બૉલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ અન્ય એક કેસ પણ ચર્ચામાં આવ્યો હતો- દિશા સાલિયાન મૃત્યુ કેસ. હવે મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકાર આ કેસ ફરી ખોલવાની તૈયારી કરી રહી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કેસની તપાસ કરવા માટે SITની રચના કરવાની જાહેરાત કરી છે.
There will be an SIT probe into Disha Salian death case. If anyone has any piece of evidence in this matter, they can give it to the Police: Maharashtra Deputy CM Devendra Fadnavis in the State Assembly
— ANI (@ANI) December 22, 2022
(File photo) pic.twitter.com/cT3HOfD9Li
મહારાષ્ટ્ર સરકારમાં ગૃહ ખાતું સાંભળતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “દિશા સાલિયાન મૃત્યુ કેસની તપાસ SIT કરશે. જો કોઈની પાસે આ મામલાને લગતા કોઈ પુરાવાઓ હોય તો તેઓ પોલીસને સોંપી શકે છે.” તેમણે આ વાત મહારાષ્ટ્ર વિધાનસભાના સત્ર દરમિયાન કહી હતી. તેમણે એમ પણ ઉમેર્યું કે કોઈને પણ નિશાન બનાવ્યા વગર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.
દિશા સાલિયાન દિવગંત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મેનેજર રહી ચૂકી હતી. 8 જૂન 2020ના રોજ દિશાનું એક ઇમારતના 14મા માળેથી નીચે પડી જવાના કારણે મૃત્યુ થયું હતું. જોકે, તે કેવી રીતે પડી ગઈ એ હજુ પણ રહસ્ય છે. તેના મૃત્યુના છ દિવસ બાદ 14 જૂને સુશાંતસિંહ રાજપૂતે પણ આત્મહત્યા કરી લીધી હતી.
2021માં મુંબઈ પોલીસે પુરાવાના અભાવે દિશા સાલિયાન કેસની તપાસ બંધ કરી હતી. તપાસ કરતા અધિકારીએ આસિસ્ટન્ટ પોલીસ કમિશનરને પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પંચનામું અને મૃતકના પરિજનોના નિવેદનો સાથે એક રિપોર્ટ મોકલ્યો હતો.
તાજેતરમાં જ આ કેસ ફરી ચર્ચામાં આવ્યો જ્યારે બાળાસાહેબ શિવસેના (એકનાથ શિંદે જૂથ) સાંસદ રાહુલ શેવાળેએ લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, “રિયા ચક્રવર્તીને સુશાંતના મોત પહેલાં 44 વખત AU નામથી ફોન કરવામાં આવ્યા હતા. રિયા ચક્રવર્તીની લીગલ ટીમે AUને અનન્યા ઉદાસ ગણાવ્યું હતું, પરંતુ બિહાર પોલીસની તપાસમાં AUનો અર્થ આદિત્ય ઠાકરે હોવાનું બહાર આવ્યું હતું. આ મામલાની તપાસ થવી જોઈએ અને સત્ય સામે આવવું જોઈએ.
Let truth about Disha Salian case come out,it’s still with Mumbai Police¬ yet investigated by CBI. I’ll request CM to investigate it. Final postmortem report yet to come&pages of entire book yet to be found.Narco test of Aaditya Thackeray must be conducted: BJP MLA Nitesh Rane pic.twitter.com/1UtsAINeEM
— ANI (@ANI) December 22, 2022
બીજી તરફ, મહારાષ્ટ્રમાં પણ આ મુદ્દો ઉઠ્યો અને ભાજપ ધારાસભ્ય નિતેશ રાણેએ આદિત્ય ઠાકરેના નાર્કો ટેસ્ટની માંગ કરી હતી. તેમણે કહ્યું, “દિશા સાલિયાન કેસનું સત્ય બહાર આવવું જોઈએ. કેસ હજુ પણ મુંબઈ પોલીસ પાસે જ છે અને CBI દ્વારા તેની તપાસ કરવામાં આવી નથી. હું મુખ્યમંત્રીને વિનંતી કરીશ કે મામલાની તપાસ કરાવવામાં આવે.” તેમણે એમ પણ કહ્યું કે, આ મામલે આદિત્ય ઠાકરેનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવવો જોઈએ.