મહારાષ્ટ્ર રાજ્યની એકનાથ શિંદે સરકારે રાજ્યમાં થતાં આંતર-ધાર્મિક અને આંતરજાતીય લગ્નોને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે 13 સભ્યોની એક પેનલની રચના કરી છે. આ પેનલ આંતરધર્મીય પરિણીત યુગલોના પરિવારના સભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોની તપાસ કરશે. આ પેનલનું નેતૃત્વ મહારાષ્ટ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રી (WCD) મંગલ પ્રભાત લોઢા કરશે. સમિતિનું નેતૃત્વ કરતા મંગળ પ્રભાત લોઢાએ કહ્યું કે, “આ પેનલ શ્રદ્ધા વલકર હત્યા કેસ જેવા મામલા ફરીથી ન બને તે સુનિશ્ચિત કરવાના પ્રયાસ કરશે.”
આ માટે સરકાર માતા-પિતા અને બાળકો માટે એક હેલ્પલાઈન શરૂ કરશે. આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે તેઓ નથી ઈચ્છતા કે બાળકો તેમના માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરી પોતાના પરિવારથી છૂટા પડી જાય. આ સમિતિમાં કુલ 13 સભ્યો હશે અને કમિટીનું નામ ‘આંતરજાતિ/આંતરધર્મી લગ્ન-પરિવાર સંકલન સમિતિ’ રાખવામાં આવ્યું છે.
નોંધપાત્ર વાત છે કે શ્રદ્ધા વાલ્કર હત્યા કેસ બાદ આ પેનલની રચના કરવામાં આવી છે. મહારાષ્ટ્રની શ્રદ્ધાની દિલ્હીમાં તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ પુનાવાલાએ હત્યા કરી હતી. શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબે મૃતદેહના 35 ટુકડા કર્યા હતા. મૃતદેહના ટુકડાને 300 લિટરના ફ્રીજમાં લગભગ ત્રણ અઠવાડિયા સુધી રાખ્યા હતા અને રોજ થોડા-થોડા ટુકડાઓ બહાર ફેંકી આવતો હતો.
આ પેનલ ધાર્મિક સ્થળોએ થતા લગ્નો અંગેનો ડેટા એકત્ર કરશે અને તેની નોંધણી થઇ છે કે કેમ તે બાબતની તપાસ કરશે. આવા લગ્નોથી ઉદ્ભવતી તકરાર અને અન્ય સમસ્યાઓને ઉકેલવા માટેનું પ્લેટફોર્મ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ કમિટી આંતર-જ્ઞાતિ અને આંતર-ધર્મ લગ્નોમાં તમામ મુદ્દાઓ અને ખામીઓનો પણ અભ્યાસ કરશે, જેના પગલે તે વર્તમાન કાયદામાં જો કોઈ હોય તો જરૂરી ફેરફારો લાવવા માટે રાજ્ય સરકારને અહેવાલ સુપરત કરશે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકાર રાજ્ય વિધાનસભાના આગામી શિયાળુ સત્રમાં કાયદો લાવવા પર પણ વિચાર કરી રહી છે, જે લગ્ન દ્વારા બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે રચાયેલ છે, જેને રાજ્યમાં ‘લવ જેહાદ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂત્રોએ એ પણ માહિતી આપી કે કાયદો યુપી સરકારની તર્જ પર હશે અને દોષિતોને 3-5 વર્ષની જેલની સજા થશે. જો પીડિતા સગીર હોય અથવા અનુસૂચિત જાતિ વગેરેની હોય, તો સજા વધુ આકરી હશે.