર્તન યાત્રાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ વાયરલ થયેલા વિડીયોમાં રેલીમાં બહુ ઓછી ભીડ જોવા મળી હતી તો મોટાભાગના વાહનો પણ પંજાબથી મંગાવવામાં આવ્યા હતા. જેના કારણે સોશિયલ મીડિયા પર પાર્ટીની મજાક પણ બહુ ઉડાવાઈ હતી.
આમ આદમી પાર્ટની આ પરિવર્તન યાત્રાઓને ગુજરાતીઓ દ્વારા જોઈએ એવો પ્રતિસાદ મળ્યો નહોતો. આમ આદમી પાર્ટી આ અગાઉથી જ જાણી ગઈ હોય એમ એમણે પહેલેથી જ યાત્રા માટે મોટી સંખ્યામાં પંજાબથી ગાડીઓ અને માણસોને બોલાવી રાખ્યા હતા. યાત્રામાં ક્યાંક રેલીમાં માણસો ન જોવા મળ્યા તો ક્યાંક સભાસ્થળ સૂમસામ દેખાયું હતું. આમ આદમી પાર્ટીના નેતા તથા પૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવી રેલીમાં હાથ બતાવી બતાવીને થાકી ગયા પણ સામે કોઈ હાથ બતાવવાવાળું ભાસ્યું નહોતું.