દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ મુખ્ય સચિવને નિર્દેશ આપ્યો છે કે કેજરીવાલ સરકાર દ્વારા આપવામાં આવતી રાજકીય જાહેરાતોનો ખર્ચ આમ આદમી પાર્ટી પાસેથી વસૂલવામાં આવે. ઉપરાજ્યપાલે પોતાના આદેશમાં કહ્યું છે કે સરકારી જાહેરાતો તરીકે રાજકીય જાહેરાતો પ્રકાશિત કરવા બદલ આમ આદમી પાર્ટી પાસેથી 97 કરોડ રૂપિયા વસૂલવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે AAPએ જાહેરાત માટે સરકારના 97 કરોડનો ખર્ચ કરીને અરવિંદ કેજરીવાલ સરકાર 2015માં સુપ્રીમ કોર્ટ અને 2016માં દિલ્હી હાઈકોર્ટના નિર્ણયોનું ઉલ્લંઘન કરી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે ઉપરાજ્યપાલ પાસે આવી કોઈ સત્તા નથી.
અહેવાઓ અનુસાર AAPએ પાર્ટીની જાહેરાત માટે સરકારના 97 કરોડનો ધુમાડો કર્યો હોવાના દાવા સાથે આ નિર્દેશો આપવામાં આવ્યાં છે, જેના કારણે આમ આદમી પાર્ટીએ સરકારી તિજોરીમાં 97 કરોડ રૂપિયા જમા કરાવવા પડશે. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ મુખ્ય સચિવને ‘સરકારી જાહેરાતો તરીકે પ્રકાશિત રાજકીય જાહેરાતો મેળવવા’ માટે AAP પાસેથી 97 કરોડ રૂપિયા વસૂલવાનો નિર્દેશ આપ્યો છે.
Delhi LG VK Saxena directs Chief Secretary to recover Rs 97 Crores from AAP for political advertisements it published as government ads. LG’s directions come in wake of Supreme Court orders of 2015, Delhi HC order of 2016 & CCRGA’s order of 2016, being violated by AAP Govt
— ANI (@ANI) December 20, 2022
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશોનું ઉલંઘન: ઉપરાજ્યપાલ
દિલ્હીના મુખ્ય સચિવને આપેલા નિર્દેશમાં ઉપરાજ્યપાલે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા 16 સપ્ટેમ્બર, 2016ના રોજ નિયુક્ત કમિટી ઓન કન્ટેન્ટ રેગ્યુલેશન ઇન ગવર્નમેન્ટ એડવર્ટાઇઝિંગ (સીસીઆરજીએ)ના આદેશનું પાલન કરવામાં આવે. CCRGAએ આમ આદમી પાર્ટીને સરકારી તિજોરીમાં વ્યાજ સાથે 97 કરોડ 14 લાખ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. સમિતિએ તેમના આદેશમાં નોંધ્યું છે કે રાજકીય જાહેરાતો રાજકીય પક્ષને ફાયદો પહોંચાડતી સરકારી જાહેરાતો તરીકે પ્રકાશિત કરવામાં આવી હતી. આમ કરવું સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની અવમાનના છે.
સુપ્રીમ કોર્ટે 13 મે 2015ના તેના આદેશમાં કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારોને પાર્ટી અથવા રાજકીય પક્ષના કોઈપણ ચહેરાને પ્રમોટ કરવાનો હેતું હોય તેવી સરકારી જાહેરાતો ટાળવા કહ્યું હતું. કોર્ટે આ માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી. આ આદેશનું પાલન કરવા માટે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા એપ્રિલ 2016માં CCRGAની રચના કરવામાં આવી હતી.
CCRGAને તપાસમાં જાણવા મળ્યું હતું કે AAPની કેજરીવાલ સરકાર દ્વારા આપવામાં આવેલી કેટલીક જાહેરાતો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન વિરુદ્ધ છે. 97,14,69,137 રૂપિયાની જાહેરાતો સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરતી હોવાનું જાણવા મળ્યું હતું. તેમાંથી 42,26,81,265 રૂપિયા દિલ્હી સરકારે ચૂકવી દીધા છે પરંતુ 54,87,87,872 રૂપિયા હજુ ચૂકવવાના બાકી છે. હવે ઉપરાજ્યપાલે દિલ્હી સરકાર દ્વારા ચૂકવવામાં આવેલી 42 કરોડની રકમ અને લગભગ 55 કરોડની બાકીની રકમ આમ આદમી પાર્ટીના ખાતામાંથી જમા કરવાનો આદેશ આપ્યો છે.