26 નવેમ્બર 2008ના રોજ પાકિસ્તાનથી ઘૂસી આવેલા ઈસ્લામિક આતંકવાદીઓએ મુંબઈમાં અનેક જગ્યાએ હુમલો કર્યો (26/11 Attack). સપનાંઓના શહેર તરીકે ઓળખાતા શહેરમાં જ્યાં ગોળીબાર થયો તેમાંની એક જગ્યા કામા એન્ડ અલ્બલેસ હોસ્પિટલ પણ હતી. આ હોસ્પિટલમાં આતંકવાદીઓએ અંધાધુંધ ગોળીબાર શરૂ કર્યો ત્યારે 20 ગર્ભવતી મહિલાઓ વોર્ડમાં દાખલ હતી. આ મહિલાઓને ગમે-તે ક્ષણે પ્રસવ પીડા શરૂ થવાની તૈયારીઓ હતી. મોત માથે ભમતું હોવા છતાં એક નર્સે આ સગર્ભા સ્ત્રીઓ અને તેમના અજાત બાળકોની માત્ર સુરક્ષા જ નહીં પણ આતંકવાદી હુમલાની વચ્ચે એક મહિલાને પ્રસૂતિ પણ કરાવી હતી. 26/11 હુમલો જોનાર નર્સે આખી આપવીતી દુનિયાને સંભળાવી.
આ નર્સ હતા અંજલિ વી. કુલથે. તેઓ 1886માં સ્થપાયેલી મહિલાઓ અને બાળકો માટેની આ હોસ્પિટલની નર્સિંગ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યોજાયેલી ચર્ચામાં ભાગ લઈને 26/11 હુમલો જોનાર નર્સે આખી આપવીતી દુનિયાને સંભળાવી અને તે પણ જણાવ્યું કે પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને ઓળખી બતાવવા માટે જ્યારે તેમને બોલાવવામાં આવ્યા ત્યારે અજમલ કેવી રીતે હસી રહ્યો, તેના ચહેરા પર અફસોસની એક પણ રેખા ન હતી.
22 વર્ષથી આ હોસ્પિટલમાં કામ કરી રહેલા અંજલિએ જણાવ્યું કે 26 નવેમ્બર 2008ના રોજ રાત્રે 8 વાગ્યે તેમની નાઈટ શિફ્ટ શરૂ થઈ હતી. 20 ગર્ભવતી મહિલાઓની જવાબદારી તેમના પર હતી. તેમની સાથે બે સહાયકો હીરા અને મધુ પણ હતા. લગભગ એક કલાક પછી તેમને મુંબઈમાં આતંકી હુમલાની માહિતી મળી. લગભગ 10.30 વાગ્યાની આસપાસ તેમની હોસ્પિટલની પાછળથી પણ ફાયરિંગનો અવાજ આવવા લાગ્યો હતો. બાથરૂમની બારીમાંથી તેમણે બે હથિયારધારી આતંકવાદીઓને હોસ્પિટલમાં પ્રવેશતા જોયા. આ દરમિયાન તેમના એક સહાયકને પણ ગોળી વાગી હતી.
અંજલીએ જણાવ્યું કે વોર્ડ તરફ દોડતી વખતે તેમણે જોયું કે આતંકવાદીઓએ બે સુરક્ષાકર્મીઓને મારી નાખ્યા છે. આમ છતાં તેમણે હિંમત ન હારી અને લોખંડનો દરવાજો અને લાઈટ બંધ કરી. બધી સ્ત્રીઓને પેન્ટ્રીમાં શિફ્ટ કરી. ફાયરિંગ વચ્ચે એક મહિલાને ડિલિવરી રૂમમાં ખસેડવામાં આવી હતી અને એક બાળકીનો જન્મ થયો હતો. અંજલિ કહે છે કે તેમણે આખી રાત ડરમાં વિતાવી. સવારે પોલીસ આવી ત્યારે છેક દરવાજો ખુલ્લો હતો.
#WATCH | Anjali Vijay Kulthe, a nursing officer at Cama & Albless Hospital, victim & survivor of the 26/11 Mumbai terror attacks, tells about the attack on her hospital & how she saved the lives of 20 pregnant women amid firing by terrorists outside. pic.twitter.com/wkl9lsEHWq
— ANI (@ANI) December 15, 2022
અંજલિએ UNSCમાં જણાવ્યું હતું કે, હુમલા બાદ જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબને તેઓ જેલમાં મળ્યા હતા. કસાબની ઓળખ પરેડ કરવા માટે તેમને પણ બોલાવવામાં આવ્યા હતા. જ્યારે તેમણે ક્સાબને જોયો ત્યારે તેના ચહેરા પર કોઈ પ્રકારનો અફસોસ નહોતો. એવું લાગતું હતું કે તેને તેના કાર્યો માટે કોઈ પસ્તાવો નથી. ઉલ્લેખનીય છે કે કસાબ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા દરમિયાન જીવતો પકડાયો હતો. તમામ ન્યાયિક પ્રક્રિયા બાદ 21 નવેમ્બર 2012ના રોજ તેમને ફાંસી આપવામાં આવી હતી.
I was called for Ajmal Kasab’s identification, he laughed and said that I identified him correctly & that he was only Ajmal Kasab. Despite killing so many people, there wasn’t any remorse on his face. I was saddened & angry by this: AV Kulthe, Nurse, Cama & Albless Hospital pic.twitter.com/1INMeqBwqE
— ANI (@ANI) December 15, 2022
UNSCમાં પોતાનું સંબોધન પૂરું કર્યા બાદ અંજલિએ ન્યૂઝ એજન્સી ANI સાથે પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો. નોંધનીય છે કે ભારત 2022ના ડિસેમ્બર મહિના માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ દરમિયાન બેઠકમાં આતંકવાદ પર ચર્ચા થઈ રહી છે.