ભારત-ચીનના જવાનો વચ્ચે ફરી સરહદીય ઘર્ષણ થયું હોવાનું જાણવા મળ્યું છે. જેમાં બંને પક્ષોએથી જવાનો ઈજાગ્રસ્ત થયાના અહેવાલો છે. આ ઘટના અરૂણાચલ પ્રદેશના તવાંગ જિલ્લાના યંગસ્ટેમાં બની હોવાનું કહેવાય છે. ભારતીય રક્ષા મંત્રાલયે બાબતની પુષ્ટિ કરી છે.
BREAKING: Official MoD statement on the Dec 9 clash between Indian & Chinese troops at LAC Yangtse, Tawang sector, Arunachal Pradesh pic.twitter.com/zO1sJp7YsO
— Shiv Aroor (@ShivAroor) December 12, 2022
રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, તાજેતરમાં અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ચીની સૈનિકો ધસી આવતાં ભારતીય જવાનોએ તેનો દ્રઢતાપૂર્વક સામનો કરી જવાબ આપ્યો હતો. જેના કારણે બંને પક્ષે જવાનો ઘાયલ થયા હતા. જોકે, ત્યારબાદ બંને પક્ષે એક ફ્લેગ મિટિંગ પણ યોજાઈ હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.
ઘટના ગત 9 ડિસેમ્બરના રોજ બની હોવાનું જણાવવામાં આવ્યું છે. જે અનુસાર, અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં LAC પાસે ચીનની સેના PLAના જવાનો ધસી આવ્યા હતા, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ઘર્ષણમાં બંને તરફે જવાનોને ઈજાઓ પહોંચી હતી. જોકે, ઘર્ષણ બાદ બંને પક્ષો ઘટનાસ્થળેથી હટી ગયા હતા.
As a follow-up of the incident, India’s Commander in the area held a Flag Meeting with his counterpart to discuss the issue in accordance with structured mechanisms to restore peace and tranquillity: Sources
— ANI (@ANI) December 12, 2022
નિવેદન અનુસાર, ઘટના બાદ ભારતના એરિયા કમાન્ડરે તેમના ચીની સમકક્ષ સૈન્ય અધિકારી સાથે એક ફ્લેગ મિટિંગ યોજી ક્ષેત્રમાં સુલેહ અને શાંતિ પ્રસ્થાપિત કરવા માટે ચર્ચા પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં LAC પાસે અમુક વિસ્તારો એવા છે જ્યાં ચીન પણ ખોટી રીતે દાવો કરતું રહ્યું છે. જેના કારણે અમુક ક્ષેત્રોમાં બંને પક્ષો (ભારત અને ચીન) પેટ્રોલિંગ કરે છે. આ પ્રથા છેક 2006થી ચાલતી આવી છે.
ઉલ્લેખનીય છે કે જૂન 2020માં પણ ભારતીય જવાનો અને ચીનની સેના વચ્ચે લદાખના પૂર્વ ભાગમાં આવેલ ગલવાનની ખીણમાં LAC પાસે બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હતું. ચીનના સૈનિકો ભારતની સરહદમાં ઘૂસી આવતાં સેનાએ જવાબ આપ્યો હતો. જેમાં ભારતના 20 જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા. સામે ચીનના 47 જેટલા સૈનિકોને ભારતીય જવાનોએ મોતને ઘાટ ઉતારી દીધા હતા.
ભારત-ચીનના જવાનો વચ્ચે ઘર્ષણ થયા બાદ બંને પક્ષો વચ્ચે અનેક રાઉન્ડ બેઠકો થઇ હતી અને શાંતિ પ્રસ્થાપિત કરવા માટે વાટાઘાટો ચાલતી રહી હતી. જોકે, ગલવાનમાં તો ત્યારપછી કશું થયું નથી પરંતુ હવે અરૂણાચલ પ્રદેશમાં ચીને અવળચંડાઈ કરી હોવાનું તાજા અહેવાલો જણાવી રહ્યા છે.